મેના ગુર્જરી (1975) : ગુજરાતી ચલચિત્ર. નિર્માતા પૂનમભાઈ સી. પટેલ અને દિગ્દર્શક દિનેશ રાવળની આ ઑરવો કલરમાં તૈયાર થયેલી ફિલ્મનાં મુખ્ય કલાકારો હતાં મલ્લિકા સારાભાઈ અને રાજીવ. અન્ય કલાકારો હતાં ચાંપશીભાઈ નાગડા, મંજરી, ચંદ્રકાંત પંડ્યા. પી. ખરસાણી, ઇન્દુમતી રાજડા, રમેશ મહેતા, અરવિંદ પંડ્યા અને મહેમાન કલાકાર જોગેનકુમાર. છબીકલા પ્રતાપ દવેની હતી. ફિલ્મનાં છ ગીત રમેશ ગુપ્તાએ લખ્યાં હતાં. શાહજાદા અને મેનાનું એક સંવાદગીત કવિ ભાસ્કર વોરાનું રચેલું હતું. ફિલ્મનું સંગીત દિલીપ ધોળકિયાએ આપ્યું હતું. ગીતોમાં સ્વર પાર્શ્વગાયક એ. આર. ઓઝા, આનંદકુમાર સી., દિલીપ ધોળકિયા, ઉષા મંગેશકર, દિલ રાજકૌર અને ઉષા રેગેનો હતો.

‘મેના ગુર્જરી’ની કથા કલ્પિત લોકકથા–દંતકથા–ઐતિહાસિક કથાના મિશ્રણ જેવી હતી. પાવાગઢના ડુંગરે બિરાજતાં મહાકાળી માતાની કૃપાથી મેરુભાને પુત્રસમોવડી પુત્રી મેનાની પ્રાપ્તિ થઈ હતી. પરસ્ત્રી પર અત્યાચાર કરતા નરાધમોને રણચંડિકા સમાન મેના નસિયત કરે છે. કુર્દષ્ટિ કરનારા ગામમુખીના લંપટ દીકરાને પાઠ ભણાવે છે. મુખીની દીકરી પર કુર્દષ્ટિ કરનારા ડાકુને ઠાર કરે છે. માંડવગઢ પર ચડાઈ કરનારા ડાકુઓનો બહાદુરીથી સામનો કરે છે. ગોકુળગઢ ગામનો કુંવર ચંદાજી મેના પ્રત્યે આકર્ષાય છે અને લગ્નગાંઠે બંધાય છે. દુશ્મનોના આક્રમણને ખાળવા સુલતાનની મદદે ચંદાજી સાથીઓ સાથે જાય છે. સખીઓ સાથે નીકળેલી મેના પાદરે પડાવ નાખીને રહેલા શાહજાદાની નજરે પડે છે. શાહજાદો મેનાના મોહમાં અંધ બને છે, પરંતુ મેના તેને ધુત્કારી કાઢે છે. શાહજાદો મેનાને કેદ કરે છે, પરંતુ ચંદાજી પોતાની ચતુરાઈ અને બહાદુરીથી અંતે મેનાને છોડાવે છે.

‘મેના ગુર્જરી’નું એક ર્દશ્ય

આ પ્રકારનું કથાનક ધરાવતું શ્રી રસિકલાલ પરીખે લખેલું છે ‘મેનાં ગુજરી’ નામે એક નાટક. સંભવત: આ ફિલ્મની પટકથા પર આ નાટકની અસર હોય. ‘મેના ગુર્જરી’ ફિલ્મનો એક ગરબો ‘સાથિયા પુરાવો, દ્વારે દીવડા પ્રગટાવો રાજ; આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી’ ખૂબ જાણીતો થયો હતો. રાધા-કૃષ્ણના પ્રેમનું ગીત, યુગલગીત, સંવાદગીત, હાસ્યગીત જેવા ગીતરચનાના પ્રયોગો પણ અહીં કરવામાં આવ્યા હતા. ફિલ્મનાં મુખ્ય કલાકાર મલ્લિકા સારાભાઈનો મેનાના પાત્રમાં તથા રાજીવનો ચંદાજી તરીકેનો અભિનય ઉત્કૃષ્ટ કોટિનો હતો. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં ‘મેના ગુર્જરી’ આઠમા દાયકાની એક સફળ, કલાત્મક અને સંગીતમય ફિલ્મ તરીકે નામના પામી છે.

હરીશ રઘુવંશી