મેડક : સ્થાન-સીમા-વિસ્તાર : તેલંગણાનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 27´થી 18° 19´ ઉ. અ. અને 77° 28´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો 9,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નિઝામાબાદ જિલ્લો, ઉત્તર અને ઈશાન તરફ કરીમનગર જિલ્લો, પૂર્વમાં વારંગલ જિલ્લો, અગ્નિ તરફ નાલગોંડા જિલ્લો, દક્ષિણ હૈદરાબાદ અને રંગારેડ્ડી જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટકનો બિદર જિલ્લો આવેલા છે. જિલ્લાનું નામ અગાઉના જિલ્લામથક મેડકનગર પરથી પડેલું છે. મેડક મૂળ તો ‘મેથુકુડુરગામ’ નામથી ઓળખાતું હતું, જેમાંથી ‘મેથુકુ’ થઈને હવે ‘મેડક’ નામથી ઓળખાય છે. જિલ્લાના મધ્ય-દક્ષિણભાગમાં આવેલું અંગારેડ્ડી તેનું જિલ્લામથક છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લો સપાટ શિરોભાગવાળા દખ્ખણના ઉચ્ચપ્રદેશીય વિસ્તારનો એક ભાગ છે. અહીં ટેકરીઓની જુદી જુદી હારમાળાઓ આવેલી છે, મેડક ટેકરી તે પૈકીની એક છે. જિલ્લાનો સમગ્ર ભાગ દક્ષિણ અયનવૃત્તીય પર્ણપાતી જંગલોથી છવાયેલો છે. અહીંની વર્ષાઋતુ ખૂબ જ ટૂંકી છે. તેની અસર અહીંનાં જંગલોની વનસ્પતિના બંધારણ પર દેખાઈ આવે છે. જંગલમાં જોવા મળતાં વૃક્ષોમાં સાટિનવુડ, માડ્ડી, ચિનાંગી, લીમડો, મહુડો, અબનૂસ વગેરે મુખ્ય છે. અબનૂસનાં પાંદડાં બીડીઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, તેથી તેનું મહત્વ ઘણું છે. મોટાભાગનાં વૃક્ષો પર્ણપાતી હોઈ જાન્યુઆરીથી જૂન સુધીની સૂકી ઋતુ દરમિયાન પર્ણવિહીન રહે છે; તેમ છતાં કેટલીક સદાહરિત વનસ્પતિ પણ અહીં જોવા મળે છે ખરી. તે પૈકી સાગ ઉલ્લેખનીય છે.
આ જિલ્લામાં પોચારમ વન્યજીવન અભયારણ્ય આવેલું છે. તે નિઝામાબાદ જિલ્લાના બે તાલુકા અને મેડક તાલુકામાં વિસ્તરેલું છે. તેમાં જાતજાતનાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. અહીં પીવાના પાણીની અછત વરતાતી હોવાથી તેમજ વિરોધાભાસી પર્યાવરણીય પરિબળોની અસર રહેતી હોવાથી કેટલાક વનસ્પતિ-પ્રકારોનો નાશ થતો ગયેલો છે.
આ જિલ્લામાં કોઈ મોટી નદી આવેલી નથી; બિદર (કર્ણાટક) જિલ્લામાંથી નીકળતી એક નાની નદી માત્ર છે. તે ગોદાવરીને મળતી મંજીરાની પ્રશાખા છે. તે જિલ્લાના આશરે 96 કિમી. અંતરમાં વહે છે. હલદી (પસુપુયેરુ) તથા કડલેર અન્ય નાનકડી નદીઓ છે.
ખેતી–પશુધન : ડાંગર અહીંનો મુખ્ય પાક છે. અન્ય પાકોમાં જુવાર, રાગી, મગફળી, દિવેલી અને કઠોળનો સમાવેશ થાય છે. અહીંના પશુધનની ઓલાદ સુધારવા માટે પશુચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે. રોગ-પ્રતિકારક ઍન્ટિબાયૉટિક્સ તથા સલ્ફા જેવાં ઔષધોની સેવા નિ:શુલ્ક અપાય છે. આંધ્રપ્રદેશ ડેરી વિકાસ નિગમ દ્વારા દૂધકેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે. આ ઉપરાંત મરઘાં-ઉછેર તથા મત્સ્ય-ઉદ્યોગને પણ પ્રોત્સાહન અપાય છે.
ઉદ્યોગ–વેપાર : 1970–71 સુધી તો આ જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત ગણાતો હતો, પરંતુ 1971–’80ના દાયકામાં સરકારની નીતિઓને કારણે ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું ગયું છે. આ કારણે જિલ્લામાં વીજળીનાં સાધનોના, ટર્બાઇન, ઑઇલ રીગનાં સાધનોના ઉત્પાદન સાથે જોડાયેલો ભેલ (BHEL) ઉદ્યોગ, ખાંડ-ઉદ્યોગ, મધ્યમ અને વિશાળ પાયા પરના તેમજ નાના પાયા પરના ઉદ્યોગો શરૂ થયા છે. મેડક, સંગારેડ્ડી, ઝાહિરાબાદ, તથા સિદ્દિપેટ ખાતે 25 જેટલા કેન્દ્રવર્તી એકમો (nucleus plants) પણ સ્થપાયા છે. 1996 મુજબ અહીં અન્ય 24 જેટલા મોટા ઉદ્યોગોની સ્થાપના પણ થયેલી છે.
જોગીપેટ, મેડક, નારાયણખેડ, પાટણચેરુ, રામચંદ્રપુરમ્, સદાશિવપેટ, શંકરમ્પેટ, સિદ્દિપેટ, ઝાહિરાબાદ જેવાં સ્થળો અહીંનાં ઉત્પાદનલક્ષી મુખ્યમથકો છે. આ જિલ્લામાંથી હાથસાળનું કાપડ, ખાંડ, કૃષિસાધનો, સ્ટેઇનલેસ સ્ટીલ, ટર્બોજનરેટરો, સુતરાઉ સાડીઓ, ટાઇલ્સ અને રાચરચીલાનું ઉત્પાદન લેવાય છે. અહીંથી સિમેન્ટ, ડાંગર, ખાંડ, ડુંગળી, હાઇડ્રૉલિક કપલિંગ-બ્રેકર્સ, સુતરાઉ કાપડ અને મગફળીની નિકાસ થાય છે તો ડાંગર, ચોખા, ગોળ, જુવાર, સ્વિચગિયરો, સર્કિટ, કઠોળ, હાથસાળ અને ધાણાની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : આંધ્રપ્રદેશ અને તેલંગણાનું પાટનગર હૈદરાબાદ નજીક હોવાથી આ જિલ્લો સડક અને રેલમાર્ગોમાં વિકાસ પામેલો છે. સંગારેડ્ડી તાલુકાનું પાટણચેરુ સ્થળ હૈદરાબાદ-શોલાપુર રાષ્ટ્રીય ધોરી માર્ગથી હૈદરાબાદ સાથે જોડાયેલું છે. જિલ્લાનાં 893 જેટલાં ગામડાં પણ બસ મારફતે અન્યોન્ય સંકળાયેલાં છે. આ જિલ્લાનાં મેડક, પાટણચેરુ, અલ્લાદુર્ગ, રામયામપેટ, કોંડાપુર, કોંડાપકા સ્થળો જોવાલાયક ગણાય છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 30,31,877 જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. અહીં મુખ્યત્વે તેલુગુ, ઉર્દૂ અને હિન્દી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 6,01,869 (26 %) જેટલી છે, તે પૈકી 4,26,073 (70 %) પુરુષો અને 1,75,796 (30 %) સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 4,27,213 (70 %) અને 1,74,656 (30 %) જેટલું છે. મેડક ખાતે કૉલેજો આવેલી છે. જુદાં જુદાં સ્થળોએ હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો/ઉપકેન્દ્રો તથા કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 45 મંડળોમાં વહેંચેલો છે. અહીં 10 નગરો અને 1,254 (31 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. મુખ્ય નગર મેડકની વસ્તી એક લાખથી વધુ છે.
