મેઘદૂત : સંસ્કૃત ભાષામાં મંદાક્રાન્તા છંદમાં કાલિદાસે રચેલું ઊર્મિપૂર્ણ ખંડકાવ્ય. સ્વામી કુબેર દ્વારા શાપ પામી, એક વર્ષ માટે નિષ્કાસિત કરાયેલો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે રામગિરિ પર્વત પર ઝળૂંબતા મેઘને જોઈ તેને દૂત બનાવી, હિમાલય પર અલકામાં નિવાસ કરતી પોતાની પત્નીને સંદેશ મોકલે છે; જેમાં પોતાની સ્થિતિના વર્ણનની સાથે પ્રિય પત્નીને સાંત્વના ને ધીરજ બંધાવવાનો પ્રયાસ છે.

આ અતિ અલ્પ કથાંશને કુલ 118 શ્લોકોમાં નિબદ્ધ કરી કવિએ આ ઉત્તમ રચના કરી છે. તેના પ્રત્યેક શ્લોકમાં રસમય ચિત્ર નિર્માણ પામ્યું છે. અર્ધદૈવી કક્ષાનાં યક્ષદંપતીને નાયકનાયિકા રૂપે કલ્પીને તેમના વિપ્રલંભશૃંગારને આલેખતું આ કાવ્ય એક અનોખું ભાવાત્મક દૂતકાવ્ય બની રહ્યું છે.

વિશ્વનાથે તેને ‘ખંડકાવ્ય’ કહ્યું છે, તો ટીકાકાર વલ્લભદેવે તેને ‘કેલિકાવ્ય’. શ્રી જીવરામ શાસ્ત્રીના મતે તેમાં કવિની આત્માનુભવકથા છે તો શ્રી વાસુદેવશરણ અગ્રવાલ તેમાં શિવ ને જીવના મિલનની રૂપકકથા જુએ છે. આમ, ભિન્ન ભિન્ન ર્દષ્ટિકોણથી તેનો સ્વરૂપપ્રકાર અલગ અલગ વિચારાયો છે, પરંતુ માનવહૃદયની ઊર્મિઓને પ્રગટ કરતું તે એક અનુપમ ઊર્મિકાવ્ય તો છે જ.

કવિ શ્રી ન્હાનાલાલ જેને ‘જગતસાહિત્યનું મયૂરાસન’ કહે છે, તે આ મેઘદૂત કાવ્ય બે વિભાગોમાં વિભાજિત છે : 1. પૂર્વમેઘ અને 2. ઉત્તરમેઘ. ‘પૂર્વમેઘ’માં રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ વિસ્તારપૂર્વક વર્ણવાયો છે ને ‘ઉત્તરમેઘ’માં નિરૂપાયો છે, પ્રણયી હૃદયનો પ્રેમમય સંદેશ.

કાવ્યની શરૂઆતમાં શ્લોકો પ્રસ્તાવનારૂપ છે. અષાઢના ઉત્કંઠાજનક મેઘનું દર્શન વિરહી યક્ષને વિહ્વળ બનાવે છે. પછી મેઘને દૂત બનાવી સંદેશો પહોંચાડવાની જવાબદારી સોંપે છે.

1થી 16 શ્લોકોના આ પ્રારંભિક સંભાષણ બાદ, 16થી 63 શ્લોકોમાં મેઘનો ગમનમાર્ગ વર્ણવ્યો છે. તેમાં રામગિરિથી અલકા સુધીના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંના માલ, દશાર્ણ, વિદિશા, ઉજ્જયિની, દશપુર, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, હિમાલય અને કૈલાસનું તથા રેવા, વેત્રવતી, નિર્વિંધ્યા, સિંધુ, ગંધવતી, ગંભીરા, ચર્મણ્વતી, સરસ્વતી, જાહ્નવી વગેરે નદીઓ અને માનસરોવરનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વમાં સૌંદર્યનિધાન હિમાલય તથા કીર્તિનિધાન ઉજ્જયિની પ્રત્યેનો કવિનો પક્ષપાત સ્પષ્ટ છે. યક્ષ મેઘને વક્રમાર્ગે ફંટાઈને પણ ઉજ્જયિની જઈ મહાકાલનાં દર્શન કરવા જણાવે છે.

તે પછી ‘ઉત્તરમેઘ’માં શ્લોક 1થી 10માં, કૈલાસની તળેટીમાં આવેલી, પ્રિયતમના ખોળામાં સૂતેલી રમણી સમી નગરી અલકાનું વર્ણન છે. 11થી 15 શ્લોકોમાં યક્ષભવન તથા તેની આસપાસના પ્રદેશો વર્ણવાયા છે. તો 16થી 33 સુધીના શ્લોકોમાં વિરહિણી યક્ષપ્રિયાનું ચિત્ર આલેખાયું છે.

આ સર્વ વર્ણનોમાં ક્યાંય બિનજરૂરી વિસ્તાર નથી; સર્વત્ર કલાત્મક લાઘવની પ્રતીતિ થાય છે. એક નિશ્ચિત ગતિથી કાવ્ય આગળ વધે છે. ભૌગોલિક પ્રદેશોને વર્ણવતાં, પ્રકૃતિની પાર્શ્ર્ચભૂમાં માનવભાવોનું મનોહર આલેખન થયેલું જણાય છે. એવું લાગે છે કે યક્ષની વિરહવેદના તો એક નિમિત્ત છે. જેને અનુષંગે કરાયેલ અન્ય વર્ણનો જ સવિશેષ ધ્યાનાકર્ષક છે. વળી યક્ષપ્રિયાની વિરહદશાનું આકર્ષક ને હૃદયસ્પર્શી નિરૂપણ અહીં પ્રાપ્ત થાય છે.

ત્યારબાદ આવે છે સંદેશ. શ્લોક 34થી 53માં રજૂ થતા સંદેશ પૂર્વે મેઘને શી રીતે આચરણ કરવું તે અંગે કેટલાંક સૂચનો કર્યાં છે. સંદેશમાં યક્ષ પોતાની કુશળતાના સમાચાર જણાવી તે સાથે પોતાની વિરહદશાની પણ જાણ કરે છે.

અંતે યક્ષ શ્લોક 54 અને 55માં પોતાનો સંદેશ પ્રિયાને પહોંચાડી, પ્રિયાના કુશળ સમાચાર લઈ જલદી પાછા ફરી પોતાના જીવનને ટકાવવાની મેઘને ભલામણ કરે છે. તે પછી યક્ષ મેઘને તે તેની પ્રિયા વિદ્યુતથી કદી વિયુક્ત ન થાય તેવી શુભભાવના સાથે વિદાય આપે છે.

આ કાવ્યની પ્રેરણા કાલિદાસને ‘રામાયણ’માં આવતા હનુમત્સંદેશમાંથી મળી હશે એમ માનવામાં આવે છે. ઋષ્યમૂક પર્વત ઉપરથી શ્રીરામે જાનકીને પાઠવેલ સંદેશામાંનાં કેટલાંક પદ ને વિચાર મેઘદૂતમાં પણ જોવા મળે છે. છતાં, કાવ્યમાં પ્રાપ્ત થતી સુંદર કલ્પનાઓ, શ્રુતિમધુર શબ્દાવલિ અને લોકોત્તર રમણીયતા એ કાલિદાસનાં પોતાનાં છે. શબ્દસૌંદર્ય સાથે ઉત્કૃષ્ટ ભાવાભિવ્યક્તિ એ કાવ્યનું જમાપાસું છે. તેમાં મંદ-મધુર ગતિવાળા મંદાક્રાન્તા છંદનો પ્રયોગ રસપોષક છે. આ ઉપરાંત, સરળ ભાષા, સહજ અને સરસ ઊર્મિનું આલેખન, કોમલ પદવિન્યાસ, પ્રાસાદિકતા ને રમણીય અલંકારયોજનાથી ઓપતું આ કાવ્ય સવિશેષ આસ્વાદ્ય છે અને તેથી લોકપ્રિય પણ.

જોકે, અચેતન એવા મેઘને દૂત બનાવવા અંગે ભામહે આલોચના કરી છે; તેમ છતાં આ કાવ્યની અસર નીચે અનેક દૂત કાવ્યો રચાયાં; જેમાં ચંદ્ર, ભ્રમર, શુક વગેરેને દૂત બનાવીને સંદેશ મોકલવાની પરંપરા જોવા મળે છે. આ બાબત તેની લોકપ્રિયતાનો સંકેત કરે છે. વળી આ નાનકડા કાવ્ય ઉપર મલ્લિનાથ વલ્લભદેવ વગેરેએ રચેલી વીસ ઉપરાંત ટીકાઓ છે, અને જગતની વિવિધ ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે, તે પણ તેની લોકપ્રિયતાના પુરાવારૂપ છે. ગુજરાતીમાં મહાકવિ ન્હાનાલાલ, કીલાભાઈ ઘનશ્યામ, જયંત પંડ્યા વગેરેએ તેના સમશ્લોકી અનુવાદો કર્યા છે. ગુજરાતી ભાષામાં લગભગ પચ્ચીસ જેટલા તેના અનુવાદો થયા. અજિતસેન નામના જૈન કવિએ તેની પ્રત્યેક પંક્તિની પાદપૂર્તિ કરીને ‘પાર્શ્વાભ્યુદય’ નામનું કાવ્ય સંસ્કૃત ભાષામાં રચ્યું છે. મેઘદૂત ઉપરથી ઘણાં દૂતકાવ્યો પણ રચાયાં છે.

જાગૃતિ પંડ્યા