મુરે-ડાર્લિંગ (નદીઓ) : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય નદીરચના (river system). મુરે : તે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્યોમાં થઈને વહે છે, અને ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યો વચ્ચેની સરહદ રચે છે. તેનો જળસ્રાવ-વિસ્તાર 10,56,720 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના કુલ વિસ્તારના આશરે સાતમા ભાગ જેટલો થાય છે અને ખંડના અગ્નિકોણ વિભાગને આવરી લે છે. મુરે નદી ઑસ્ટ્રેલિયન આલ્પ્સના માઉન્ટ કૉસ્કિઅસ્કો નજીકથી નીકળે છે અને દક્ષિણ ઑસ્ટ્રેલિયાના એન્કાઉન્ટર ઉપસાગરમાં ઠલવાય છે. તેની લંબાઈ 2,589 કિમી. છે. તેને મળતી મુખ્ય નદીઓમાં ડાર્લિંગ, મરુમ્બિગી અને ગોલબર્નનો સમાવેશ થાય છે. મુરે-ડાર્લિંગને સંયુક્તપણે લેતાં તે દુનિયાની ચોથા ક્રમે આવતી નદીરચના ગણાય છે.
મુરે નદીની આટલી લંબાઈ હોવા છતાં તેમજ તેનો જળસ્રાવ-વિસ્તાર વિશાળ હોવા છતાં શાખાનદીઓ સહિતનો સરેરાશ જળપ્રવાહ વાર્ષિક માત્ર 1,48,00,000 મેગાલિટર જેટલો જ થાય છે. આ જળરાશિને, તેના સમગ્ર સ્રાવવિસ્તારને સમતળ કલ્પીને જો પાથરી દેવામાં આવે તો તેનો માત્ર 14 મિમી.નો જ થર બને; તેથી કહી શકાય કે દુનિયાની મોટી નદીરચનાઓ પૈકીની કોઈ પણ નદીની વહનક્ષમતા આટલી ઓછી નથી. વેન્ટવર્થ આગળ ડાર્લિંગ સાથે તેનો સંગમ થતાં સુધી વહીને પહોંચવામાં તેને બે મહિનાથી વધુ સમય લાગે છે.
મુરે નદીમાં વહેતો જળજથ્થો આ વિસ્તારમાં પડતા શિયાળુ વરસાદ અને વસંતઋતુમાં ઑસ્ટ્રેલિયન આલ્પ્સમાંથી પીગળતા બરફમાંથી મળી રહે છે. નૈર્ઋત્ય ક્વીન્સલૅન્ડમાં પડતા ઉનાળાના મોસમી વરસાદથી ડાર્લિંગને મળતો જળજથ્થો પણ તેમાં ઉમેરાય છે; તેમ છતાં આ વિસ્તારમાં પડતા ઓછા વરસાદ તેમજ સ્રાવવિસ્તારમાં રહેતા ઊંચા બાષ્પીભવન દરને કારણે આ નદીમાં જળનું પ્રમાણ ઓછું રહે છે. જોકે તેમાં ક્યારેક પૂર પણ આવે છે તો ક્યારેક દુકાળ પણ પડે છે.
મુરે નદીનાં જળ પીવાના તેમજ ખેતીના કામમાં તથા તેનો જળમાર્ગ અવરજવર તેમજ પ્રવાસીઓના મનોરંજન માટે ઉપયોગમાં લેવાય છે. તેનું ઉદગમસ્થાન હિમાચ્છાદિત પર્વતોમાં રહેલું છે. ત્યાંથી તે જંગલવિસ્તારનાં કોતરોમાં થઈને પસાર થાય છે. ઊંચા પહાડી ભાગોમાંથી 322 કિમી.ના અંતરને કાપીને હ્યુમ બંધ સુધી આવતાં તે 1,500 મીટર નીચે ઊતરે છે. હ્યુમ બંધથી તે આલ્બરી સુધી જાય છે. નદીનો મધ્ય વિભાગ ગરમ, સૂકો અને સમતળ–સપાટ છે. ત્યાં તે ઘણા વળાંકો લે છે અને સરોવરો પણ બનાવે છે. નદીકાંઠે ઈચુકા, વેન્ટવર્થ અને સ્વાન-હિલ્સ જેવાં નગરો આવેલાં છે. ઈચુકા નજીક નદીકાંઠે લાલ ગુંદરનાં વૃક્ષો જોવા મળે છે. વિક્ટોરિયન સીમાના રેનમાર્કથી પશ્ચિમ તરફના ઉપરવાસમાં તે કોતરોમાં થઈને વહે છે. મૉર્ગન ખાતે તેનો વળાંક ઊંચકાયેલા સ્તરભંગ-ખંડને કારણે એકાએક દક્ષિણતરફી બની જાય છે. આ પ્રદેશ 3 કરોડ વર્ષ અગાઉ દરિયા હેઠળ હતો, ત્યારે રચાયેલા ચૂનાખડકોમાં દટાયેલાં પ્રાણીઓના અસ્થિટુકડા અને છીપલાં અત્યારે ઘસારાથી ખેંચાઈને આવે છે. વધુ હેઠવાસમાં આવતાં તે કોતરોમાંથી જેવી બહાર નીકળે છે તેવી જ તેના મુખભાગ પાસે ઍલેક્ઝાન્ડ્રિયા સરોવર રૂપે પથરાઈ જાય છે. તે પછીથી રેતીના ઢૂવાના ભાગમાં થઈને તે દરિયાને મળે છે. કિનારા નજીક રેતીની આડશો અને અન્ય પાંચ કૃત્રિમ અવરોધોને કારણે દરિયાનાં ખારાં પાણી તેમાં પ્રવેશતાં અટકે છે.
