મૅકલીશ, આર્ચિબાલ્ડ (જ. 7 મે 1892, ઇલિનૉઈ, યુ.એસ.; અ. 20 એપ્રિલ 1982, બૉસ્ટન) : અમેરિકન કવિ, નાટકકાર અને આદર્શ શિક્ષક. જાહેર અધિકારી તરીકે તેમની રચનાઓમાં ઉદાત્ત લોકશાહી માટેની નિસબત પ્રકટ થાય છે. અલબત્ત, તેમનાં અતિ રમણીય ઊર્મિકાવ્યોમાં તો વધારે અંગત સૂર સંભળાય છે. યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી બૉસ્ટનમાં 3 વર્ષ ઍટર્ની તરીકે રહ્યા.
પછી 1923માં પોતાની કાવ્યકુશળતાને વેધક બનાવવા અને સંમાર્જિત કરવા ફ્રાન્સ ગયા. આ કહેવાતા દેશવટાનાં વર્ષો દરમિયાન તેમણે ‘ધ હૅપી મૅરેજ’ (1924), ‘ધ પૉટ ઑવ્ અર્થ’ (1925), ‘સ્ટ્રીટ્સ ઇન ધ મૂન’ (1926) અને ‘ધ હૅમ્લેટ ઑવ્ એ મેકલીશ’ (1928) કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા, જેમાં તે સમયમાં પ્રચલિત એઝરા પાઉન્ડ અને ટી. એસ. એલિયટનો પ્રભાવ જોવા મળે છે. આ જ સમયગાળામાં કાવ્યસંચયોમાં ઘણી વાર સંગૃહીત થયેલી તેમની રચના ‘ધી આર્ટ ઑવ્ પોએટ્રી’ (1926) પણ પ્રકટ થઈ હતી. 1928માં તેઓ અમેરિકા પરત થયા પછી સતત વરતાતા મેકલીશ સૂરને – ઊર્મિભરી છટાને ઉદઘાટિત કરતી કૃતિ ‘ધ ન્યૂ ફાઉન્ડલૅન્ડ’ પ્રકટ થઈ (1930). તે સંગ્રહમાં એમની એક પ્રસિદ્ધ અને ઉત્તમ રચના ‘યૂ, ઍન્ડ્રૂ માર્વેલ’ સમાવિષ્ટ છે. 1930 પછીના દાયકામાં કવિ ફાસિઝમની દહેશતથી અત્યંત ચિંતિત રહ્યા. મેક્સિકોનાં વિજય અને શોષણને આલેખતું જાહેર જીવનસંદર્ભવાળું તેમનું સૌપ્રથમ કાવ્ય ‘કૉન્ક્વિસ્ટાડૉર’ (1932) બહાર પડ્યું. બીજાં આ પ્રકારનાં કાવ્યો ‘ફ્રેસ્કોઝ ફૉર મિ. રૉક્ફેલર્સ સિટી’ (1933), ‘પબ્લિક સ્પીચ’ (1936), ‘અમેરિકા વૉઝ પ્રૉમિસિસ’ (1939) વગેરે સંગ્રહોમાં સંગૃહીત થયાં છે. તેમનાં રેડિયો-પદ્ય-નાટકોમાં છે ‘ધ ફૉલ ઑવ્ સિટી’ (1937), ‘એર રેડ’ (Air Raid) (1938) અને ‘ધ ગ્રેટ અમેરિકન ફોર્થ ઑવ્ જુલાઈ પરેડ’ (1975).
1939થી 1944 સુધી કૉંગ્રેસના ગ્રંથપાલ. 1944થી 1945 સુધી સ્ટેટના મદદનીશ સચિવ અને પછી 1949 સુધી જુદી જુદી સરકારી નોકરીઓમાં જોડાયેલા રહ્યા. 1949માં તેઓ હાર્વર્ડમાં બૉયલ્સ્ટન પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. એ પદે 1962 સુધી રહ્યા. 1952માં તેમણે ‘ક્લેક્ટેડ પોએમ્સ : 1917–1952’, અને 1976માં ‘ન્યૂ ઍન્ડ ક્લેક્ટેડ પોએમ્સ : 1917–1976’ પ્રકટ કર્યાં. બાઇબલની જૉબ વિશેની વાર્તા પર આધારિત તેમનું ‘જે. બી.’ પદ્યનાટક 1958માં બ્રૉડવે પર ભજવાયું. ‘રાઇડર્સ ઑન અર્થ’ (1978) એ તેમનો નિબંધોનો સંચય છે.
અનિલા દલાલ