મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ)
February, 2002
મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ) : શરીરમાં વધુ પડતી ચરબી પેદા કરતો રોગ. આ રોગના કારણે શરીર પર– ખાસ કરીને, પેટ, સાથળ, બાવડાં, છાતી, નિતંબ તથા ચહેરા પર – ચરબી(મેદ : fat)ના વધુ પડતા થર જામે છે અને શરીરનું વજન ખૂબ વધી જાય છે અને તેથી શરીર કદરૂપું કે બેડોળ દેખાય છે. આ રોગ ખાસ કરી અપરિશ્રમી, સુખી અને બેઠાડુ જીવન જીવતા લોકોને વધુ થાય છે. ઘણાને આ રોગ મા-બાપના વારસાથી મળે છે.
મેદસ્વિતા બીજા અનેક રોગોની જનેતા છે. આ રોગને કારણે હરસ, ભગંદર, હૃદયરોગ, હાઇબ્લડપ્રેશર, જાતીય નબળાઈ અને અન્ય નબળાઈ, શ્વાસ-હાંફ, મધુપ્રમેહ જેવા અનેક રોગો થાય છે. તેથી આ રોગની યોગ્ય સારવાર તુરત કરવી પડે.
રોગનાં કારણો : આયુર્વેદ મતે વ્યાયામ(શ્રમ)નો અભાવ, બેઠાડુ જીવન, દિવસે ઊંઘવું, કફ-મેદવર્ધક (મધુર-ખાટા-ભારે) ખોરાકની ટેવ, માંસ, ચરબી, દારૂનું વધુ સેવન, પરાવલંબી અપરિશ્રમી જીવનશૈલી જેવાં કારણોથી શરીરમાં મેદ વધે છે.
રોગનાં લક્ષણો : શારીરિક શ્રમનું કાર્ય કરવાની અશક્તિ, થોડોક શ્રમ કરવાથી કે દાદર ચડવાથી ચડતો હાંફ-શ્વાસ, વધુ તરસ, વધુ ભૂખ, વધુ ઊંઘ, ધાર્યું કામ ન કરી શકવું, અંગ શિથિલ રહેવું, ખૂબ પરસેવો થવો, પરસેવો ગંધાવો, જીવનીય તથા મૈથુનશક્તિ ઘટવી, શરીર કદમાં ને વજનમાં ખૂબ વધી જવું, દેહ કદરૂપો કે બેડોળ થઈ જવો, આળસ વધવી, સ્તન (છાતી), પેટ, નિતંબ તથા સાથળ પર વધુ મેદ જામી જવાથી તે અંગો ચાલતી વખતે હલવાં, ઉત્સાહનો અભાવ વગેરે આ રોગનાં લક્ષણો છે.
અતિસ્થૂલતા (મેદસ્વિતા) : વ્યક્તિના બાંધા અને ઊંચાઈના સંદર્ભમાં આદર્શ વજનથી 10 % કે 15 %થી વધુ વજન હોય તો તે વ્યક્તિને ‘મેદસ્વી’ કહેવાય છે. સામાન્ય રીતે હોવું જોઈએ તેથી બમણું કે તેથી વધુ વજન હોય તો તે વ્યક્તિ અતિસ્થૂલ કે અતિમેદસ્વી કહેવાય છે.
મેદસ્વી વ્યક્તિના દોષો : આચાર્ય ચરકે મેદસ્વી વ્યક્તિના આઠ ખાસ દોષો ગણાવ્યા છે : (1) મેદધાતુનો ખાસ વધારો, પણ આથી અસ્થિ, મજ્જા ને વીર્ય ધાતુની અલ્પતા થવી તેથી આયુષ્ય ઘટવું, (2) શિથિલતા, સુકુમારતા અને શરીરનું ભારેપણું થવાથી ઉત્સાહનો અભાવ; (3) વીર્યની અલ્પતા તથા મૈથુન-શક્તિ ઘટવી; (4) શારીરિક નબળાઈ, અસહનશીલતા; (5) મેદવૃદ્ધિને કારણે દુર્ગંધયુક્ત પરસેવો વધુ થવો; (6) કફવર્ધક ખોરાકથી પરસેવો વધવો, વધુ પરસેવો થવાથી શ્રમ ન કરી શકવાની નબળાઈ; (7) ભૂખ-તરસ વધુ લાગવી અને (8) ઊંઘ (આળસ) વધુ આવવી. આયુર્વેદે આરોગ્યની ર્દષ્ટિએ હંમેશાં મધ્યમ શરીરની પ્રશંસા કરી છે. અતિ મેદસ્વી કે અતિ કૃશ (દૂબળું) – બંને પ્રકારનાં શરીર નિંદ્ય છે.
રોગની સારવાર : મેદરોગ ભારે ચીકણો રોગ છે. દર્દીએ આ રોગ મટાડવાનો મનથી મજબૂત સંકલ્પ કરી, તેની યોગ્ય ઔષધિ – સારવાર લેવા સાથે યોગ્ય પરેજી પાળવી પડે છે.
સરળ ઔષધ–પ્રયોગો : (1) ત્રિફળાનો ઉકાળો કરી તેમાં મધ 2 ચમચી નાંખી રોજ સવાર-સાંજ પીવું. (2) ગરમ કરેલા પાણીમાં લીંબુ અર્ધું નિચોવી, તેમાં મધ 2–3 ચમચી નાંખી રોજ નરણા કોઠે પીવું. (3) ચવક, ચિત્રક, જીરું, સૂંઠ, મરી, લીંડી પીપર, હિંગ અને સંચળનું ચૂર્ણ બનાવી 3થી 5 ગ્રામ દવા મધ સાથે રોજ સવાર-સાંજ લેવી, જેથી મેદ ઘટે. (4) તજનું ચૂર્ણ રોજ સવાર-સાંજ મધ સાથે ચાટવું. ને રોગની પરેજી પાળવી.
