મૃત્યુદર (mortality rate) : દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ. જન્મ પછી કોઈ પણ સમયે જીવનનાં બધાં જ લક્ષણો અર્દશ્ય થઈ જાય તેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુપ્રમાણના આંકડા જન્મ-મરણની નોંધણીપદ્ધતિ દ્વારા મેળવાય છે. દુનિયાના મોટાભાગના દેશો જન્મ-મરણની નોંધણી અંગે દુર્લક્ષ સેવે છે. આથી મૃત્યુપ્રમાણના આંકડા પૂરતા મળતા નથી. મૃત્યુદર વસ્તીવૃદ્ધિ પર અસર કરતી બાબત હોવાથી, વસ્તીવિષયક ભૂગોળના અભ્યાસીઓ તેની જાણકારીમાં રસ ધરાવે છે. મૃત્યુપ્રમાણ વસ્તીવૃદ્ધિ, વસ્તીમાળખું અને વયજૂથો પર પણ અસર કરે છે. આરોગ્યવિજ્ઞાનનો વિકાસ થવાથી દુનિયાના લગભગ બધા જ દેશોમાં મૃત્યુદર નીચો ગયો છે. અઢારમી સદીમાં સર્વપ્રથમ સ્વીડનમાં, ઓગણીસમી સદીમાં બ્રિટનમાં અને વીસમી સદીમાં લૅટિન અમેરિકા તથા એશિયાના કેટલાક દેશોમાં મૃત્યુદર નીચો ગયો છે. મૃત્યુદર નીચો જવાનો અર્થ એ છે કે લોકોની આયુર્મર્યાદા વધી છે. 1975માં દુનિયામાં 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી વસ્તીનું પ્રમાણ 9 % હતું, જે 2025માં 14 % હશે એવો અંદાજ મુકાયો છે.
મૃત્યુદર માપવાની પદ્ધતિઓ :
(1) અશોધિત મૃત્યુપ્રમાણ (crude death rate) : આ પદ્ધતિમાં દર 1,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ શોધવામાં આવે છે. આ માટેનું સૂત્ર નીચે મુજબ છે :
CDR = D/P x 1000, જેમાં CDR = અશોધિત મૃત્યુપ્રમાણ, D = એક વર્ષ દરમિયાન મૃત્યુસંખ્યા, P = તે વર્ષની કુલ વસ્તી.
(2) આયુર્વિશિષ્ટ અને જાતિવિશિષ્ટ મૃત્યુપ્રમાણ (age and sex specific death rate) : આ પદ્ધતિમાં ચોક્કસ ઉંમરના વયજૂથમાં સ્ત્રી કે પુરુષવસ્તીમાં દર 1,000ની વસ્તીએ જે તે વર્ષ દરમિયાન મૃત્યુસંખ્યા કેટલી છે તે શોધવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે પાંચ કે દસ વર્ષના ગાળાનાં વયજૂથોનો ઉપયોગ કરી શકાય. આ પદ્ધતિમાં મૃત્યુપ્રમાણ શોધવાનું સૂત્ર નીચે મુજબ છે :
ASDR = x 1000, જેમાં ASDR = ચોક્કસ ઉંમર અને જાતિમાં મૃત્યુપ્રમાણ, Das = ચોક્કસ ઉંમરની અને ચોક્કસ જાતિની વસ્તીમાં મૃત્યુસંખ્યા, Pas = જે તે ઉંમરની, જે તે જાતિની કુલ વસ્તી.
(3) બાળમૃત્યુપ્રમાણ (infant mortality rate) : આ પદ્ધતિમાં એક વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોમાં મૃત્યુપ્રમાણ શોધવામાં આવે છે. તેમાં બાળમૃત્યુપ્રમાણ જાણવા, એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની જે તે વર્ષ દરમિયાન થયેલી મૃત્યુસંખ્યાને તે વર્ષમાં જન્મેલાં દર 1,000 જીવિત બાળકો પૈકીની જન્મસંખ્યા સાથે સરખાવવામાં આવે છે. આ માટેનું સૂત્ર નીચે મુજબ છે : IMR = x 1000, જેમાં IMR= બાળમૃત્યુપ્રમાણ, DO = એક વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોની મૃત્યુસંખ્યા, B = જીવિત બાળકોની જન્મસંખ્યા.
