મૅકકૉનલ, કિમ (જ. 1946 ઓક્લહૉમા, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. સૅન ડિયેગોમાં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. અહીં તેમનો ઘનિષ્ઠ પરિચય કલાવિવેચક એમી ગોલ્ડિન તથા ચિત્રકાર મિરિયમ શૅપિરો સાથે થયો, જે તેમની કલાકારકિર્દી માટે નિર્ણાયક બની રહ્યો. પૌરસ્ત્ય ગાલીચા અને વસ્ત્રો પરની ભાતના ગોલ્ડિને કરેલાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થઘટનોથી પ્રેરાઈને મૅકકૉનલે જડ ભૌમિતિક ભાતવાળાં અમૂર્ત ચિત્રો સર્જવાનું ત્યજી દીધું અને પ્રાગૈતિહાસિક કળા, લોકકળા, આદિવાસી કળા તેમજ પૌરસ્ત્ય અને આધુનિક ઔદ્યોગિક બનાવટોમાં પ્રચલિત ભાતો અને પ્રતીકોને પોતાની કલામાં સ્થાન આપવું શરૂ કર્યું. આધુનિક વસ્ત્રો પર યાંત્રિક રીતે છાપેલ ભડકીલી ડિઝાઇનની પ્રાચીન અને સાંપ્રત આદિવાસી કલાની ભાતો સાથે સહોપસ્થિતિ સર્જી. આ સહોપસ્થિતિ હકીકતમાં એક ર્દશ્યાત્મક સ્વૈરવિહાર (visual riot) બની રહે છે, જેમાં મૅકકૉનિલે ઉપજાવેલી મૌલિક આકૃતિઓ પણ સમાવેશ પામે છે. તેમની તાજેતરની કલાકૃતિઓમાં તેમણે હાથે બનાવેલા બૉમ્બને પણ અસરવિહીન બનાવીને કૉલાજના એક ઘટક તરીકે ઉપયોગમાં લીધો છે ! વળી પર્યાવરણનો કલામાં વિનિયોગ કરી કલાકૃતિઓમાંના ચિત્ર સાથે રૂમના ફર્નિચરનું સુયોજન પણ ગોઠવે છે. ચિત્રમાં જોવા મળતાં રંગ અને આકૃતિઓનું સીધું અનુસંધાન આસપાસના ફર્નિચરની ડિઝાઇન તથા તેની ઉપર ચિત્રિત આકૃતિઓમાં સધાતું જોવા મળે છે.

અમિતાભ મડિયા