મૅકનીસ, લૂઇ (જ. 12 સપ્ટેમ્બર 1907, બેલફાસ્ટ; અ. 3 સપ્ટેમ્બર 1963, લંડન) : બ્રિટિશ કવિ અને નાટકકાર. વીસમી સદીના ચોથા દાયકામાં કંઈક અકાવ્યાત્મકતા, પ્રતિબદ્ધતા અને સમસામયિકતા ધરાવતી ‘નવી કવિતા’ની મંડળીના સભ્ય. તે મંડળી સાથે ડબ્લ્યૂ. એચ. ઑડન, સી. ડી. લૂઇસ અને સ્ટીફન સ્પેન્ડર જેવા કવિઓ જોડાયેલા હતા. 1926થી 1930 સુધી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ. 1930થી 1936 સુધી બર્મિંગહામ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યના વ્યાખ્યાતા. પછીનાં 4 વર્ષ લંડનમાં બેડફર્ડ કૉલેજ ઑવ્ વિમૅન ખાતે ગ્રીક સાહિત્યના વ્યાખ્યાતા. 1941થી બી.બી.સી. માટે રેડિયો-નાટકોનું લેખન અને નિર્માણ. તેમનું સૌથી વધુ પ્રભાવક રેડિયો પદ્યનાટક તે નાટ્યાત્મક ફૅન્ટસી ‘ધ ડાર્ક ટાવર’ (1947). તેમાં બેન્જામિન બ્રિટને સંગીત આપ્યું હતું.
તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘બ્લાઇન્ડ ફાયરવર્ક્સ’ 1929માં પ્રકટ થયો. પછી તો તેમણે ‘પોએમ્સ’ (1935), ‘ઑટમ જર્નલ’ (1939), ‘ક્લેક્ટેડ પોએમ્સ’ 1925–1948 (1949) જેવા ડઝનેક કાવ્યસંગ્રહો આપ્યા અને ‘ધ બર્નિંગ પર્ચ’(1963) મરણોત્તર કાવ્યસંગ્રહ રૂપે આપ્યો. તેમની કવિતામાં બૌદ્ધિક પ્રામાણિકતા કે કેલ્ટિક (Celtic) વિપુલતા અને ક્યારેક ક્રૂર મશ્કરી-હાસ્ય જોવામાં આવે છે. તેમની કવિતામાં સહજ ઊર્મિલતા સાથે રોજ-બ-રોજની બોલચાલની ભાષાની છટા, વિવિધતા ભળેલી વરતાય છે. તેમનો વિશિષ્ટ મિજાજ તો હતો તટસ્થતાયુક્ત કટાક્ષભર્યો ઉપહાસ કરનાર એક નિરીક્ષક અને વિવેચકનો. મૅકનીસની ગદ્યરચનાઓમાં છે : ‘લેટર્સ ફ્રૉમ આઇસલૅન્ડ’ (ડબ્લ્યૂ. એચ. ઑડન સાથે – 1937) અને ‘ધ પોએટ્રી ઑવ્ ડબ્લ્યૂ.બી. યેટ્સ’ (1941). તેઓ પીઢ અનુવાદક પણ હતા. તેમણે હૉરેસ અને એસ્કિલસના અનુવાદો આપ્યા છે. તેમાં ‘ઍગમેમ્નૉન’(1936)નો અનુવાદ મહત્વનો છે.
ચોથા દાયકામાં ડાબેરી મંડળીના સભ્ય હતા, પણ પછી તેનાથી અલિપ્ત રહ્યા હતા. તેમની કવિતામાં સહજતા, બહુશ્રુતતા અને વૈવિધ્ય છે, તો કેટલીકમાં દુર્બોધતા પણ છે. ‘બેલફાસ્ટ’ અને ‘બર્મિંગહામ’ જેવાં કાવ્યોનાં વર્ણનો તથા ‘બ્રધર ફાયર’ અને ‘એકલૉગ ફૉર ક્રિસમસ’ કાવ્યનાં જોમ અને જુસ્સો વધારે ધ્યાનાર્હ છે.
અનિલા દલાલ