મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ

February, 2002

મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ : જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત-પ્રતિભા ચકાસવા માટે યોજાતી ગણિતસ્પર્ધાઓ.

મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડનું સૌપ્રથમ આયોજન હંગેરીમાં 1894માં થયું. ધીમે ધીમે ગણિતપ્રતિભાશોધ માટે આ માધ્યમનો ઉપયોગ પ્રથમ પૂર્વ યુરોપના દેશોમાં અને 1960 પછી વિશ્વના અન્ય દેશોમાં થવા લાગ્યો.

અમેરિકા, રશિયા વગેરે દેશો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પૂર્વસ્નાતક – એમ અનેક કક્ષાએ મૅથેમૅટિકલ ઑલિમ્પિયાડનું આયોજન કરે છે. ભારતમાં મુખ્યત્વે શાળા કક્ષાએ ઑલિમ્પિયાડનું આયોજન 1970 પછી બૅંગાલુરુ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, આંધ-પ્રદેશ વગેરે પ્રદેશોમાં થવા લાગ્યું. પરંતુ રાષ્ટ્ર કક્ષાએ ઑલિમ્પિયાડનું આયોજન ઉચ્ચગણિત માટેના રાષ્ટ્રીય બૉર્ડ(National Board for Higher Mathematics, NBHM)ની સ્થાપના પછી, 1986થી શરૂ થયું.

સમગ્ર વિશ્વને આવરી લેતી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધા 1959થી શરૂ થઈ. શરૂઆતનાં વર્ષોમાં તે કેવળ પૂર્વ યુરોપના દેશો પૂરતી સીમિત હતી, પણ વીસમી સદીના અંત સુધીમાં બધા જ ખંડોમાંથી લગભગ 85 દેશો તેમાં ભાગ લેતા થઈ ગયા હતા.

વિશ્વના અમુક ભાગ પૂરતી સીમિત હોય તેવી પણ કેટલીક મૅથેમૅટિકલ ઑલિમ્પિયાડો ચાલે છે; જેવી કે એશિયા પેસિફિક મૅથેમૅટિકલ ઑલિમ્પિયાડ. વિશ્વનાં જુદાં જુદાં શહેરોની ટીમ ભાગ લઈ શકે એવી એક ટુર્નામેન્ટ ઑવ્ ટાઉન્સ પણ ચાલે છે.

કૉલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે માધવા મૅથેમૅટિક્સ કૉમ્પિટિશન ચાલે છે.

પરંતુ બધી જ ઑલિમ્પિયાડોમાં શિરમોર તો છે આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધા (ઇન્ટરનેશનલ મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ). 1959થી શરૂ કરીને દર વર્ષે આ સ્પર્ધાઓ વિશ્વમાં કોઈ ને કોઈ સ્થળે યોજાતી રહી છે (1980ના અપવાદ સિવાય). આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક દેશ શાળા કક્ષાના વધુમાં વધુ છ વિદ્યાર્થીઓને મોકલી શકે છે. આ બધા સ્પર્ધકોને બે દિવસ સુધી દરરોજ ત્રણ ત્રણ કોયડા પૂછવામાં આવે છે અને તેમના ઉકેલ તેમણે સાડા ચાર કલાકમાં આપવાના હોય છે. વિદ્યાર્થી પોતાની ભાષામાં ઉકેલ લખી શકે છે. દરેક કોયડાના સાત ગુણ  – એ રીતે કુલ 42માંથી દરેક સ્પર્ધકને ગુણ આપવામાં આવે છે. બધાં પરિણામો તૈયાર થઈ ગયા પછી ઉપરના લગભગ પચાસ ટકા સ્પર્ધકોને ચંદ્રકો આપવામાં આવે છે. આ પચાસ ટકા પૈકી ઉપરના લગભગ આઠ ટકા સ્પર્ધકોને સુવર્ણચંદ્રક, પછીના લગભગ સોળ ટકા સ્પર્ધકોને રૌપ્યચંદ્રક અને ત્યારપછીના લગભગ પચીસ ટકા સ્પર્ધકોને કાંસ્યચંદ્રક આપવામાં આવે છે. આ સ્પર્ધામાં પૂછવા માટે તદ્દન રાબેતા મુજબના ન હોય તેવા નવા જ કોયડા પસંદ કરવામાં આવે છે.

ગુજરાતના બે ગણિતજ્ઞોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પ્રવૃત્તિમાં નેતાગીરી લીધી છે. પ્રા. અરુણ વૈદ્ય 1992 તથા 1993માં ભારતીય ટીમના નેતા હતા. વળી તેઓ 1995થી 1997 સુધી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધાની સલાહકાર સમિતિના સભ્ય હતા. પ્રા. ઉદયન પ્રજાપતિ 2007 તથા 2016માં ભારતીય ટીમના ઉપનેતા હતા. પ્રા. વૈદ્ય 1993થી 2000 સુધી ભારતમાં સ્પર્ધાઓના રાષ્ટ્રીય સંયોજક પણ હતા.

એકવીસમી સદીમાં 2016 સુધી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધામાં ભારતીય ટીમનો દેખાવ નીચેના કોષ્ટકમાં આપ્યો છે :

વર્ષ ક્રમ

ચંદ્રકો

સુવર્ણ રજત કાંસ્ય
2001 7 2 2 2
2002 9 1 3 2
2003 15 0 4 1
2004 14 0 4 2
2005 36 0 1 1
2006 35 0 0 5
2007 25 0 3 0
2008 31 0 0 5
2009 28 0 3 2
2010 36 0 2 1
2011 23 1 1 2
2012 11 1 3 1
2013 0 2 3
2014 1 3 2
2015 1 2 3
2016 1 5 0

સ્પર્ધકોની સાથે ટીમના નેતા તરીકે એક વરિષ્ઠ ગણિતજ્ઞ જાય છે અને તે કોયડાની પસંદગીમાં ભાગ ભજવે છે. ટીમની સાથે એક ઉપનેતા પણ હોય છે અને તે કોયડાના ઉકેલ તપાસવામાં નેતા તેમજ સ્થાનિક પરીક્ષકોને સહાય કરે છે.

1996માં 37મી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધા ભારતમાં મુંબઈ ખાતે યોજાઈ હતી.

ભારતે 1989થી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. ઈ. સ. 2016 સુધીમાં જે 168 સ્પર્ધકોએ ભારત વતી આંતરરાષ્ટ્રીય ગણિતસ્પર્ધામાં ભાગ લીધો છે તે પૈકી 132 સ્પર્ધકોને ચંદ્રકો મળ્યા છે. (22 સુવર્ણચંદ્રકો, 50 રૌપ્યચંદ્રકો અને 59 કાંસ્યચંદ્રકો).

અરુણ વૈદ્ય