મેડેલિન (medellin) : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશમાં, મધ્ય કૉર્ડિલેરામાં, બોગોટા પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 6° 15´ ઉ. અ. અને 75° 35´ પ. રે. તે દેશના વાયવ્ય ભાગમાં સમુદ્ર-સપાટીથી આશરે 1,538 મીટરની ઊંચાઈ પર કાઉકા (Cauca) નદીથી પૂર્વમાં આવેલી રમણીય ખીણમાં આવેલું છે.
કોલંબિયાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પૈકી મેડેલિન કાપડ-ઉદ્યોગ તેમજ સોના-ચાંદીની ખાણોનું મુખ્ય મથક બની રહેલું છે. અહીંનાં કારખાનાં દેશના મોટાભાગના કાપડનું તથા પોશાકો અને અન્ય તૈયાર કપડાંનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત અહીં પ્રક્રમિત ખાદ્યપદાર્થો, કૃષિ-વિષયક યંત્રસામગ્રી, કાચ, ચિનાઈ માટીનાં વાસણો, રંગો અને રસાયણોના ઉદ્યોગો પણ વિકસ્યા છે.
1675માં આ શહેર અહીંનાં મહત્વનાં સુવર્ણક્ષેત્રો નજીક સ્થપાયેલું. તે પછીથી આ શહેર તેના કૉફી-ઉત્પાદન માટે જાણીતું બન્યું. અહીં ચાર યુનિવર્સિટીઓ છે. શહેરની આજુબાજુ રહેઠાણના આવાસો તથા અર્વાચીન ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. આ શહેર કોલંબિયા દેશમાં ગેરકાયદેસર ઔષધોનું અને તેના વેપારનું મુખ્ય મથક ગણાય છે. આ કારણે 1980 પછીના સમયમાં ઔષધના વેપારીઓ અને પોલીસ વચ્ચે તંગદિલી ઊભી થયેલી. 2012 મુજબ આ શહેરની વસ્તી આશરે 27,43,049 છે.
ગિરીશભાઈ પંડ્યા