મેકોન્ગ (નદી) : હિન્દી ચીન દ્વીપકલ્પની સૌથી મોટી નદી. દક્ષિણ એશિયાની મોટી નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 13° ઉ. અ. અને 100° પૂ. રે. તેની લંબાઈ આશરે 4,000 કિમી. જેટલી છે. ચીનના દક્ષિણ કિંઘાઈ પ્રાંતના તાંગુલુ પર્વતોના ઉત્તર ઢોળવોમાંથી ઘણી નાની નાની નદીઓ નીકળે છે. તે બધી તિબેટના અગ્નિકોણમાં ભેગી થાય છે અને તેમાંથી મેકોન્ગ નદી બને છે. તે પૂર્વ તિબેટમાંથી પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતને વીંધીને અગ્નિકોણ તરફ વહે છે. હિન્દી ચીનમાંથી તે પસાર થાય છે અને મ્યાનમાર–લાઓસ તેમજ લાઓસ–થાઇલૅન્ડ વચ્ચેની સરહદ રચે છે. આ નદી વાયવ્ય લાઓસ, કંબોડિયા અને વિયેટનામમાંથી પણ પસાર થાય છે. તે વિયેટનામના હો ચી મિન્હ શહેર નજીક દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. ચીનમાં તે લેકાંગ જિયાંગ નામથી તથા તેના મુખ પરના ત્રિકોણપ્રદેશના વિસ્તારમાં તે સાઇગૉન નામથી ઓળખાય છે. આ નદીએ તેના મુખભાગ પર વિશાળ કદનો મેકોન્ગ ત્રિકોણપ્રદેશ રચ્યો છે. તેના ઉપરવાસના વિસ્તારોમાં જળપ્રપાતો તેમજ રેતીના આડઅવરોધો જોવા મળે છે, હેઠવાસમાં વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે તેને પરિણામે તેની શાખાનદીઓએ કંબોડિયાના મધ્યભાગમાં તોનલે સૅપ નામનું વિશાળ સરોવર બનાવેલું છે. હેઠવાસથી ઉપર તરફના 550 કિમી. અંતરની લંબાઈ સુધી આ નદીમાં વહાણોની અવરજવર થઈ શકે છે. હેઠવાસની આજુબાજુનો પ્રદેશ તેના કાંપથી ફળદ્રૂપ બની રહેલો હોવાથી ત્યાં ડાંગરની ખેતી થાય છે.

મેકોન્ગ (નદી)

1951થી અહીં રાષ્ટ્રસંઘ(UN)ના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મેકોન્ગ નદી વિકાસ યોજના આકાર પામી છે; પરંતુ અહીંનો વિસ્તાર યુદ્ધનો પ્રદેશ બની રહેલો હોવાથી આ યોજનાનો અમલ મોડો શરૂ થયેલો છે. મેકોન્ગ નદીને કાંઠે કાંઠે લાઓસનું લુઆંગ પ્રબાંગ, કંબોડિયાનાં નોમ પેન્હ તથા વિયેન્ટિયન શહેરો વસેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા