મૃત સમુદ્ર (Dead Sea) : નૈર્ઋત્ય એશિયામાં જૉર્ડન અને ઇઝરાયલની સરહદ પર આવેલું ખારા પાણીનું સરોવર. તે જૉર્ડન ખીણની દક્ષિણ ધાર પર, જૉર્ડન નદીના મુખ પર આવેલું છે. જૉર્ડન–ઇઝરાયલ સરહદ સરોવરની મધ્યમાંથી પસાર થાય છે અને તેના લગભગ બે સરખા ભાગ પાડે છે. તે 31° 30´ ઉ. અ. અને 35° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. ચારેય બાજુએ ભૂમિભાગથી તે બંધિયાર હોવાથી તેમજ સમુદ્ર કહી શકાય એટલું તેનું પરિમાણ ન હોવાથી તે સરોવર કહેવાય છે. તેનો કિનારો સમુદ્રસપાટીથી આશરે 399 મીટર જેટલો નીચે રહેલો છે, આ કારણે તે સમગ્ર પૃથ્વી પર નીચામાં નીચો ભૂમિભાગ ગણાય છે. એ જ રીતે તેનાં જળ કોઈ પણ સમુદ્ર કે મહાસાગર કરતાં વધુમાં વધુ ખારાં છે. મહાસાગરોની સરખામણીમાં તેની ક્ષારતા સરેરાશ નવગણી વધુ છે અને ક્ષારતાને કારણે તેની વિશિષ્ટ ઘનતા પણ સૌથી વધુ છે. તેમાં સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમના ક્ષારોનું તેમજ અન્ય ઔદ્યોગિક ક્ષારોનું પ્રમાણ વધુ છે. આ પ્રકારના ખનિજીય ક્ષારોની સરળ ઉપલબ્ધિને કારણે ઇઝરાયલ-નિવાસીઓ તેમાંથી સાદું મીઠું, કૃત્રિમ ખાતર અને કેટલીક ઔષધીય પેદાશો મેળવે છે. મૃત સમુદ્રનાં આ ક્ષારવાળાં પાણી સ્પર્શે સુંવાળાં અને દેખાવે ઝળહળતાં લાગે છે.
સરોવરની આજુબાજુનો પ્રદેશ ખડકાળ અને ઉજ્જડ છે. તેના પૂર્વ અને પશ્ચિમ કાંઠાઓ પર ઉગ્ર ઢોળાવવાળી ભેખડો આવેલી છે. તે મૃત એટલા માટે કહેવાય છે કે તેના જળમાં બહુ જ ઓછી વનસ્પતિ અને ખારા જળની શ્રિંપ સિવાય બહુ જ ઓછી અન્ય માછલીઓ નભી શકે છે. વળી તેની આસપાસ પણ ક્ષારવાળી જમીનો છે. ત્યાં બહુ જ ઓછી વનસ્પતિ ઊગી શકે છે. આ જ કારણે તેની આજુબાજુનો પ્રદેશ ઉજ્જજ્ડ છે.
ઉત્પત્તિની ર્દષ્ટિએ જોતાં, આ મૃત સમુદ્ર અહીંના પોપડામાં ઉદભવેલા ઊંડા સ્તરભંગને કારણે તૈયાર થયેલો છે. તે સામાન્ય રીતે 80 કિમી. લાંબો અને 18 કિમી. પહોળો છે. તેનો વિસ્તાર આશરે 1,040 ચોકિમી. જેટલો છે. તેના પૂર્વ કાંઠાના દક્ષિણ ભાગના જળવિસ્તારમાં અલ-લિસાન દ્વીપકલ્પ આવેલો છે, તેથી સરોવર અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે, તે પૈકી ઉત્તર તરફનું સરોવર-થાળું દક્ષિણ થાળા કરતાં લગભગ ત્રણગણું મોટું છે. સરોવરનો ઊંડામાં ઊંડો ભાગ ઉત્તર થાળામાં આવેલો છે. ત્યાં આ સરોવરની ઊંડાઈ ભૂમિસપાટીથી 400 મીટર જેટલી અને સમુદ્રસપાટીથી 799 મીટર જેટલી છે. દક્ષિણ તરફના થાળાની ઊંડાઈ સમુદ્રસપાટીથી 400 મીટર જેટલી છે.