શાસ્ત્રોક્ત ઔષધો : (1) મહારાસ્નાદિ અથવા વરુણાદિ ક્વાથ રોજ સવાર-સાંજ પીવો. (2) આ ઉકાળા સાથે મેદોહર ગૂગળની 2–3 ગોળીને ચાવીને લેવી અથવા ત્ર્યૂષણાદિ ગૂગળ કે વિડંગાદિ લોહ કે મહાયોગરાજ ગૂગળની 2–2 ગોળી ચાવીને પાણી સાથે લેવી. (3) જમ્યા પછી ત્રિફળા ગૂગળની 2–3 ગોળી ચાવી જવી. તે ઉપર 2 ગોળી આરોગ્યવર્ધિનીની લેવી. (4) રાતે ત્રિફળા કે હરડેની ફાકી રોજ લેવી. નંબર 1થી 4 બધી દવા સાથે લેવાથી 2–3 માસમાં ઘણું વજન ઊતરે છે. મેદ ઘટે છે. (5) શરીરે મહાનારાયણ તેલનું રોજ માલિશ કરવું. તેથી પણ મેદ ઘટે છે.
યોગ્ય આહાર–વિહાર : મેદરોગ મટાડવા દર્દીએ જૂના ઘઉં, જવ, બાજરી, મગ, સામો, કોદરો, મોરૈયો, જુવાર, ચણા, મધ, કળથી, મસૂર, રીંગણાં, બધી ભાજી, સૂરણ, મેથી, સરગવો, પરવળ, કારેલાં, કંકોડાં, તૂરિયાં વગેરે લેવાં. ખાવામાં તલનું તેલ કે કરડી(સફોલા)નું તેલ કે સરસવ તેલ લેવું ઇષ્ટ ગણાય છે. ફળોમાં લીંબું તથા પપૈયું જ માત્ર લેવાય. મધ, સૂંઠ, મરી, પીપર, એલચી, આદુ, ફુદીનો તથા તજનો ઉપયોગ લાભપ્રદ. કઠોળ, અડદ કદીક જ લેવાં. આ દર્દીએ ચિંતા કરવી. પરિશ્રમ કરવો–વ્યાયામ કરવો. રોજ 5-6 કિમી. ચાલવું. શરીરે ઉબટન કરી મૈથુન કરવું, એકટાણાં-ઉપવાસ કરવાં, યોગાસનો કરવાં, તાપ-તડકો સેવવો, ઘોડેસવારી કે સાઇક્લિંગ કરવું, જુલાબ લેવો, તથા ઊલટી કરવી લાભપ્રદ છે. મેદસ્વી વ્યક્તિએ પોતે સ્વાવલંબી ને પરિશ્રમી બનવું જરૂરી છે. ખોરાકમાં મગ રોજ ખાવા ને મધનો વધુ ઉપયોગ કરવો હિતાવહ છે.
અપથ્ય આહાર–વિહાર : મેદસ્વી વ્યક્તિએ દિવસે ઊંઘવું નહિ. સ્નાન ઠંડા પાણીથી કરવું. ભોજન પછી એકાદ કલાક સુધી પાણી ન પીવું. આળસ કરવી કે પરિશ્રમ ન કરવો હિતકર નથી. બેફિકર રહેવું પણ સારું નથી. આ દર્દીએ ખોરાકમાં માંસાહાર, અડદ, ઘી-દૂધ, માખણ, મીઠાઈ, ગળી કે મેંદાની તથા દૂધની બનાવટો, પિપરમિંટ-ચૉકલેટ, ખાંડ-ગોળ ને ઘીની બનાવટો, મીઠાં ફળો, તળેલી વસ્તુઓ (ફરસાણ), બટાટા, રતાળુ, બેઠો રાંધેલો ભાત, સૂકો મેવો, વધુ પડતાં ચા-કૉફી, ઠંડાં શરબતો કે ફ્રિજ – બરફનું પાણી, મીઠાં (એરેટેડ) પીણાં (કોલ્ડ્રિંક્સ), આઇસક્રીમ, માંસ-માછલી, ઈંડાં, વાયડા-કઠોળવાળા પદાર્થો તેમજ વધુ પડતા ખારા પદાર્થો ન લેવા હિતકર છે. બપોરના તડકામાં ચાલવા–ફરવાના નિયમથી મેદ જલદી ઘટે છે.
અન્ય સલાહસૂચનો : મેદ ઘટાડવા ઇચ્છનારે પોતાની જીવનશૈલી બદલવી જરૂરી છે. પરિશ્રમી, સ્વાવલંબી જીવન જીવવું, પેટ સાફ રાખવું, વધુ પડતું અને વારંવાર ભોજન ન કરવું, વિવિધ મેદાની રમતો રમવી, રોજ વધુ ચાલવું, પાણીમાં તરવું, સાઇકલ ચલાવવી. ભૂખ લાગે ત્યારે નાસ્તામાં લોટવાળી વસ્તુ ખાસ ન લેવી, પણ તેની જગ્યાએ કચુંબર અને તાજાં ફળ ખાવાં, બાફેલા, વઘારેલા કે ફણગાવેલા મગનો નાસ્તામાં ખાસ ઉપયોગ કરવો. જમતાં પહેલાં 1 વાટકી મગ કે તુવેરદાળનું ઓસામણ પી જવું. જમ્યા પછી રોજ 200 ડગલાં ચાલવું. આ બધું કરવાથી મેદ રોગ મટી શકે છે.
બળદેવપ્રસાદ પનારા