મેઢ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના સેરૅમ્બિસિડી (Cerambycidae) કુળના એક કીટકની ઇયળ (ડોળ). આ જીવાતની કુલ સાત જેટલી જાતિઓ નોંધાયેલી છે. તે પૈકી ભારતમાં પાંચ જાતિઓ જોવા મળે છે. તેમાંની Batocera rufomaculata De Geer. જાતિની ડોળ ગુજરાતમાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ આંબો, અંજીર, રબર, ફણસ, એવોકેડો, શેતૂર, સફરજન, નીલગિરિ જેવાં ઝાડમાં જોવા મળે છે. ભારતમાં આ કીટકનો ઉપદ્રવ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસા, મધ્યપ્રદેશ, આસામ, કેરળ, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાં નોંધાયેલો છે.
પુખ્ત કીટક મજબૂત બાંધાનો, લાંબો અને પીળાશ પડતા બદામી રંગનો હોય છે. તેની લંબાઈ આશરે 5થી 6.5 સેમી. જેટલી હોય છે. તે વક્ષ પર બે નારંગી રંગનાં પીળાશ પડતાં ટપકાં ધરાવે છે અને તેની બંને બાજુએ અણીદાર કાંટા જેવાં અંગો આવેલાં હોય છે. તેની શૃંગિકા (antenna) તેના શરીર જેટલી જ લંબાઈની, મજબૂત અને કંકણાકાર હોય છે. પુખ્ત મેઢ ઇયળ પીળાશ પડતા સફેદ રંગની, પગ વગરની માંસલ હોય છે. તેના શરીરની ખંડરચના સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મેઢ ઇયળ બદામી રંગના માથાવાળી અને મજબૂત જડબાંવાળી હોય છે. માદા કીટક મોટી ઉંમરના ઝાડનાં થડ અને ડાળીઓ પર પડેલા ઘા અથવા તો તિરાડોમાં એકલદોકલ ઈંડાં મૂકી તેને ચીકણા પદાર્થથી ઢાંકી દે છે. ઈંડા-અવસ્થા એકથી બે અઠવાડિયાંની હોય છે. ઈંડામાંથી નીકળેલી નાની ઇયળ (મેઢ) ઝાડની છાલને કોરીને તેમાં પોલાણ કરી પેસી જાય છે અને છાલની નીચેના ભાગને વાંકીચૂકી રીતે કોરીને તે થડ/ડાળીના અંદરના ભાગ સુધી પહોંચી જાય છે. આ મેઢ ઇયળ પુખ્ત થવામાં લગભગ 3થી 6 મહિના જેટલો સમય લે છે.
ઇયળના આક્રમણથી અસરગ્રસ્ત છોડનાં થડ અને ડાળીઓ સુકાવા લાગે છે. પાન ખરી પડે છે. તે જે કાણામાં દાખલ થાય છે તેમાંથી હગાર અને લાકડાનો વહેર જેવો પદાર્થ બહાર આવે છે. જો ઉપદ્રવ વધુ હોય તો આખું ઝાડ અથવા તેની ડાળીઓ પણ તૂટી પડે છે અને આખું ઝાડ સુકાઈ જાય છે. ઉપદ્રવ લાગેલા ઝાડ પર પૂરતા પ્રમાણમાં ફળ બેસતાં નથી. જ્યાં સુધી ડાળીઓ સુકાવા ન માંડે ત્યાં સુધી આ જીવાતના ઉપદ્રવનો ખ્યાલ આવતો નથી. ઇયળ, થડ/ડાળીમાં નુકસાન કર્યા બાદ તેના પોલાણમાં જ કોશેટો બનાવે છે. જુદા જુદા પ્રદેશોમાં આબોહવાની અસર હેઠળ કોશેટા-અવસ્થા 4થી 6 મહિના સુધીની હોય છે. આ કોશેટા આશરે 50થી 55 મિમી. લંબાઈના અને પીળાશ પડતા ભૂખરા રંગના હોય છે. કોશેટા-અવસ્થા પૂર્ણ થતાં, તેમાંથી પુખ્ત કીટક બહાર નીકળી આવે છે. ખાસ કરીને મે-જૂન મહિનામાં પ્રથમ વરસાદ થયા બાદ તેનાં ઢાલિયાં દેખાઈ આવે છે. પુખ્ત કીટક નિશાચર હોય છે અને ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાય છે. આ પુખ્ત કીટક ઝાડની કુમળી ડાળીઓ અને ડૂંખો પરની છાલ ખાય છે. વળી કોશેટામાંથી પુખ્ત કીટક નીકળ્યા બાદ એકાદ-બે દિવસમાં પ્રજનન-પ્રક્રિયા શરૂ કરી દે છે. જ્યારે માદા કીટક દરરોજ એક પ્રમાણે 20થી 25 દિવસ સુધી ઈંડાં મૂકે છે; વર્ષમાં તેની એક જ પેઢી થાય છે.
નિયંત્રણ માટે થડ અને ડાળીઓ પર પડેલ ઘા ખુલ્લા ન રહે તેની કાળજી લેવાય છે. વળી ઉપદ્રવની શરૂઆતમાં કાણામાંથી મેઢને તાર વડે બહાર ખેંચી કાઢી શકાય છે. નુકસાન પામેલ નાની ડાળીઓને કાપી નાખી મેઢને શોધી કાઢી, તેનો નાશ કરાય છે. મેઢ જો ઊંડી ઊતરી ગઈ હોય તો કાણું સાફ કરી તેમાં કાર્બન ડાયસલ્ફાઇડ, ક્લૉરોફૉર્મ, પેટ્રોલ, કેરોસીન કે અન્ય ધૂમ્રકર પ્રવાહીને પિચકારી વડે રેડીને તેને માટીથી બંધ કરી દેવાય છે. એવા કાણામાં કોઈ પણ કીટનાશક દવાનું પ્રવાહી મિશ્રણ પણ રેડી શકાય છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