મેઘે ઢાકા તારા (1960) : ચલચિત્રના વિદ્યાર્થીઓ માટે સતત સંશોધનનો વિષય બની રહેલું ઉત્કૃષ્ટ બંગાળી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. નિર્માણસંસ્થા : ચિત્રકલ્પ. દિગ્દર્શક-પટકથા : ઋત્વિક ઘટક. કથા : શક્તિપાદ રાયગુરુ. છબિકલા : દીપેન ગુપ્તા. સંગીત : જ્યોતીન્દ્ર મોઇત્રા. મુખ્ય કલાકારો : સુપ્રિયા ચૌધરી, અનિલ ચૅટરજી, બિજોન ભટ્ટાચાર્ય, ગીતા ડે, નિરંજન રાય, ગીતા ઘટક, જ્ઞાનેશ મુખરજી.
મેધાવી પ્રતિભા ધરાવતા ચલચિત્રસર્જક ઋત્વિક ઘટકનું આ નોંધપાત્ર સર્જન ભારતીય ચિત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. અદભુત સંગીતપ્રયોગો, રાગ હંસધ્વનિનો રચનાત્મક ઉપયોગ, રવીન્દ્રસંગીત, લોકગીતો તથા અસામાન્ય ધ્વનિ-પ્રભાવોને પોતાની સૂઝ દ્વારા ઋત્વિકે નવું રૂપ આપવાને કારણે આ ચિત્ર સંઘેડાઉતાર બની રહ્યું. ફિલ્મમાં પ્રયોજાયેલું કાલીનું પ્રતીક પણ ફિલ્મને નવો આયામ આપે છે.
‘મેઘે ઢાકા તારા’ એક એવા બંગાળી પરિવારની કથા છે, જે બંગાળના ભાગલા પડતાં નિરાશ્રિત તરીકે કૉલકાતાની પાસેના એક નાના નગરમાં રહે છે. પરિવારમાં માતા-પિતા, બે દીકરા અને બે દીકરીઓ છે. મોટી દીકરી નીતાની કમાણી પર ઘરનું ગુજરાન થાય છે. નીતાનો પ્રેમી સનત પણ તેના પર આધારિત છે. બે ભાઈઓ શંકર અને મોન્ટુ તથા બહેન ગીતા પૈકી શંકર એટલું સમજે છે કે પોતે બહેનનું શોષણ કરી રહ્યો છે; પણ પોતે એક ગાયક બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે અને તેમાં જ વ્યસ્ત રહેવાને કારણે તે બહેનને મદદ કરી શકતો નથી, જ્યારે મોન્ટુ અને ગીતા તો મોટી બહેનના શોષણને પોતાનો અધિકાર સમજે છે. આ સ્થિતિમાં પ્રેમી સનત સાથે જે સમય વિતાવવા મળે છે એ જ નીતાને તમામ ઝંઝટોમાંથી થોડી વાર માટે શાંતિ અપાવે છે. દરમિયાનમાં માત્ર નીતાને જ નહિ, તેનાં માતાપિતાને પણ એ ખ્યાલ આવી જાય છે કે નીતા ક્યારેય પરણી શકવાની નથી. સનતને પણ આ સત્ય સમજાતાં તે ગીતા તરફ આકર્ષાય છે. આ જોઈને મા ખુશ થઈ જાય છે. તે ગીતાનાં લગ્નની તૈયારી કરવા માંડે છે. ત્યારે તે નીતાનાં લગ્ન વિશે અપાતી સલાહોને કાને પણ ધરતી નથી, એટલું જ નહિ, નીતાનાં લગ્ન માટે સાચવીને રાખેલાં ઘરેણાં ગીતાના લગ્નમાં આપી દે છે. અસહાય પિતા બધું સમજે છે, પણ કંઈ બોલી શકતા નથી. દરમિયાન શંકર પોતાને તક મળે તે માટે મોટા શહેરમાં જતો રહે છે. મોન્ટુને એક કારખાનામાં કામ મળી જાય છે અને હજી પણ બધાંની માગણીઓ પૂરી કરવા મથામણ કરતી નીતા ક્ષયનો ભોગ બની જાય છે. એ સાથે તે બધાંની ઉપેક્ષાનો પણ ભોગ બનવા માંડે છે. શંકર જ્યારે એક ગાયક બનીને પાછો ફરે છે ત્યારે નીતાના ક્ષય વિશે જાણે છે. એ બધાં એકબીજા પર દોષારોપણ કરે છે. શંકર નીતાને પહાડો વચ્ચે આવેલા એક રુગ્ણાલયમાં લઈ જાય છે. ત્યાં નીતા ખુશ છે, પણ જ્યારે શંકર તેને મળવા આવે છે ત્યારે તેની જિજીવિષા પ્રબળ થઈ ઊઠે છે. ‘ભાઈ, મારે જીવવું છે’ એવી તેની ચીસો પહાડોની નીરવતામાં પડઘાતી રહે છે. 1960ની 14 એપ્રિલે કૉલકાતામાં પ્રદર્શિત થયેલું આ ચિત્ર ટિકિટબારી પર પણ સફળ થયું હતું.
હરસુખ થાનકી