મૅક આંક (Mach Number) : તરલ યાંત્રિકીમાં તાપમાન, દબાણ જેવા પ્રાચલો(parameters)ની સમાન સ્થિતિમાં તરલની મુક્તિધારાના વેગ (ν) અને ધ્વનિના વેગ(c)નો ગુણોત્તર.
બીજી રીતે, મૅક આંક એટલે તરલના જડત્વ બળ અને દબનીયતા (compressibility) અથવા સ્થિતિસ્થાપક બળનો ગુણોત્તર.
મૅક આંકનું મૂલ્ય 0.3 કરતાં વધે ત્યારે ઘણીખરી તરલ પ્રણાલીઓમાં દબનીયતાની અસર મહત્વની બને છે. પદાર્થ તરલમાં ગતિ કરતો હોય ત્યારે તરલનો વેગ ધ્વનિક (sonic) વેગથી ઓછો હોય તો પદાર્થ ક્રમશ: બદલાતી ઘનતા અને દબાણના વિસ્તાર(વિભાગ)થી આગળ રહે છે. આ વિસ્તાર પદાર્થની આસપાસના પ્રવાહનું નિયંત્રણ કરે છે.
મૅક આંકનું મૂલ્ય એક અથવા તેથી વધારે થાય ત્યારે દબાણનું ક્રમશ: સંક્રમણ (transition) અસ્તિત્વ ધરાવી શકતું નથી અને પ્રઘાતી (shock) તરંગ અથવા દબાણ અને એકાએક બદલાયેલા ઘનતાના વિસ્તારથી પદાર્થની સપાટી આગળ કે ઉપર ક્રાંતિક (critical) વિભાગનું નિર્માણ થાય છે અને તે વિભાગનું બહારની તરફ વિસ્તરણ થાય છે. પરિણામે પરાધ્વનિક (supersonic) વેગ માટે પદાર્થ ઉપર તરલ-બળનું પ્રતિરૂપ (ભાત) નોંધપાત્ર રીતે જુદું મળે છે. આદર્શ તરલ માટે દબાણનું પ્રતિરૂપ ગણી કાઢવા માટે સિદ્ધાંત સારી રીતે પ્રસ્થાપિત થયેલો છે.
જ્યારે માત્ર દબનીય અસરો મહત્વની હોય ત્યારે ભૌમિતિક રીતે સમાન આકારના પદાર્થો એકસરખા મૅક આંક માટે એકસરખો પ્રવાહ અને પ્રઘાતી તરંગ (shock) વિકસાવે છે. અતિધ્વનિક વિસ્તારમાં મૅક આંક સામાન્ય રીતે 5 જેટલો અથવા વધારે હોય ત્યારે સીમાન્ત સ્તર અને પ્રધાન-ભાત વચ્ચે નોંધપાત્ર આંતરક્રિયા થતી હોય છે; જ્યારે આમ થાય છે ત્યારે રેનોલ્ડ આંક અને મૅક આંક મહત્વના બને છે અને અનુરૂપતા(similitudes)ની આવશ્યકતાઓને સંતોષવી વધુ મુશ્કેલ બને છે.
ચલ રાશિઓના રૂપાંતરણની રીત (ટૅકનિક) હવે હાથ લાગી છે; જેને કારણે સીમાંત શરતો બદલી મૅક આંકને બિનસંગતતા સાથે અનુકૂળ બનાવી શકાય છે. એટલે કે અદબનીય પ્રવાહોની માહિતીનો ઉપયોગ કરીને દબનીય પ્રવાહની શરતોને અધીન રહીને ચોક્કસ આગાહી કરી શકાય છે અને તે દરમિયાન વેગની વિકૃતિને સરભર કરવા માટે ભૌમિતિક વિકૃતિનો ઉપયોગ કરવાનો રહે છે.
આશા પ્ર. પટેલ