મૅકકિન્લી : ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણ-મધ્ય અલાસ્કાની અલાસ્કા હારમાળાના મધ્યભાગમાં આવેલું પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 63° 30´ ઉ. અ. અને 151° 00´ પ. રે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની નજીક ઉત્તરમાંથી પસાર થાય છે. અલાસ્કા હારમાળાનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 6,194 મીટર જેટલી છે. અકરેજથી ઉત્તર-વાયવ્ય તરફ આ પર્વત તેના તળ ભાગથી એકાએક 5,100 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેની આજુબાજુ ડેનાલી નૅશનલ પાર્ક આવેલો છે. પર્વતની ટોચ તરફનો ઉપલો 2/3 ભાગ કાયમી હિમક્ષેત્રથી છવાયેલો રહે છે. તેમાંથી ઘણી હિમનદીઓ પણ નીકળે છે, તે પૈકીની કેટલીક હિમનદીઓ 48 કિમી.ની લંબાઈવાળી પણ છે.
1794માં અંગ્રેજ નૌકાયાત્રી જ્યૉર્જ વાનકુવરે અલાસ્કાના અખાતની કુક ખાડીમાંથી આ પર્વત નિહાળેલો. જેમ્સ વિકરશૅમે 1903માં તેના પર ચઢવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો. તે પછીથી ફ્રેડરિક કુક નામના એક ડૉક્ટરે પોતે આ પર્વતના ઉત્તર તરફના શિખર સુધી પહોંચી ગયો હતો એવો જોરશોરથી દાવો કરેલો, પરંતુ આ દાવો ખોટો હતો. તેના આવા પ્રચારથી પ્રેરાઈને બીજા બે અમેરિકનોએ 1910માં આ પર્વતનું ઉત્તર તરફનું શિખર સર કરેલું. 1913ના જૂનની તેરમી તારીખે હડસન સક અને હૅરી કાર્સ્ટન્સ આ પર્વતના દક્ષિણ તરફના મહત્વના શિખર પર એક આરોહક ટુકડીને દોરી ગયેલા.
તેના શિખરને અહીંના સ્થાનિક ઇન્ડિયનો ડેનાલી (અર્થ : ઊંચો પર્વત) અને રશિયનો બોલશાયા ગોરા (મહાન પર્વત) તરીકે ઓળખતા હતા. 1889માં ફ્રૅન્ક ડૅન્સમૉર નામના ખોજકર્તાના નામ પરથી તેને ડૅન્સમૉર્સ નામ અપાયેલું. તેનું આજનું મૅકિન્લી નામ બીજા એક ખોજકર્તા વિલિયમ એ. ડિકીએ તે જ વર્ષે ચૂંટાયેલા યુ.એસ.ના પ્રમુખ મૅકિન્લીના માનમાં આપ્યું છે. 1970ના દાયકાના મધ્યમાં ફરીથી આ પર્વત-શિખરને ઇન્ડિયન નામ આપવા પ્રયાસો પણ થયેલા; પરંતુ તે અસફળ રહ્યા છે.
ગિરીશભાઈ પંડ્યા