મૂળચંદ ‘પ્રાણેશ’

February, 2002

મૂળચંદ ‘પ્રાણેશ’ (જ. 1925, ઝાઝૂ, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની સાહિત્યના વિદ્વાન અને વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ચશ્મદીઠ ગવાહ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ‘સાહિત્યરત્ન’ અને ‘આયુર્વેદરત્ન’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે.

તેઓ 1958થી 1981 સુધી ભારતીય વિદ્યા મંદિર સંશોધનસંસ્થા સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સાહિત્યિક સંશોધનવિષયક સામયિકો ‘વૈચારિકી’ અને ‘જલમભામ’નું સંપાદન કર્યું. તે ઉપરાંત તેમણે આરોગ્ય અને આયુર્વેદને લગતા સામયિક ‘શુચિ’નું સંપાદન કર્યું.

તેમની પ્રગટ થયેલી 11 કૃતિઓમાં તેમના સંશોધનલક્ષી લેખસંગ્રહોનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાની સાહિત્યમાં તેમના પ્રદાન બદલ સાદુલ રાજસ્થાની સંશોધનસંસ્થા, બીકાનેર તથા રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદયપુર તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘ચશ્મદીઠ ગવાહ’ કૃતિ રાજસ્થાનના સમકાલીન ગ્રામીણ જીવનના આધારભૂત ચિત્રાંકન માટે, લોકજીવનને પીડતા સામાજિક રાજકીય પ્રશ્નો વિશેની લેખકની વિલક્ષણ સૂઝ અને વ્યક્તિના ચિત્ત વિશેની તેમની ઊંડી સમજને કારણે રાજસ્થાની સાહિત્યમાં મહત્વની લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા