મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન (જ. 3 ફેબ્રુઆરી 1790, Lewes Syssex, ઇંગ્લૅન્ડ; અ. 10 નવેમ્બર 1852, લંડન) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી. ડાયનોસૉર જીવાવશેષનો ખોજક. લૂઇસમાં રહેતા મોચીના પુત્ર મૅન્ટેલે લંડન ખાતે તબીબીનો અભ્યાસ કરેલો. 1811માં લૂઇસ ખાતે તેણે સર્જન તરીકે કારકિર્દીની શરૂઆત તો કરેલી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ તરફનો તેનો ઝોક વધતો જતો હતો. 1833માં તે બ્રાઇટન ગયો. ત્યાં ભૂસ્તરશાસ્ત્રના વિષયની રુચિ વધતી ગઈ. તેનું ઘર જીવાવશેષોના સંગ્રહથી ભરાતું ગયું, જાહેર સંગ્રહસ્થાન બની ગયું. પત્ની અને બાળકો ત્યાંથી જતાં રહ્યાં. નાના જીવાવશેષો વિશે તો તેણે ઘણું લખ્યું. તેણે જલચર સરીસૃપોના જીવાવશેષ વિશે તો લખેલું, પરંતુ ઇંગ્લિશ વેલ્ડ પ્રદેશના ક્રિટેસિયસ ખડકોમાં તિલ્ગેટ ફૉરેસ્ટ ખાતેથી 1822માં તેને ભૂમિસ્થિત સરીસૃપનો જીવાવશેષ મળ્યો. તેની પત્ની મેરી ઍન મૅન્ટલે કેટલાંક અસ્થિ સહિત તેના દાંતની વિશેષ નોંધ લીધી. મૅન્ટેલે તેને આજની આપણી ગરોળી જેવા આકારને કારણે ‘ઇગ્વાનોડૉન’ નામ આપ્યું. ઇગ્વાનોડૉન તૃણભક્ષી હતું. તે પછી 1832માં મૅન્ટેલે બખ્તરધારક ડાયનોસૉરનો અવશેષ પણ શોધી કાઢ્યો. તે નિષ્ણાત ખોજક પુરવાર થયો હતો. તે શરીરવિજ્ઞાનની જાણકારી ધરાવતો હોવાથી તેણે તેના જ્ઞાનનો ઉપયોગ પૃષ્ઠવંશી પ્રાણીઓના અભ્યાસમાં કર્યો. 1854માં તેમના અવસાન બાદ ક્રિસ્ટલ પૅલેસ ખાતે ઇગ્વાનોડૉનની પૂરા કદની પ્રતિકૃતિ પણ પ્રદર્શિત કરેલી.
ગિરીશભાઈ પંડ્યા