મેકડૉનાલ્ડ ઑબ્ઝર્વેટરી, ટેક્સાસ : ટેકસાસ યુનિવર્સિટી સાથે સંકળાયેલી વેધશાળા. આ વેધશાળા ટેક્સાસમાં ફૉર્ટ ડેવિસથી લગભગ 27 કિમી. અંતરે ડેવિસ માઉન્ટન્સમાં માઉન્ટ લૉક (Mount Locke) ઉપર આશરે 2,081 મીટરની ઊંચાઈએ આવેલી છે. આની સ્થાપના 1932માં થઈ હતી. તેના માટેની નાણાકીય જોગવાઈ ટેક્સાસના એક ધનિક બૅન્કર અને ખગોળશોખીન વિલિયમ જૉન્સન મેક્ડૉનાલ્ડ (William Johnson McDonald : 1844–1926)ની વસિયતને આધારે થઈ હતી.
અહીંનું અસલ ટેલિસ્કોપ કે જે 1938માં ખુલ્લું મુકાયેલું, તે આજે પણ કામ કરે છે. તે એક 2.1 મીટર(210 સેન્ટિમીટર)નું પરાવર્તક દૂરબીન છે. આ વેધશાળાના પ્રથમ નિયામક ઑટો સ્ત્રૂવ(Otto Struve, જીવનકાળ : 1897–1963)ના માનમાં આજે તે ઑટો સ્ત્રૂવ ટેલિસ્કોપ કહેવાય છે. વેધશાળાનું વિધિવત્ ઉદઘાટન આ ટેલિસ્કોપના સ્થાપનથી થયું.
ઉપર્યુક્ત દૂરબીન ઉપરાંત, અહીં બીજાં પણ કેટલાંક શક્તિશાળી પરાવર્તક દૂરબીનો છે, જેમાંનાં મુખ્ય નીચે મુજબ છે : 1969માં 2.7 મીટર(270 સેન્ટિમીટર)નું એક પરાવર્તક અહીં ગોઠવવામાં આવ્યું. 1956 અને 1970માં અહીં અનુક્રમે 0.91 મીટર (91 સેન્ટિમીટર) અને 0.76 મીટર(76 સેન્ટિમીટર)નાં પરાવર્તકો ગોઠવવામાં આવ્યાં. 76 સેમી.નું ટેલિસ્કોપ તો સૅટેલાઇટ લેઝર રેન્જિન્ગ (satellite laser ranging એટલે કે SLR) જેવી વધારાની કામગીરી પણ બજાવે છે. આ એક એવી ટૅક્નિક છે કે જેમાં લેઝર કિરણોની મદદથી અતિશય ચોકસાઈથી પૃથ્વીનું પરિભ્રમણ અને ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર માપવામાં આવે છે. અમુક ખાસ લંબાઈના અને અમુક નિશ્ચિત સમયના અંતરે લેઝર-પુંજના શેરડા ધબકારા રૂપે, આકાશમાં ફરતા ખાસ પ્રકારના ઉપગ્રહ તરફ તાકવામાં આવે છે, જે ત્યાંથી પરાવર્તિત થઈને પૃથ્વી તરફ પાછા ફેંકાય છે. જુદા જુદા દેશોમાં થઈને આવાં 30 જેટલાં સૅટેલાઇટ રેન્જિન્ગ સ્ટેશનો છે. મેક્ડૉનાલ્ડ વેધશાળા આ પૈકીનું એક મહત્વનું કેન્દ્ર છે.
1996–97માં કામ કરતું થયેલું હૉબી-એબરલી ટેલિસ્કોપ (Hobby-Eberly Telescope ટૂંકમાં HET) ઉલ્લેખનીય છે. આ વિશાળ દૂરબીનની રચના સ્પેક્ટ્રમવિજ્ઞાન(spectroscopy)ને અનુલક્ષીને કરવામાં આવી છે. ઑસ્ટિનની ટેક્સાસ યુનિવર્સિટી તથા અમેરિકા (US) અને જર્મનીની કેટલીક યુનિવર્સિટીઓની ભાગીદારીમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું 11 મીટરનું દર્પણ સળંગ નહિ, પણ અનેક ટુકડાઓમાં વહેંચાયેલું સખંડ (segmented) છે. આ દૂરબીનનું સ્થાપન એવી રીતે કરવામાં આવ્યું છે કે તે ધારેલી દિશામાં ફેરવી શકાય.
આ બધાં પ્રકાશીય દૂરબીનો ઉપરાંત, અહીં રેડિયો-ટેલિસ્કોપ પણ છે. અહીંના એક રેડિયો-ટેલિસ્કોપની ડિશ પાંચ મીટરની છે અને તે સ્પેક્ટ્રમની મિલિમીટર રેન્જમાં કામ કરે છે.
યુરેનસ અને નેપ્ચૂનના ધરીભ્રમણનો કાળ, ગુરુના ઉપગ્રહ આયોના વાયુમંડળનો અભ્યાસ, તારક-કાંતિ, સ્ફોટક-રૂપવિકારી, ભભકિયા તારા (flare stars), ગેલૅક્ટિક સુપરક્લસ્ટર્સ, પ્રકાશિક (ઑપ્ટિકલ) અને પ્રકાશમિતીય (ફોટોમેટ્રિક) ટૅક્નૉલૉજી, આંતરતારકીય દ્રવ્ય દ્વારા થતો ધ્રુવણ પ્રકાશ (પોલરાઇઝેશન ઑવ્ લાઇટ) વગેરે પર આ વેધશાળામાં નોંધપાત્ર સંશોધન થયું છે.
સુશ્રુત પટેલ