મૂડીવાદ
February, 2002
મૂડીવાદ : સ્વૈરવિહાર અને મુક્ત બજારતંત્ર પર આધારિત આર્થિક માળખું. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજમાં ઉપલબ્ધ ઉત્પાદનનાં સાધનોનું રોકાણ મૂડીપ્રચુર ઉદ્યોગોમાં થયેલું હોય છે; જેમાં ઉત્પાદનનાં ભૌતિક સાધનોની માલિકી મોટા ભાગે ખાનગી વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થયેલી હોય છે અથવા તો ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા મહેનતાણું ચૂકવીને તે ભાડે રાખવામાં આવતાં હોય છે, જેમાં સાધનોનો ઉપયોગ તેમના માલિકોની મરજીને અધીન હોય છે અને જેમાં આવાં સાધનોના રોકાણ દ્વારા જે ચીજવસ્તુઓ અથવા સેવાઓનું ઉત્પાદન થાય છે તે નફો કમાવાના હેતુથી ગ્રાહકો કે ઉપભોક્તાઓને વેચવાનો જ મુખ્ય ઇરાદો હોય છે. આમ મૂડીવાદમાં ઉત્પાદનનાં સાધનોની વ્યક્તિગત માલિકી હોય છે. ઉત્પાદન કે વેચાણને લગતા બધા જ નિર્ણયો સાધનોની માલિકી ધરાવતી અથવા તો તેમને ભાડે રાખતી વ્યક્તિ દ્વારા અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા લેવામાં આવતા હોય છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે.
અન્ય આર્થિક પદ્ધતિઓની જેમ મૂડીવાદનો ઉદય અને તેની ક્રમશ: ઉત્ક્રાંતિ પણ જે તે સમયની સમાજની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ હતી. મૂડીવાદની ઉત્ક્રાંતિના ગાળામાં તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થયો છે અને દરેક તબક્કામાં તે વધુ ને વધુ બળવાન કે શક્તિશાળી બનતો ગયો છે. વળી વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદી આર્થિક પદ્ધતિએ તેની સામે જે પડકાર ફેંક્યો હતો અને જે પડકારને લીધે ‘મૂડીવાદ મરણશય્યા પર પડ્યો છે અને ટૂંક સમયમાં જ વિશ્વના બધા વિસ્તારોમાંથી તેનો લોપ થવાનું હાથવેંતમાં છે’ એવી એવી વાતો વહેતી થયેલી તેમાંથી પણ તે સફળતાથી ઊગરી ગયો છે. આજે વિશ્વમાં સર્વત્ર મૂડીવાદની બોલબાલા છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશ્વ મૂડીવાદી અને સમાજવાદી આ બે ભિન્ન ભિન્ન અને પરસ્પરવિરોધી જૂથોમાં વહેંચાઈ ગયું હતું અને ત્યારે વિશ્વમાં દ્વિધ્રુવાત્મક આર્થિક પદ્ધતિઓ વચ્ચે સતત ટક્કર ચાલતી હતી. એક સમય તો એવો પણ આવ્યો હતો, જ્યારે આ ટક્કરનું સ્વરૂપ આર્થિક ઉપરાંત રાજકીય પણ બન્યું અને તેને પરિણામે વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેનો સંઘર્ષ અત્યંત તીવ્ર બન્યો હતો. આ પરિસ્થિતિ વીસમી સદીના ઉત્તરાર્ધના અંતે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે એટલે સુધી કે હવે વિશ્વમાં દ્વિધ્રુવાત્મક આર્થિક પદ્ધતિઓના સ્થાને એકધ્રુવીય આર્થિક પદ્ધતિ જ વર્ચસ્ ધરાવે એવું વૈશ્વિક વાતાવરણ સર્જાયું છે. 1991માં સોવિયેત સંઘનું વિઘટન થયું તે પૂર્વે પણ યુરોપમાં યુગોસ્લાવિયા જેવા દેશોમાં તથા એશિયામાં ચીન જેવા સામ્યવાદી શાસન હેઠળના દેશમાં સમાજવાદી ઢબની કેન્દ્રીય આયોજનપદ્ધતિને સ્થાને ઉદારીકરણની પ્રક્રિયા દ્વારા અર્થવ્યવસ્થાનાં કેટલાંક ક્ષેત્રોમાં ખાનગીકરણની પ્રક્રિયા ક્રમશ: દાખલ થઈ ચૂકી હતી. સોવિયેત સંઘના વિઘટન પછી આ પ્રક્રિયાને સતત વેગ મળતો ગયો છે અને પરિણામે મૂડીવાદ ભલે તેના મૂળ કે જટિલ સ્વરૂપમાં જીવી ન શકે, પરંતુ વિદ્યમાન પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી તે તેનો અદ્યતન અવતાર તો પ્રાપ્ત કરશે જ એવું મનાય છે.
મૂડીવાદનાં કેટલાંક લક્ષણો નોંધપાત્ર છે : (1) મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજ બે વર્ગોમાં વહેંચાઈ જાય છે, જેમાંથી એક વર્ગ ઉત્પાદનનાં સાધનોની માલિકી ધરાવે છે, ઉત્પાદન, વહેંચણી અને વિનિમયને લગતા બધા જ નિર્ણયો તે લે છે; જ્યારે બીજો વર્ગ કામદારો કે મજૂરોનો હોય છે જે માત્ર પોતાની શ્રમશક્તિ વેચી જેમતેમ ગુજરાન કરે છે. પ્રથમ વર્ગ માત્ર ઉત્પાદનનાં સાધનો પર જ નહિ, પરંતુ પરોક્ષ રીતે શ્રમિકોની શ્રમશક્તિ પર પણ માલિકી-હક પ્રસ્થાપિત કરે છે અને તેથી તેને ‘haves’ અને એની સામેના બીજા વર્ગને ‘have-nots’ તરીકે ઓળખવામાં આવે છે; કારણ કે આ બીજો વર્ગ પોતાની ચામડી વેચવા સિવાય, એટલે કે પોતાની શ્રમશક્તિ વેચવા સિવાય અન્ય કોઈ સાધન પર અધિકાર ધરાવતો હોતો નથી. (2) વર્ગસંઘર્ષ એ મૂડીવાદનું બીજું અગત્યનું લક્ષણ છે. માલિકો અને મજૂરોમાં વહેંચાઈ ગયેલા સમાજના આ બે વર્ગો એક રીતે એકબીજાના પૂરક હોવા છતાં તેના હેતુઓ પરસ્પરવિરોધી હોવાથી તેમાંથી શોષણવ્યવસ્થા ઊભી થાય છે. માલિકો મજૂર વર્ગનું શોષણ કરે છે અને તે વર્ગસંઘર્ષણને પ્રોત્સાહન આપે છે. (3) મૂડીવાદમાં દરેક નાગરિક લગભગ અબાધિત ગણાય તેટલા પ્રમાણમાં મિલકતના અધિકારો ધરાવે છે અને તેમાં આવક દ્વારા મિલકત ઊભી કરવાનો, મિલકતનો ઉપભોગ કરવાનો, મિલકતનું વેચાણ દ્વારા અથવા અન્ય રીતે હસ્તાંતરણ કરવાનો, મિલકતનું સંવર્ધન કરવાનો તથા વારસામાં મિલકત બક્ષવાનો – આ બધા અધિકારોનો સમાવેશ થાય છે. રાજ્ય માત્ર પરોક્ષ રીતે જ અને તે પણ મર્યાદિત પ્રમાણમાં જ રાજકોષીય નીતિ જેવાં સાધનો વડે મિલકતના અધિકારોનું નિયમન કરી શકે છે. (4) મૂડીવાદમાં આર્થિક પહેલ કરવાનો અધિકાર પણ મહત્વનો ગણાય છે. આ અધિકાર મિલકત અંગેના અધિકારોને પૂરક ગણાય છે. જો આર્થિક નિર્ણયો લેવાનો અધિકાર ન મળે તો મિલકતના અધિકારો આપમેળે વિસર્જિત થઈ જાય. આર્થિક પહેલ કરવાના અધિકારમાં મૂડીરોકાણ કરવાનો અધિકાર, ઉત્પાદનનાં સાધનો ખરીદવાનો કે તેમને ભાડે રાખવાનો અધિકાર, બજારના નિયમો મુજબ તેમના વળતરના દરો નિર્ધારિત કરવાનો અધિકાર, ઉત્પાદિત માલ અને સેવાનું વેચાણ કરવાનો અધિકાર