મેડક (શહેર) : આ શહેર હૈદરાબાદથી ઉત્તરે 96 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 18° 02´ ઉ. અ. અને 78° 16´ પૂ.રે.અહીંનો મેડકનો મૂળ કિલ્લો કાકતિયા રાજવીઓએ બંધાવેલો હોવાનું કહેવાય છે. આજે જોવા મળતો કિલ્લો કુત્બશાહી રાજવીઓના વખતનો હોવાનું અનુમાન છે. આ કિલ્લો આજુબાજુની સપાટીથી 90 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ કિલ્લો દખ્ખણના વિસ્તારમાં મહત્વનો ગણાય છે, ત્યાં 3 મીટર લાંબી પિત્તળની એક તોપ મૂકેલી છે. કિલ્લાના મુબારક મહેલના દરવાજાઓ પૈકીના એકમાં બે માથાવાળા ગરુડની કોતરણી છે, અને તેના દાંત વચ્ચે હાથીઓ પકડેલા બતાવેલા છે. અહીંનું મેડક ચર્ચ દક્ષિણ ભારતમાંનાં ત્રણ મોટાં ચર્ચ પૈકીનું એક ગણાય છે. 1924માં તેનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલું. આ ચર્ચનો મુખ્ય પ્રાર્થનાખંડ 91 મીટર લાંબો અને 45.5 મીટર પહોળો છે, પ્રવેશદ્વારની તેમજ બાજુઓની ભીંતોની બારીઓ વિશાળ કદની છે. બારીઓમાં ઈશુ ખ્રિસ્તના વધસ્તંભનાં તથા બાઇબલનાં ર્દશ્યો રંગીન કાચમાં કંડારેલાં છે. આખું દેવળ 61 મીટરની ઊંચાઈ ધરાવે છે. પ્રવેશ પરનો મિનારો 53 મીટરની ઊંચાઈવાળો છે. પ્રાર્થનાખંડની સમાવેશક્ષમતા 5,000 માણસોની છે.
મેડક શહેરના અગ્નિભાગમાં યેદુપાયલ નામનું સ્થળ આવેલું છે, ત્યાં સાત નદીઓનો સંગમ મંજીરા નદી સાથે થાય છે. દર વર્ષે આ સંગમસ્થળે મહાશિવરાત્રિના તહેવારે મોટો મેળો ભરાય છે, જેમાં આશરે 1 લાખ જેટલા યાત્રિકો ભાગ લે છે.
ઇતિહાસ : મેડકનો રાજકીય ઇતિહાસ મૌર્યવંશની પ્રગતિ સાથે શરૂ થાય છે અને સમ્રાટ અશોકના સમય વખતે તેનો પ્રદેશ દક્ષિણ તરફ વિસ્તરે છે. પછીથી તે કાકતિયા, બહ્મની અને ગોલકોંડા સામ્રાજ્યનો ભાગ બને છે. કુત્બશાહી વંશના પતન બાદ તે મુઘલ સામ્રાજ્યનો ભાગ બને છે. અસફજાહી દ્વારા રચાયેલા હૈદરાબાદ રાજ્ય દરમિયાન આ જિલ્લાને અલગ કરવામાં આવ્યો અને તેને નિઝામના પ્રદેશમાં સામેલ કરવામાં આવ્યો. છેલ્લે 1956ના નવેમ્બરની 1 તારીખે તે આંધ્રપ્રદેશનો એક ભાગ બન્યો. ત્યારપછી કોઈ ખાસ ફેરફારો થયેલા નથી.
ગિરીશભાઈ પંડ્યા