મૃત્યુપ્રમાણ પર અસર કરતાં પરિબળો : દુનિયામાં સ્થળ અને સમયગાળા અનુસાર મૃત્યુપ્રમાણ પર અસર કરતાં પરિબળોમાં વિવિધતા જોવા મળે છે. આ પરિબળોને બે વિભાગોમાં વહેંચી શકાય : (i) જૈવિક (biological or endogenetic), (ii) પર્યાવરણીય (exogenetic). જૈવિક પરિબળોમાં ખાસ કરીને શારીરિક ફેરફાર થવાને લીધે થતા રોગોનો સમાવેશ કરી શકાય; જ્યારે પર્યાવરણીય અસરને કારણે થતા રોગોમાં ચેપી રોગો અને પાચનતંત્રને લગતા રોગોનો સમાવેશ કરી શકાય; આબોહવા સાથે સંકળાયેલી પર્યાવરણીય સ્થિતિની અસર માનવશરીર પર વધુ થાય છે. 1995માં દુનિયામાં થયેલાં 5.2 કરોડ મૃત્યુમાંથી 1.7 કરોડ મૃત્યુ ચેપી રોગોને લીધે થયાં હતાં.
સામાન્ય રીતે મૃત્યુપ્રમાણ પર જે તે પ્રદેશનું વસ્તીવિષયક માળખું તથા સામાજિક અને આર્થિક વિકાસની વધુ અસર થાય છે. તેથી મૃત્યુપ્રમાણ પર અસર કરતાં પરિબળોને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) વસ્તીવિષયક પરિબળો, (ii) સામાજિક પરિબળો, (iii) આર્થિક પરિબળો.
વસ્તીવિષયક પરિબળોમાં વયજૂથોના માળખાની અસર સૌથી વધુ છે. સામાન્ય રીતે એક વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકોમાં મૃત્યુપ્રમાણ વધુ, જ્યારે એક વર્ષથી મોટી ઉંમરનાં બાળકો અને યુવાનોમાં મૃત્યુપ્રમાણ ઓછું, પરંતુ પ્રૌઢ અને વૃદ્ધાવસ્થામાં મૃત્યુપ્રમાણ વધુ જોવા મળે છે. એ જ રીતે જાતિ અર્થાત્ સ્ત્રી કે પુરુષની બાબત પણ અગત્યની છે. બધી ઉંમરની સ્ત્રીઓમાં પુરુષો કરતાં મૃત્યુપ્રમાણ નીચું હોવાથી, પુરુષો કરતાં સ્ત્રીઓનું આયુષ્ય વધુ લાંબું જોવા મળે છે. વળી એ જ રીતે પ્રાદેશિક સંદર્ભમાં જોતાં, ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં પણ મૃત્યુદર નીચો જોવા મળે છે. તેને માટે સાક્ષરતા, આરોગ્ય માટેની જાગૃતિ જેવાં પરિબળોનું યોગદાન વધુ ગણાય.
સામાજિક પરિબળોમાં ખાસ કરીને સ્ત્રીજાતિના બાળક પ્રત્યે અણગમો, અંધશ્રદ્ધા, સાક્ષરતાનો અભાવ અને સામાજિક રીતરિવાજો પણ મૃત્યુદર વધારવામાં જવાબદાર લેખાય છે, જેમ કે ભારતમાં છોકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ તથા જાપાનમાં સામૂહિક બાળહત્યા(group infanticide)ની પ્રથા.
આર્થિક પરિબળોમાં વ્યક્તિની આવક એ સૌથી અગત્યનું પરિબળ બને છે. ભારતમાં 30 % કરતાં પણ વધુ લોકો ગરીબીરેખા કરતાં પણ નિમ્નસ્તરનું જીવન જીવે છે. તેમને કઈ રીતે પૌષ્ટિક ખોરાક અને દાક્તરી સારવાર ઉપલબ્ધ થઈ શકે એ જોવાની જરૂરિયાત છે. એ જ રીતે, પ્રદૂષણ વધતાં મૃત્યુદરમાં વધારો થતો જોવા મળે છે.
ઉપર્યુક્ત પરિબળો ઉપરાંત યુદ્ધો, ચેપી રોગોનો ફેલાવો, દુષ્કાળ, ભૂખમરો, કુદરતી આફતો વગેરેને લીધે પણ મૃત્યુદર ઊંચો જોવા મળે છે.
દુનિયામાં મૃત્યુપ્રમાણનું વિતરણ : 1974માં વિશ્વ વસ્તી પરિષદે એવું સૂચન કર્યું હતું કે 1985માં 62 વર્ષ અને 2000 સુધીમાં 74 વર્ષ જેટલી આયુર્મર્યાદા થવી જોઈએ. 1984ની વિશ્વવસ્તી અંગેની માહિતી મુજબ વિશ્વમાં સરેરાશ મૃત્યુદર 1980–85 દરમિયાન દર હજારે 11 જેટલો હતો, તેમાં વિકસિત દેશોમાં 10 અને વિકાસશીલ દેશોમાં 11નો મૃત્યુદર હતો. બધા ભૂમિખંડોમાં આફ્રિકામાં દર હજારે 16 જેટલો સૌથી ઊંચો મૃત્યુદર જોવા મળેલો, યુરોપ અને એશિયામાં તે અનુક્રમે 11 અને 9 જેટલો હતો. તે પછી યુ.એસ., લૅટિન અમેરિકા અને ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડનો ક્રમ આવતો હતો. 1990–95માં વિશ્વનો સરેરાશ મૃત્યુદર 9 જેટલો હતો. સૌથી ઓછો મૃત્યુદર કતાર દેશમાં 1.6 જેટલો, જ્યારે સૌથી વધુ મૃત્યુ દર નાઇજર અને ચાડમાં 18.5 જેટલો હતો. ભારતમાં સરેરાશ મૃત્યુદર 9 જેટલો છે.
વિશ્વની વસ્તીમાં 1993માં સરેરાશ આયુર્મર્યાદા 66 વર્ષ જેટલી અંદાજવામાં આવી છે. જાપાનમાં સરેરાશ આયુમર્યાદા 79 વર્ષ (પુરુષો : 76 અને સ્ત્રીઓ : 82 વર્ષ) દર્શાવાઈ છે. જ્યારે નાઇજીરિયા જેવા દેશોમાં સરેરાશ આયુમર્યાદા 52 વર્ષ રહેલી છે.
બાળમૃત્યુપ્રમાણ એ દેશના વિકાસનું ચિત્ર રજૂ કરે છે. યુ.એસ.માં બાળમૃત્યુનું પ્રમાણ ઓછું એટલે કે હજારે 9નું છે, જ્યારે સૌથી વધુ પ્રમાણ લાઇબીરિયામાં હજારે 200નું છે અને સૌથી ઓછું પ્રમાણ જાપાનમાં 4.5નું છે. એશિયામાં હજારે 80 અને લૅટિન અમેરિકામાં 63 જેટલું રહેલું છે.
જન્મપ્રમાણના વિતરણની જેમ મૃત્યુપ્રમાણનું વિશ્વવિતરણ પણ અસમાન છે. 1985માં વિશ્વનો અશોધિત મૃત્યુદર હજારે 11 હતો, જે ઘટીને 1993માં હજારે 9નો થયો છે. વિશ્વમાં મૃત્યુપ્રમાણનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ દર્શાવી શકાય :
(i) ઊંચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશો (હજારે 15થી 20 કે તેથી વધુ) : સૌથી ઊંચું મૃત્યુપ્રમાણ આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ત્યાંનો મૃત્યુદર હજારે 15થી 20 કે તેથી પણ વધુ છે. તેમાં આફ્રિકા ખંડના મોટાભાગના દેશોનો સમાવેશ થાય છે. ઊંચા મૃત્યુદર માટે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઈબોલા જેવા ચેપી રોગો જવાબદાર ગણાય. એશિયા ખંડના અફઘાનિસ્તાન, ભુતાન, પૂર્વ તિમોરનો પણ આમાં સમાવેશ થાય છે.
(ii) મધ્યમ મૃત્યુપ્રમાણવાળા દેશો (હજારે 10થી 15) : વિશ્વની લગભગ 50 % વસ્તી આ વિભાગમાં આવે છે. એશિયા ખંડના મ્યાનમાર, નેપાળ, યેમેન, બાંગ્લાદેશ, કંબોડિયા, ઇરાક, કઝાખસ્તાન, આફ્રિકાના બેનિન, બોત્સવાના, કેમેરુન, કોમોરોસ, કૉંગો, કૉંગો પ્રજાસત્તાક, ઘાના, બેસોથો, માડાગાસ્કર, મૉરેશિયસ, નામિબિયા, સુદાન, ટાન્ઝાનિયા, ઉત્તર અમેરિકાના હૈતી, યુરોપમાં બેલ્જિયમ, બેલારુસ, ડેન્માર્ક, બલ્ગેરિયા, ચેક પ્રજાસત્તાક, એસ્તોનિયા, જર્મની, હંગેરી, લૅટવિયા, લિથુઆનિયા, નૉર્વે, પોલૅન્ડ, મૉલ્દેવિયા, રુમાનિયા, સાનમેરિનો, યુ.કે., સર્બિયામાં મધ્યમ મૃત્યુપ્રમાણ છે.
(iii) નીચા મૃત્યુપ્રમાણવાળા દેશો (હજારે 10થી ઓછું) : 1990–95 દરમિયાન વિશ્વનો સરેરાશ મૃત્યુદર 9 જેટલો હતો. વિશ્વના નીચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશોમાં ઉત્તર અમેરિકાના કૅનેડા અને યુ.એસ.; મધ્ય અને દક્ષિણ અમેરિકા; એશિયામાં પૂર્વ એશિયા, અગ્નિ એશિયા, પશ્ચિમ એશિયા તથા ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલૅન્ડ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા તેમજ યુરોપના કેટલાક દેશોનો સમાવેશ કરી શકાય. ઉપર્યુક્ત પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ વિકસિત વસ્તી વસે છે. અહીં આરોગ્યને લગતી સુવિધાઓના વિકાસને લીધે મૃત્યુદરમાં ઘણો ઘટાડો થયેલો છે.