વીસમી સદીની શરૂઆતથી જ મૃત સમુદ્રની જળસપાટી ક્રમશ: નીચે ઊતરતી ગઈ છે. આ વિસ્તારમાં તદ્દન (નહિવત) ઓછો વરસાદ પડે છે. અહીં વધુ પડતું બાષ્પીભવન થાય છે, તેથી દર વર્ષે તેની જળસપાટી 1.6 મીટર જેટલી નીચી ઊતરતી જાય છે. વળી ઇઝરાયલ અને જૉર્ડનની પાણીની જરૂરિયાતો પૂરી કરવા તેને મળતાં નદીનાળાંનાં જળનો વિશેષ ઉપયોગ થતો રહે છે, પરિણામે તેની જળઆવકમાં 75 % જેટલો ઘટાડો થયો છે. આ બધાં કારણોથી તેની જળસપાટી 10.6 મીટર જેટલી ઘટી ગઈ છે. હવે મૃત સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે પાઇપલાઇનથી જોડવાની યોજના આવી રહી છે. નદીનાં 25 % જેટલાં સ્વચ્છ જળ તેની સપાટી પરના ખારા જળમાં મિશ્ર થાય છે. અહીં પ્રવર્તતી વિષમ ગરમીથી જળનું ઝડપી બાષ્પીભવન થઈ જાય છે. આ કારણે તેમાં સ્વચ્છ જળ ભળતાં હોવા છતાં ક્ષારતા ઘટતી નથી. વળી જળની વધુ પડતી ક્ષારતાને કારણે તેની ઉત્પ્લાવકતા (buoyancy) પણ વધુ રહે છે અને તેથી તેમાં પ્રયત્ન કરવા છતાં પણ ડૂબી જઈ શકાતું નથી.
મૃત સમુદ્રના દક્ષિણ છેડે ઘણાબધા અવરોધોની ગૂંથણી જોવા મળે છે. આ કારણે ત્યાં 100 ચોકિમી. કે તેનાથી થોડા નાનામોટા જળસંગ્રહ-ગર્ત તૈયાર થયેલા છે. આ ગર્તનાં જળ છીછરાં હોવાથી તેનું ઝડપી બાષ્પીભવન થઈ જાય છે, પાછળ ઘનસ્વરૂપે ખનિજદ્રવ્યો રહી જાય છે. તેમનું શુદ્ધીકરણ કર્યા પછી તે ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. અહીંના કેટલાક લોકો એવી પણ માન્યતા ધરાવે છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી અહીં સ્નાન કરનારાઓની સુવિધા માટે ઘણાં સ્વાસ્થ્ય-કેન્દ્રો પણ ઊભાં કરવામાં આવેલાં છે.
કહેવાય છે કે લાખો વર્ષો પહેલાં જ્યારે આફ્રિકા ખંડ અને અરબ દ્વીપકલ્પ ખસીને ઉત્તર તરફ આવતા હતા ત્યારે આફ્રિકાની મહાફાટખીણ (Great Rift Valley of Africa) ઉદભવતી ગયેલી. તેના અનુષંગે આ મૃત સમુદ્ર પણ તૈયાર થયેલો છે. બાઇબલમાં પણ ક્ષાર સમુદ્રનો ઉલ્લેખ મળે છે. તેના કાંઠે સોદોમ અને ગોમોરાહનાં પ્રાચીન શહેરો હોવાનું પણ જણાવાયું છે.
મૃત સમદ્રને કાંઠે પાળિયા કે ઊભી શિલાઓ જેવા દેખાતા ક્ષારખડકસ્તંભોએ લોતપત્ની(Lot’s wife)ની દંતકથાને વાર્તાવસ્તુ પૂરું પાડેલું. ઈશ્વરની અવજ્ઞા કરવા માટે લોતપત્નીને ક્ષારશિલામાં ફેરવી દેવાની શિક્ષા થયેલી. આ મૃત સમુદ્ર નજીકની ગુફાઓમાંથી હસ્તપ્રતોના વીંટા (dead sea scrolls) પણ મળી આવેલા છે. આ વીંટા ઈ. પૂ. 100થી ઈ. સ. 70 સુધીની તવારીખ આપે છે. આ પરથી એમ પણ કહી શકાય કે મૃત સમુદ્ર આજના કરતાં પ્રાચીન સમયમાં થોડો વધુ વિસ્તાર ધરાવતો હોવો જોઈએ.
ગિરીશભાઈ પંડ્યા