મૂર્તિ, શિવરામ (જ. 1905; અ. 1984) : ભારતીય પ્રાચ્યવિદ્યાના પારંગત અને સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ઉચ્ચ કોટિના કલાકાર પણ હતા. રેખાંકન અને શિલ્પાંકનમાં તેમની અદભુત કુશળતાનો ખ્યાલ તેમનાં પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવે છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે : ‘અમરાવતી સ્કલ્પચર્સ ઇન ધ મૉડર્ન ગવર્નમેન્ટ મ્યુઝિયમ’, ‘સ્કલ્પચર્સ ઇન્સ્પાયર્ડ બાય કાલિદાસ’, ‘ન્યૂ- મિસમૅટિક પૅરેલલ્સ ઑવ્ કાલિદાસ’, ‘રૉયલ કૉન્ક્વેસ્ટ્સ ઍન્ડ કલ્ચરલ માઇગ્રેશન ઇન સાઉથ ઇન્ડિયા ઍન્ડ ધ ડેક્કન’, ‘લ સ્તૂપ દ બોરોબુદુર’, ‘ઇન્ડિયન એપિગ્રાફી ઍન્ડ ઇન્ડિયન સ્ક્રિપ્ટ્સ’, ‘અર્લી ઇસ્ટર્ન ચાલુક્ય સ્કલ્પચર’, ‘નટરાજ ઇન ઇન્ડિયન આર્ટ ઍન્ડ લિટરેચર : મિરર્સ ઑવ્ ઇન્ડિયન કલ્ચર’, ‘કાલુગુમલાઇ ઍન્ડ અર્લી પાંડ્યન રૉક-કટ શ્રાઇન્સ’, ‘ઇન્ડિયન સ્કલ્પચર’ અને ‘મહાબલિપુરમ્’.
તેમનાં પ્રકાશનો શિવરામ મૂર્તિની વિદ્વત્તા અને નિપુણતાનો પરિચય આપવા માટે પર્યાપ્ત છે. ઇટાલીમાં પ્રસિદ્ધ થયેલ ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ વર્લ્ડ આર્ટ’માં તેમણે લખેલાં કેટલાંક અધિકરણોમાં ‘આંધ્ર આર્ટ સેન્ટર્સ ઍન્ડ ટ્રેન્ડ્ઝ’ તેમજ ‘દ્રાવિડિયન આર્ટ’ નોંધનીય છે. શિલ્પકલાના ક્ષેત્રે વિદ્વાનો અને જિજ્ઞાસુઓમાં એકસરખો આદર પામેલા તેમના પુસ્તક ‘સાઉથ ઇન્ડિયન બ્રૉંઝ્સ : ઇન્ડિયન સ્કલ્પચર’માં ભારતના અનેકવિધ ઐતિહાસિક તબક્કાઓ અને તેમના વૈવિધ્ય સાથેનાં શિલ્પવિષયક મનોરમ્ય ચિત્રો રજૂ કરાયાં છે. વળી શિલ્પની વિવિધ શાખા-શાળાઓનું ભાવવાહી રજૂઆત સાથે ચિત્રણ કરેલું છે. આ પુસ્તકની તદ્દન નવીન રજૂઆત ભારતીય શિલ્પીઓ અંગેની છે. આ પ્રકારની રજૂઆત તદવિષયક કોઈ પણ પુસ્તકમાં જોવા મળી નથી. તેમની ભાષા તથા શૈલી સરળ અને સચોટ છે. તેમાં યોગ્ય રીતે ર્દષ્ટાંતો, ફોટોગ્રાફ, રેખાંકનો વગેરે આપીને દરેક શિલ્પના તબક્કા સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ પ્રકારની રજૂઆત અભ્યાસુઓ અને નિષ્ણાતો માટે રસપ્રદ બને છે.
સી. શિવરામ મૂર્તિએ પોતાની તેજસ્વી કારકિર્દીનો આરંભ ચેન્નાઈના પુરાતત્વ-વિષયક મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે કર્યો હતો. ત્યારબાદ કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમ, આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા, નૅશનલ મ્યુઝિયમ (પ્રારંભમાં મદદનીશ નિયામક અને છેલ્લે નિયામક) – એમ વિવિધ સંસ્થાઓમાં નિષ્ણાત તરીકે તેમણે સેવાઓ આપી, પોતાના વિશાળ જ્ઞાનના આધારે ભારત સરકારનાં સંગ્રહાલયો માટેના સલાહકાર તરીકેનો માનાર્હ હોદ્દો સંભાળ્યો. એ ઉપરાંત પૅરિસની ‘ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑવ્ મ્યુઝિયમ્સ’ તથા ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મ્યુઝિયમ્સ’ના પ્રમુખનો કાર્યભાર પણ સંભાળ્યો. તેમની તેજસ્વી કારકિર્દીને પરિણામે તેમને જવાહરલાલ નહેરુ ફેલોશિપ અપાઈ. તેમનું ભારતીય શિલ્પમાં પક્ષીઓ-પશુઓના સ્થાનને લગતું ભારતીય શિલ્પ આલબમ ધ્યાન ખેંચે તેવું છે. તેમાં ગંગા, શતરુદ્રીય, શિવની વિભૂતિઓનું મૂર્તિવિધાન, વિષ્ણુધર્મોત્તર પુરાણમાં ચિત્રસૂત્ર વગેરે નોંધપાત્ર છે. પોતે ચિત્રકાર, શિલ્પકાર અને કલાકાર હોઈને પોતાનાં કેટલાંક પુસ્તકોમાં સ્વહસ્તે ચિત્રોનાં આલેખન કર્યાં છે, જે તેમની એક વિશેષતા ગણાય.
શિલાલેખો, સિક્કાશાસ્ત્ર, શિલ્પકલા અને ચિત્રકલાને લોકપ્રિય બનાવવા માટે અનુરૂપ ઉદાહરણો સંસ્કૃત સાહિત્યમાંથી આપીને તે તે વિભાગોનાં પ્રકાશનોને તેમણે વધુ જીવંત બનાવ્યાં છે.
તેઓ રૉયલ એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડના માનાર્હ ફેલો હતા. તેમણે વિશ્વના દેશોનો વિસ્તૃત પ્રવાસ ખેડ્યો હતો. પરિણામે યુરોપ-અમેરિકાની ઘણી ચર્ચાસભાઓમાં ભાગ લઈને પોતાના જ્ઞાનનો તેમણે લાભ આપેલો. ભારત સરકારે 1968માં તેમને ‘પદ્મશ્રી’ અને 1976માં ‘પદ્મભૂષણ’નું બિરુદ આપ્યું હતું.
પ્રિયબાળાબહેન શાહ