ભારતમાં મૃત્યુપ્રમાણ : ભારતમાં જોવા મળતો ઝડપી વસ્તીવધારો તે તેના ઊંચા જન્મદરને કારણે નહિ, પરંતુ ઝડપથી ઘટતા મૃત્યુદરને લીધે છે. ભારતમાં 1901–11 દરમિયાન મૃત્યુદર હજારે 42.6 જેટલો હતો, જ્યારે 1951–61 દરમિયાન મૃત્યુદર ઘટીને 31.2 જેટલો થયો હતો. 1993માં તે 10.00નો થયો છે. મૃત્યુદરમાં સતત ઘટાડો થતો જવાનાં મુખ્ય કારણોમાં ચેપી રોગો પર અંકુશ, સાક્ષરતા અને લોકોની આરોગ્ય પ્રત્યેની સભાનતા મુખ્ય છે.
ભારતમાં મૃત્યુપ્રમાણનું પ્રાદેશિક વિતરણ : (i) ઊંચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશો (હજારે 12 કરતાં વધુ), (ii) મધ્યમ મૃત્યુપ્રમાણવાળા પ્રદેશો (હજારે 9થી 12), (iii) નીચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશો (હજારે 6થી 9).
(i) ભારતમાં ઊંચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઓરિસાનો સમાવેશ કરી શકાય. આ રાજ્યોમાં ગરીબાઈ, નિરક્ષરતા, સામાજિક પછાતપણું, આરોગ્યની અપૂરતી સુવિધાઓ અને આધુનિક ઢબની જીવનશૈલીનો અભાવ જેવાં પરિબળો જવાબદાર છે.
(ii) મધ્યમ મૃત્યુદરવાળા પ્રદેશોમાં આસામની ખીણ, મેઘાલય, ત્રિપુરા, હરિયાણા, ગુજરાત અને આંધ્ર પ્રદેશનો સમાવેશ કરી શકાય. અહીં નિરક્ષરતા, ગરીબાઈ અને પછાત વર્ગોનું પ્રમાણ મધ્યમ હોવાથી મૃત્યુદર મધ્યમ રહ્યો છે.
(iii) નીચા મૃત્યુપ્રમાણવાળા પ્રદેશોમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાનાં રાજ્યો તથા પૂર્વના સીમાંત પ્રદેશો, ઉત્તરમાં પંજાબ તથા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો સમાવેશ કરી શકાય. ભારતમાં સૌથી નીચો દર નાગાલૅન્ડ અને કેરળમાં જોવા મળે છે. આ રાજ્યોમાં હજારે 6 જેટલો નીચો મૃત્યુદર છે જે વિકસિત દેશ જેટલો છે. આ રાજ્યોમાં જન્મપ્રમાણ તથા બાળમૃત્યુપ્રમાણ પણ નીચું છે.
ભારતમાં બાળમૃત્યુપ્રમાણ : ભારતમાં 1993માં બાળમૃત્યુપ્રમાણ હજારે 79 જેટલું હતું. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માટેની અપૂરતી સુવિધાઓ, ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી અપૂરતી કાળજી, પૌષ્ટિક આહારનો અભાવ, અંધશ્રદ્ધા તેમજ સ્ત્રીઓમાં નિરક્ષરતાને લીધે બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું છે. ભારતમાં બધાં રાજ્યોમાં બાળમૃત્યુનું પ્રમાણ સમાન નથી. ભારતમાં હજારે 100 કરતાં પણ વધુ બાળમૃત્યુનું પ્રમાણ સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતાં રાજ્યો – ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસામાં તેમજ પછાત પ્રદેશો – બિહાર, આસામ અને રાજસ્થાનમાં જોવા મળે છે. સૌથી મહત્તમ બાળમૃત્યુદર ઓરિસામાં હજારે 120 જેટલો છે, જ્યારે લઘુતમ મૃત્યુદર કેરળમાં હજારે 20 જેટલો રહ્યો છે.
ભારતમાં આયુર્મર્યાદા : વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં આયુર્મર્યાદા ઘણી ઓછી છે. 2012માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 65.8 વર્ષનું હતું. વિકસિત દેશોમાં તે 70 વર્ષથી પણ વધુ છે. અઢારમી સદીના પ્રારંભે ભારતમાં આયુર્મર્યાદા માત્ર 23 વર્ષ જેટલી હતી, તે વધીને 1950માં 32 વર્ષની થઈ હતી. 1961, 1971 અને 1981માં તે વધીને અનુક્રમે 42, 46 અને 55ની થઈ હતી.
નીતિન કોઠારી