મેડેરા ટાપુઓ (Madeira Islands) : આફ્રિકાના વાયવ્ય કિનારાથી દૂર આટલાંટિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખીજન્ય ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 32° 44´ ઉ. અ. અને 17° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 796 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે કેનેરી ટાપુઓથી ઉત્તર તરફ 420 કિમી.ને અંતરે તથા જિબ્રાલ્ટરની સામુદ્રધુનીથી નૈર્ઋત્યમાં આવેલા છે. તેમાં મેડેરા અને ત્યાંથી 40 કિમી. દૂર ઈશાન તરફ આવેલો પૉર્ટો સૅન્ટો નામના બે ટાપુઓ વસ્તીવાળા છે, જ્યારે ડેઝર્ટાસ અને સેલ્વેજન્સ નામના બે ટાપુઓ નિર્જન છે. મેડેરા અને પૉર્ટો સૅન્ટો ટાપુની વસ્તી 2,67,785 (2011) છે. પૉર્ટો સૅન્ટો ટાપુ તેના દરિયાઈ રેતાળ કંઠારપટ માટે જાણીતો છે. અહીંની આબોહવા નરમ હોવાથી તે આખુંય વર્ષ વિહારધામ તરીકે ઉપયોગમાં લેવાય છે.

મેડેરા ટાપુ

મેડેરાના ટાપુસમૂહ પરનો સૌથી મોટો અને મહત્વનો ટાપુ મેડેરા છે. તેનું ભૂમિલક્ષણ દરિયાઈ પર્વતમાળા સ્વરૂપનું છે. 1,861 મીટર ઊંચાઈ ધરાવતું પીકો રુઇવો (Pico Ruivo) અહીંનું સર્વોચ્ચ શિખર છે. મેડેરા ટાપુ પર આવેલું ફુંચાલ આ ટાપુસમૂહનું પાટનગર છે. અહીંની વસાહતો અને ખેતરો પહાડી અગાશીઓ પર આવેલાં છે. ટેકરી વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષો અને ફૂલોથી આચ્છાદિત હોવાથી ખૂબ જ રમણીય ર્દશ્ય ખડું કરે છે; તેથી મેડેરા ટાપુ ‘આટલાંટિક મહાસાગરનો પહાડી બગીચો’ એવા નામથી ઓળખાય છે. વૃક્ષોમાં બ્રાઝિલિયન ઑરોકેરિયા, ઇન્ડિયન અંજીર, વેસ્ટઇન્ડિઝ કૉરલ, જાપાની કૅમ્ફર, વાંસ, લૉરેલ તેમજ તાડનો સમાવેશ થાય છે; જ્યારે ફૂલોમાં ઑર્કિડ, બોગનવેલિયા, બિગ્નોનિયા, હિબિસ્કસ, કેમેલિયાસ, હાઇડ્રેન્ગિયાસ, વિસ્તેરિયા અને જાકારેન્ડાનો સમાવેશ થાય છે. આવી સમૃદ્ધ વનસ્પતિ માટે આ ટાપુઓ જાણીતા છે. વરસાદ માત્ર શિયાળાના મહિનાઓમાં જ પડે છે. કૃષિપાકો માટે પાણી મર્યાદિત પ્રમાણમાં જ મળે છે. અહીં પથ્થરથી બનાવેલી નીકો (સ્થાનિક નામ લેવાડસ – Levadas) દ્વારા પાણી અપાય છે. વર્ષાઋતુ દરમિયાન જાળવી રાખેલું પાણી આ નીકો મારફતે પહાડોમાંથી ખેતરોમાં અને વસ્તીને પહોંચાડાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં શેરડી, મકાઈ, શાકભાજી, કેળાં, નારંગી, કેરી, દાડમ અને દ્રાક્ષનો સમાવેશ થાય છે. દ્રાક્ષમાંથી દારૂ બનાવાય છે. મેડેરા તેના મુખ્ય દારૂ-ઉદ્યોગ માટે જાણીતું બનેલું છે. તે પછીના ક્રમે રાચરચીલું તથા ટોપલીઓ બનાવવાના અને ભરતકામના હુન્નરઉદ્યોગો છે. ટાપુની મોટાભાગની સ્ત્રીઓ ઘરે બેઠાં ભરતકામ કરે છે. માછીમારીનો વ્યવસાય પણ અહીંના અર્થતંત્રમાં ઘણો મોટો ફાળો આપે છે.

પાટનગર ફુંચાલ મોટું શહેર, મુખ્ય બંદર તેમજ ટાપુસમૂહનું વિહારધામ પણ છે. તે લિસ્બન અને ઇંગ્લૅન્ડનાં બંદરો સાથે સંકળાયેલું છે. વળી તે હવાઈ માર્ગે યુરોપ-આફ્રિકાનાં શહેરો સાથે જોડાયેલું છે. મેડેરા ટાપુ પર વિશિષ્ટ પ્રકારનાં જુદાં જુદાં પરિવહન-સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પહાડોના ઉગ્ર ઢોળાવવાળા ભાગો પર, તૈયાર કરાયેલા માર્ગો પર તથા વસાહતોની શેરીઓમાં બળદો દ્વારા સ્લેજ ગાડીઓ ચાલે છે. ટોપલીની સ્લેજ ગાડીઓ (basket-sledges) પહાડી ઢોળાવો પરથી નીચે તરફ સરકાવી દેવામાં આવે છે. ડોળીઓ દ્વારા મુલાકાતીઓ – પ્રવાસીઓને દૂરનાં સ્થળો સુધી ઊંચકીને લઈ જવાય છે.

રોમનો આ ટાપુઓને ‘પર્પલ’ ટાપુઓ તરીકે ઓળખાવતા હતા. પૉર્ટુગીઝો આ ટાપુ પર સર્વપ્રથમ 1419માં આવેલા. આ ટાપુઓ ત્યારે ગાઢ જંગલોથી છવાયેલા હોવાથી તેમણે આ ટાપુઓને મેડેરા (અર્થ : લાકડું) નામ આપેલું. પૉર્ટુગીઝો અહીં આવ્યા, વસ્યા અને વૃક્ષોને સળગાવીને ભૂમિ સાફ કરી. તેની ભસ્મથી અહીંની જમીનોની ફળદ્રૂપતા વધી. 1421માં ફુંચાલ સ્થપાયું. પૉર્ટો સૅન્ટોમાં પણ એ જ અરસામાં વસવાટ શરૂ થયેલો. તે પછીથી સ્પેને આ ટાપુઓ લઈ લીધેલા અને 1580થી 1640 સુધી પોતાને કબજે રાખેલા. 1801માં તેમજ 1807થી 1814ના ગાળામાં આ ટાપુઓ બ્રિટનને હસ્તક રહેલા. 1980માં મેડેરા ટાપુઓ આંશિક રીતે સ્વાયત્ત બન્યા, પરંતુ તેનો પૉર્ટુગીઝોના દરિયાપારના પ્રદેશ તરીકેનો દરજ્જો ચાલુ રહ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા