મૅક, અર્ન્સ્ટ (જ. 18 ફેબ્રુઆરી 1838, તૂરાસિન, મેરેવિયા, ચેકોસ્લોવેકિયા; અ. 19 ફેબ્રુઆરી 1916) : ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી અને માનસશાસ્ત્રી. તેમણે વિયેના યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માંથી સ્નાતક સુધીનું શિક્ષણ લીધું હતું. તેમણે વાયુઓ અને હવામાં અત્યંત ઝડપથી ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કર્યો. ક્રમશ: અભ્યાસ બાદ ધ્વનિના વેગના સંદર્ભમાં પદાર્થોના વેગ-માપન માટેની ચોક્કસ પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિનું પરાધ્વનિક ઉડ્ડયનોમાં ઘણું મહત્વ છે.
ધીમી ગતિએ જતા પદાર્થ માટે આ પદ્ધતિનું ખાસ મહત્વ નથી એટલે ઍરક્રાફ્ટની ગતિ ધીમી હોય ત્યાં મૅકનું કાર્ય મહત્વનું નથી, પરિણામે ઍરક્રાફ્ટ ધ્વનિના વેગથી ગતિ કરતાં ન થયાં ત્યાં સુધી મૅકનું કાર્ય અપ્રસિદ્ધ (અસ્પષ્ટ) રહ્યું. ધ્વનિના વેગથી ગતિ કરતાં ઍરક્રાફ્ટ ઉપલબ્ધ થયાં ત્યારપછી ઝડપના માપ તરીકે મૅક આંકનો ઉપયોગ થવા લાગ્યો. મૅક આંકનું મૂલ્ય 0.5 એટલે ધ્વનિના વેગ કરતાં અર્ધી ઝડપ. મૅક આંકનું મૂલ્ય 1 એટલે ધ્વનિનો વેગ. મૅક આંકનું મૂલ્ય 2 એટલે ધ્વનિના વેગ કરતાં બમણો વેગ જેને પરાધ્વનિક (supersonic) વેગ કહે છે.
યંત્રશાસ્ત્રનું વિજ્ઞાન જેના ઉપર રચાયેલું છે તે બાબતના ઐતિહાસિક વિકાસમાં તેમને ઊંડો રસ હતો.
તેમણે એ શીખવ્યું કે ભૌતિક જગતના તમામ જ્ઞાનને પાંચ ઇન્દ્રિયો વડે જાણી (મેળવી) શકાય છે અને આ પાંચ ઇંદ્રિયસંવેદનો છે – ર્દશ્ય, શ્રવણ, સુગંધ, સ્વાદ અને સ્પર્શ, આ ઉપરાંત તેમણે એ પણ શીખવ્યું કે કોઈ પણ નિયમ એ અવલોકન-માહિતીઓ વચ્ચેનો સંબંધ છે.
આશા પ્ર. પટેલ