મુલતાની માટી (Fuller’s Earth) : માટીનો એક પ્રકાર. સિંધમાં મુલતાની માટીના થર મળે છે. અગાઉ તે મુલતાનમાંથી મળી રહેતી હોવાને કારણે આ નામ પડ્યું હોય એ સંભવિત છે. આ માટીમાં તૈલી પદાર્થોનું શોષણ કરી લેવાનો ગજબનો ગુણધર્મ હોવાથી તે અગાઉના સમયમાં ગ્રીઝવાળા પદાર્થોમાંથી ચીકાશ શોષી લેવાના ઉપયોગમાં લેવાતી હતી. જૂના વખતમાં કાચા ઊનને સાફ કરવા માટે મુલતાની માટીવાળા પાણીમાં બોળી રાખવામાં આવતું, જેથી તેમાં રહેલો કચરો અને તૈલી દ્રવ્ય શોષાઈ જતાં. વનસ્પતિ-તેલોમાંથી પૂરતી માત્રામાં રંગશોષણ કરવાની પણ તેની ક્ષમતા હોવાથી તેનું આર્થિક મહત્વ ઘણું વધારે છે.

મુલતાની માટી મૃણ્મય ખડકપ્રકારો પૈકીનો એક પ્રકાર છે. બ્રિટનમાં મધ્ય જુરાસિકના ઊર્ધ્વ વિભાગના એક પટનું ‘Fuller’s earth’ એવું સ્તરવિદ્યાત્મક સ્થાનિક નામ છે, કારણ કે તે ઠીક ઠીક પ્રમાણવાળા મુલતાની માટીના સ્તર ધરાવે છે.

બંધારણ : મુલતાની માટી કંઈ સંપૂર્ણપણે મૃદ-દ્રવ્યથી બનેલી હોતી નથી. રંગનાશક હેતુ માટે વાપરવામાં આવેલાં અમુક દ્રવ્યો મૂળભૂત રીતે તો કાંપકાદવ હતાં, જેમાં આ પ્રકારની મૃદનું પ્રમાણ ઓછું હતું. રંગશોષણની તેમની ક્ષમતા ઓછી હોવાથી હવે તે વપરાતાં નથી. મુલતાની માટીમાં રહેલાં મૃદ-ખનિજો મૉન્ટમોરિલોનાઇટ, આતાપલ્ગાઇટ અને કેઓલિનાઇટ હોઈ શકે, એટલે ઍલ્યુમિનિયમની ત્રુટિવાળી મૉન્ટમોરિલોનાઇટ મૃદને મુલતાની માટી કહી શકાય. મૉન્ટમોરિલોનાઇટ મૃદસમૂહમાં મોન્ટમોરિલોનાઇટ, નૉન્ટ્રોનાઇટ અને બીડેલાઇટનો સમાવેશ થાય છે અને ક્યારેક આ સમૂહ મુલતાની માટી (સ્મેક્ટાઇટ સમૂહ) તરીકે પણ ઓળખાય છે. સૂકી સ્થિતિમાં તે જીભ પર સખત રીતે ચોંટી રહે છે. તેનું રાસાયણિક બંધારણ ખનિજીય બંધારણ પર આધારિત હોઈ પરિવર્તી રહે છે (જુઓ, મૉન્ટમોરિલોનાઇટ).

ઉપયોગ : મુલતાની માટી એક પ્રકારની સફેદ-રાખોડી કે પીળાશ પડતા રંગની માટી છે. ઘણા પદાર્થો માટે તે ઊંચી શોષણક્ષમતા ધરાવે છે, આથી તે ધોવાના તથા સાફ કરવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. રંગનાશ કરવાની તેની આ ક્ષમતા શા માટે છે તે હજી સંપૂર્ણપણે સમજાયું નથી; પરંતુ તેલોમાંના રંગ અને અન્ય અશુદ્ધિઓનું તે અધિશોષણ કરે છે. રંગદ્રવ્યો અને અશુદ્ધિઓને તે પકડી લે છે, તેથી કહી શકાય કે તે રાસાયણિક અધિશોષણની ક્ષમતા ધરાવે છે. મુલતાની માટી પેટ્રોલિયમ પેદાશો, કપાસ-તેલ, ટૅલો, સૉયાબીન તેલ તેમજ અન્ય સમકક્ષ પદાર્થોમાંથી રંગશોષણ કરવા માટે વપરાય છે. વળી તે શારકામપંક, જંતુઘ્નવાહકો તેમજ પૂરક (filler) તરીકે પણ ઉપયોગી બની રહે છે.

પ્રાપ્તિ : મુલતાની માટી દુનિયાભરમાં ઠેકઠેકાણે મળે છે. તેના વિપુલ નિક્ષેપો યુ.એસ., ઇંગ્લૅન્ડ અને જાપાનમાં છે. યુ.એસ.માં તે જ્યૉર્જિયા, ફ્લૉરિડા, ઇલિનૉઇ, ટેક્સાસ, નેવાડા અને કૅલિફૉર્નિયામાંથી મળે છે. ભારતમાં તે મધ્યપ્રદેશમાં કટનીના નિમ્ન વિંધ્ય ખડકોમાંથી, કર્ણાટકમાંથી, રાજસ્થાનના જેસલમેર-બિકાનેરના ઇયોસીન ખડકોમાંથી અને જમ્મુના રાજૌરીમાંથી મળે છે. આ ઉપરાંત સિંધમાં તે ખૈરપુરમાંથી પણ મળી રહે છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં લાખણકા પાસે અને જામનગર જિલ્લામાં નાનડેમ, રાણ, મેવાસા, હબાર્ડી તેમજ વીરપુર તથા કચ્છના લખપત, અંજાર અને ભુજ તાલુકાઓમાં તેના વિપુલ જથ્થા છે.

ગિરીશભાઈ પંડ્યા