વગેરેનો સમાવેશ થાય છે. (5) સ્પર્ધા કે હરીફાઈ એ મૂડીવાદનું હાર્દ ગણાય. મૂડીવાદમાં પહેલ કરવાનો અધિકાર માન્ય કરેલો હોવાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પાદન કરવાના હેતુથી દાખલ થઈ શકે છે અને આમ થાય ત્યારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા એક કરતાં વધારે હોય છે અને તેથી અનેક પેઢીઓ અસ્તિત્વમાં આવતાં તેમની વચ્ચે સ્પર્ધા કે હરીફાઈ થાય છે. આવી સ્પર્ધા વસ્તુઓ અને સેવાઓની કિંમત, તેમની ગુણવત્તા, વેચાણનાં કેન્દ્રો અને પદ્ધતિઓ વગેરે બાબતોમાં ર્દષ્ટિગોચર થતી રહે છે. (6) નફાનો હેતુ – એ મૂડીવાદનું આગવું લક્ષણ છે. નફાનો હેતુ આયોજકોને જોખમો ખેડવા તથા અનિશ્ચિતતાઓ વહોરવા માટેનું બળ કે પ્રેરણા પૂરી પાડે છે. નફાનો હેતુ મૂડીરોકાણને પ્રોત્સાહિત કરે છે; જે રોજગારી, આવક, બચત કરવાની શક્તિ, ઉત્પાદન વગેરે નિર્ધારિત કરે છે. નફાનો હેતુ સંશોધન-શોધખોળોને પણ પ્રોત્સાહિત કરે છે. ટૂંકમાં, નફાનો હેતુ ઝડપી આર્થિક વિકાસ તથા સમૃદ્ધિ હાંસલ કરવા માટેનું પ્રેરક બળ છે. (7) ઉપભોક્તાની સાર્વભૌમિકતા મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જ અસ્તિત્વ ધરાવી શકે છે. ઉપભોક્તાની સાર્વભૌમિકતા સ્પર્ધાને યથાર્થ બનાવે છે. કઈ વસ્તુ કે સેવા, ક્યારે અને કેટલા પ્રમાણમાં ખરીદવી તેનો નિર્ણય બજારના માધ્યમ દ્વારા ઉપભોક્તા વ્યક્ત કરે છે અને તે દ્વારા ઉત્પાદકો ઉત્પાદન અંગેના નિર્ણયો લેતા હોય છે. ઉત્પાદકોનો નફો ઉપભોક્તાની પસંદગી અંગેના નિર્ણયોને અધીન હોય છે. (8) સંપત્તિનું કેન્દ્રીકરણ અને તેમાંથી ઉદભવતી આવક અને સંપત્તિની અસમાનતા એ મૂડીવાદનું લક્ષણ પણ છે અને દૂષણ પણ. આ દૂષણ મિલકતના તથા વારસામાં મિલકત આપી દેવાના કે પ્રાપ્ત કરવાના અધિકારોમાંથી સર્જાય છે. નફો કમાવાનો અધિકાર સંપત્તિના કેન્દ્રીકરણમાં પરિણમે છે. ખાસ કરીને નફો કમાવાનો અધિકાર જ્યારે નફાખોરીમાં પરિવર્તિત થાય છે ત્યારે તે વધુ તીવ્ર બને છે. સંપત્તિનું કેન્દ્રીકરણ અને તેમાંથી ઉદભવતી આર્થિક વિષમતાઓ સમાજમાં ગરીબી અને કંગાલિયતને પોષે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે