મૃતસંજીવની સુરા : આયુર્વેદની એક પ્રભાવશાળી પ્રવાહી ઔષધિ. આયુર્વેદમાં અનેક પ્રકારની પ્રવાહી ઔષધિઓ છે; જેમાં ક્વાથ, આસવ, અરિષ્ટ અને અર્ક જેવા પ્રકારો છે.
આસવ-અરિષ્ટો એ ઔષધિઓને એક પાત્રમાં રાખી, તેમાં આથો લાવી, તૈયાર કરાય છે. આયુર્વેદની આસવ કે અર્ક પદ્ધતિએ તૈયાર થતી અનેક ઔષધિઓમાં ‘મૃતસંજીવની સુરા’ નામની એક ઔષધિ છે. તે નીચેની વિધિથી તૈયાર થાય છે :
વિધિ : 1 વર્ષથી વધારે જૂનો ગોળ 12.3 કિગ્રા.; બાવળની છાલ; 950 ગ્રામ દાડમની છાલ; અરડૂસીની છાલ, મોચરસ, લજામણી, અતિવિષ, આસંધ, દેવદાર, બીલીની છાલ, અટલુની છાલ, પાટલાની છાલ, સમેરવો, નાનો સમેરવો, ઊભી ભોરિંગણી, બેઠી ભોંયરિંગણી, ગોખરુ, મોટી બોરડીનાં મૂળ, ઇંદ્રવરણાનાં મૂળ, ચિત્રકમૂળ, કૌંચા અને સાટોડી – આ પ્રત્યેક ઔષધિ 480 ગ્રામ લેવામાં આવે છે. પછી ઔષધિઓનો અધકચરો ભૂકો કરવામાં આવે છે. તે પછી એક મોટી કોઠી કે સાંકડા મોંના માટીના વાસણમાં ગોળથી 8 ગણું પાણી મેળવી, તેમાં આ પૂર્વે તૈયાર કરેલ દવાનો ભૂકો નાખી વાસણનું મુખ કપડપટ્ટીથી બંધ કરી દેવામાં આવે છે. 16 દિવસ પછી તે વાસણનું મુખ ખોલીને તેમાં ચીકણી સોપારીનું અધકચરું ચૂર્ણ 1,280 ગ્રા., ધતૂરાનાં મૂળ, લવંગ, પદ્મકાષ્ઠ, વાળો, રતાંજળી, સુવાદાણા, અજમો, મરી, જીરું, શાહજીરું, કચૂરો, જટામાંસી, તજ, નાની એલચીના દાણા, જાયફળ, નાગરમોથ, પીપરીમૂળ, સૂંઠ, મેથી, મેઢાશિંગ અને સફેદ ચંદન – આ 21 ઔષધિઓનું અધકચરું ચૂર્ણ 80–80 ગ્રા. નાંખીને વાસણનું મુખ ફરીથી બંધ કરી દેવામાં આવે છે. તે બાદ 8 દિવસ પછી તે વાસણ ઉપર બકયંત્ર ગોઠવીને તેમાંથી સુરા (મદ્યાર્ક-આલ્કોહૉલ) ખેંચી લેવામાં આવે છે. આ કામ ફાર્મસીના અનુભવી વૈદ્ય જ કરી શકે છે. આ ઔષધિ ઋતુ મુજબ 1થી 1.5 માસે તૈયાર થાય છે.
દવાની માત્રા : 5 ગ્રામથી 20 ગ્રામ સુધી ‘મૃતસંજીવની સુરા’ પાણી મેળવીને આપવામાં આવે છે.
ઉપયોગ : કોઈ પણ પ્રકારની લાંબી બીમારીમાં અથવા સન્નિપાત તાવ, કે કૉલેરાની સ્થિતિમાં શરીર અચાનક જ એકદમ હિમ જેવું શીતળ થઈ જાય, ત્યારે વ્યક્તિ મરણોન્મુખ બને છે. એવા સમયે આ મૃતસંજીવની સુરા દર્દીને પાવાથી ઇંજેક્શનની જેમ ઝડપી લાભ થાય છે. શરીરમાં ગરમાવો આવે છે. મૃત્યુના મુખમાં પહોંચેલ દર્દી પુન: સજીવન બને છે. આ ઔષધિમાં મદ્યાર્ક(આલ્કોહૉલ)નું પ્રમાણ પ્રાય: 30 % ઉપર રહે છે. તેથી દારૂના નશાખોર લોકો તેનો ખોટો ઉપયોગ કરતા હોઈ, ગુજરાત રાજ્યમાં આ ઔષધિના નિર્માણ કે વેચાણની મનાઈ છે. આ ઔષધિ પ્રમાણસર દવા રૂપે લેવાય તો તે પુષ્ટિ, બળ, કાંતિ અને જઠરાગ્નિ વધારે છે. ઉત્તરપ્રદેશમાં આ દવા ખાસ કરીને પ્રસૂતાઓને દશમૂલારિષ્ટને બદલે અપાય છે, જેથી તેઓ જલદી સ્વસ્થ થાય છે. આ સુરા સમજપૂર્વક માપસર લેવાય તો દર્દીનાં આયુષ્ય, શક્તિ અને સાતેય ધાતુઓ વધે છે તથા શરીર સુર્દઢ બને છે. આમ દર્દીનું અંગ શીતળ થયું હોય ત્યારે આ સુરા તેને ઉષ્મા આપી નવજીવન બક્ષે છે.
બળદેવપ્રસાદ પનારા