મૃણ્મય ખડકો (Argillaceous Rocks) : કણજન્ય જળકૃત ખડકોનો સામૂહિક પ્રકાર. આ પ્રકારના ખડકો માટીના કણોથી બનેલા હોવાથી તેમને મૃણ્મય ખડકો કહે છે. તે ‘લ્યુટાઇટ્સ’ના સામૂહિક નામથી પણ ઓળખાય છે, જેમાં શેલ, આર્જિલાઇટ્સ, કાંપપાષાણ (સિલ્ટસ્ટોન) તથા પંકપાષાણ (મડસ્ટોન) જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આ બધા એવા કણજન્ય ખડકપ્રકારો છે, જેમનાં કણકદ જો સિલ્ટસ્ટોનનો સમાવેશ કરવામાં આવે તો 1/16 મિમી.થી ઓછાં અને જો સિલ્ટસ્ટોનને બાકાત રાખવામાં આવે તો 1/256 મિમી.થી ઓછાં હોય છે. ભૂપૃષ્ઠમાં મળી આવતા જળકૃત ખડકપ્રકારો પૈકી, વિવિધ અંદાજો મુજબ, આ ખડકપ્રકારની ટકાવારી 44 % થી 56 % સુધીની ગણાય છે.

મૃદપાષાણ (claystone) ર્દઢીભૂત મૃદ છે, જે મુખ્યત્વે સૂક્ષ્મ દ્રવ્યથી બનેલો હોય છે. તેમાં મૃદ-ખનિજો(જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ)નું પ્રમાણ વધુ હોય છે. શેલ એ પડયુક્ત કે સંભેદશીલ મૃદપાષાણ અથવા કાંપપાષાણ (siltstone) છે, પરંતુ તે મૃદપાષાણ કરતાં વધુ ઘનિષ્ઠ હોય છે. પંકપાષાણ (mudstone) પણ મૃદપાષાણનો જ એક પ્રકાર છે. તે ગચ્ચામય કે દળદાર હોય છે. મૃદપાષાણ કરતાં પંકપાષાણ વધુ ર્દઢ હોય છે. સ્લેટ થવા સુધીની વિકૃતિ ન પામ્યા હોય એવા ખડકપ્રકાર માટે આર્જિલાઇટ પર્યાય વપરાય છે. આ બધા મૃણ્મય ખડકો પંક, પ્રવાહી ઝમવાથી થયેલી પોપડીઓ (ooze), કાંપકાદવ અને મૃદમાંથી જમાવટ પામીને ર્દઢીભૂત થયેલાં સ્વરૂપો છે. (જુઓ, સારણી.) આ ઉપરાંત લોએસ એ સૂક્ષ્મદાણાદાર, બિનર્દઢીભૂત, વાતજન્ય નિક્ષેપ છે, તેને પણ આ કક્ષામાં ગોઠવી શકાય. શેલ ખડકને ઘણા નિષ્ણાતો તેની ઉત્પત્તિસ્થિતિના સંબંધમાં આ બધા જ ખડકપ્રકારોનું પ્રતિનિધિત્વ રજૂ કરતો સર્વસામાન્ય પ્રકાર ગણાવે છે.

સારણી : મૃણ્મય ખડકપ્રકારોનું વર્ગીકરણ

      બિનર્દઢીભૂત         ર્દઢીભૂત           વિકૃતિના પ્રારંભે      વિકૃતિજન્ય

    

ગિરીશભાઈ પંડ્યા