મુહમ્મદશાહ, સુલતાન 1લો (રાજ્યઅમલ : 1403–1404) : ગુજરાતનો પ્રથમ સત્તાવાર સુલતાન. દિલ્હી સલ્તનત ઉપર કબજો મેળવવાની તાતારખાનની મહત્વાકાંક્ષા હતી; પરંતુ એના પિતા ઝફરખાને તેને સંમતિ આપી નહિ. આથી તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરાવી દીધા. ઈ. સ. 1403ના ડિસેમ્બરથી 1404ના જાન્યુઆરી દરમિયાન ‘મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરીને તે પોતે તખ્ત ઉપર બેઠો. આમ ગુજરાતનો પ્રથમ સત્તાવાર સુલતાન તાતારખાન (મુહમ્મદશાહ) થયો અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પાયો પણ તેણે નાખ્યો.
મુહમ્મદશાહ સુલતાન થયા પછી તુરત જ ભરૂચની પૂર્વમાં રાજપીપળા પાસે આવેલા નાંદોદના બળવાખોર ગોહિલ રાજા ગેમલસિંહજીને સજા કરવા ગયો અને એને હરાવી એની પાસેથી ખંડણી ભરવાનું કબૂલાવ્યું. ત્યારબાદ એણે દિલ્હી સર કરવા કૂચ આરંભી, પણ કમનસીબે બીમાર પડતાં નર્મદા નદીના ઉત્તર કાંઠા ઉપર આવેલા શિનોર ગામમાં એનું મૃત્યુ થયું. કેટલાક ઇતિહાસકારો માને છે કે એના પિતા ઝફરખાને એને ખોરાકમાં પોતાના નાના ભાઈ શમ્સખાન દમદાની મારફતે ઝેર અપાવી એનો અંત આણ્યો. પણ એ વિશે કોઈ આધારભૂત પ્રમાણ નથી. ઝફરખાને તાતારખાનની દફનક્રિયા પાટણમાં કરાવી હતી. આમ, મુહમ્મદશાહે લગભગ બે મહિના (ઈ. સ. 1404ના ફેબ્રુઆરીથી માર્ચ સુધી) રાજ્ય કર્યું.
રામજીભાઈ ઠા. સાવલિયા