સિંચાઈ : મુરે નદી પર 1887માં સિંચાઈ યોજનાઓની શરૂઆત થયેલી. સાઉથ ઑસ્ટ્રેલિયા અને વિક્ટોરિયાની સરકારોએ જ્યૉર્જ શાફે અને વિલિયમ શાફે નામના બે કૅનેડિયન ભાઈઓ સાથે આ માટે કરારો કર્યા હતા. આ કરાર મુજબ સાઉથ ઑસ્ટ્રેલિયાના રેનમાર્ક અને વિક્ટોરિયાના મિલ્દુરા ખાતે 1887માં સિંચાઈ માટેની વસાહતો સ્થાપવામાં આવી. બે વિશ્વયુદ્ધો બાદ આવી બીજી વસાહતો પણ ઊભી થઈ. આજે ઑસ્ટ્રેલિયાનો સિંચાઈ હેઠળ આવરી લેવાયેલો આશરે 80 % વિસ્તાર મુરે થાળામાં આવેલો છે. મુરે થાળામાં ચાર મુખ્ય સિંચાઈ-વિભાગો કાર્યરત છે : (i) ઉત્તર વિક્ટૉરિયામાંનો ગોલબર્ન-મુરે સિંચાઈ વિભાગ. અહીં ફળો અને શાકભાજી ઉગાડાય છે. (ii) ન્યૂ સાઉથ વેલ્સનો મરુમ્બિગી સિંચાઈ વિભાગ. અહીં ડાંગર, ધાન્યપાકો, ફળો, શાકભાજી, ઘેટાંઉછેર (ઊન) અને કપાસ થાય છે. (iii) વિક્ટોરિયા-ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઑસ્ટ્રેલિયાનો સિંચાઈ વિભાગ. અહીં નદીમાંથી પમ્પ દ્વારા પાણી ખેંચીને ખેડૂતો દ્રાક્ષનું તથા અન્ય ખાટાં ફળોનું વાવેતર કરે છે. (iv) દક્ષિણ ક્વીન્સલૅન્ડમાં બેલોન નદી પરનો ઉત્તર તરફનો સિંચાઈ વિભાગ. અહીં ઘેટાં-ઉછેર કરીને ઊનનું ઉત્પાદન લેવાય છે. ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર ભાગમાં નામોઈ નદી-વિસ્તાર ખાતે કપાસનું વાવેતર થાય છે.
જળસંગ્રહ અને નદીજળસપાટી : મુરે નદીના જળપ્રવાહને વિક્ટોરિયા સરોવર, હ્યુમ બંધ અને ડાર્ટમથ બંધ જેવા જળસંગ્રહો દ્વારા નિયંત્રિત કરવામાં આવેલો છે. વિક્ટોરિયામાં ત્રણ અને સાઉથ ઑસ્ટ્રેલિયામાં ત્રણ બંધિકાઓ – પાળા–weirs–બાંધીને જળસપાટીનું પણ નિયંત્રણ કરેલું છે.
જળવપરાશ–મનોરંજન : સાઉથ ઑસ્ટ્રેલિયામાં મુરે નદીના જળને પ્રવાહિત કરીને ઍડેલેડ, હાયલ્લા, પૉર્ટ ઑગસ્ટા, પૉર્ટ પીરી અને વૂમેરાને જળપુરવઠો પૂરો પડાય છે. નદીમાં નૌકાવિહાર દ્વારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડાય છે. નદી પર મોટી સંખ્યામાં હાઉસબોટ અને શિકારા પણ કાર્યરત રહે છે.
પ્રદૂષણ : મુરે નદીના જળમાં ક્ષાર, આવિલતા (turbility) અને કૃત્રિમ ખાતરોનું પ્રમાણ વધતું જવાથી પ્રદૂષણ વધતું જાય છે. બૅક્ટેરિયા, જંતુઘ્ન દવાઓ, ભારે તત્ત્વોની ભેળવણી, જળતૃણ (weeds) અને માછલીઓ વગેરેથી પણ પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થતી જાય છે.
ઇતિહાસ : મુરે નદીના થાળા-વિસ્તારમાં આશરે 40,000 વર્ષથી આદિવાસી લોકો રહેતા આવ્યા છે. અહીં બહારથી આવનારાઓમાં હૅમિલ્ટન હ્યુમ અને વિલિયમ હૉવેલ નામના અભિયંતાઓ સર્વપ્રથમ શ્વેત લોકો હતા. 1824ના નવેમ્બરની 16મી તારીખે તેઓ જ્યાં આજે હ્યુમ બંધ આવેલો છે તે સ્થળે નદીના ઉપરવાસમાં આવેલા. તેમણે આ નદીને ત્યારે હ્યુમ નદી નામ આપેલું; પરંતુ મુરે-ડાર્લિંગ નદીરચના સાથે તો કૅપ્ટન ચાર્લ્સ સ્ટર્ટ વધુ સંકળાયેલા રહેલા. 1828ના નવેમ્બરમાં તે હ્યુમને સાથે રાખીને મેક્વેરી નદીના પ્રવાહમાર્ગ પર તેના મુખ સુધી નદીમાર્ગ ખૂંદવા નીકળી પડેલા. સ્ટર્ટે ઉત્તર ન્યૂ સાઉથ વેલ્સમાં એક મોટી નદી જોઈ, જેને તેમણે ‘ડાર્લિંગ’ નામ આપ્યું. બીજા અભિયાન વખતે ડાર્લિંગ અને મરુમ્બિગી નદીઓ ક્યાં સુધી વહે છે તે શોધવા નીકળી પડેલા. 1829માં તેઓ સિડનીથી નીકળેલા, મરુમ્બિગી, મુરે સાથેના તેના સંગમ અને મુરેના મુખ સુધી પહોંચેલા અને ત્યાંથી પાછા વળીને, તેના મૂળ સુધીનો 2,740 કિમી.નો પ્રવાસ કરેલો. સ્ટર્ટે આ નદીને તત્કાલીન વસાહતી સેક્રેટરી, સર જ્યૉર્જ મુરેના માનમાં ‘મુરે’ નામ આપ્યું. 1830ના જાન્યુઆરીની 23મી તારીખે મુરે–ડાર્લિંગના સંગમ-સ્થળે આ નામકરણ કરવામાં આવેલું. અગાઉ હ્યુમ અને હૉવેલે આ નદીને નામ આપી દીધેલું હતું તેનાથી સ્ટર્ટ અજાણ હતો. આમ સ્ટર્ટ, હ્યુમ અને હૉવેલનાં અભિયાનોથી અગ્નિ ઑસ્ટ્રેલિયાનો આ વિસ્તાર વસવા માટે જાણીતો બની ગયો.
શરૂઆતમાં તો મુરેનો જળમાર્ગવ્યવહાર વેપારી ઉપયોગમાં લેવાતો થયો. પગની મદદથી ચલાવાતી સ્ટીમરો (લેડી ઑગસ્ટા) દ્વારા 1853માં સર્વપ્રથમ કૅપ્ટન ફ્રાન્સિસ, કૅડેલ તથા મૅરી ઍન વિલિયમ રેન્ડેલ ગુલ્વાથી સ્વાન હિલ સુધી ઉપરવાસ તરફ હંકારી ગયેલાં. પછી તો 1870 સુધીમાં સેંકડો પૅડલ-સ્ટીમરો ગુલ્વાથી આલ્બરી સુધી અવરજવર કરતી રહેલી. એ જ રીતે મરુમ્બિગી અને ડાર્લિંગમાં પણ વ્યવહાર શરૂ થયો. વેપારીઓ ઊન, લાકડાં અને ઘઉં વગેરે લઈ જતા; લોકોને લઈ જવાનું પણ શરૂ થયું. 1853થી 1890 સુધી પૅડલ-સ્ટીમરોનો આવો વ્યવહાર ચાલેલો; પરંતુ મુરેના જળપ્રવાહમાં થતી વધઘટને કારણે આ વ્યવહાર ભરોસાપાત્ર રહેતો નહિ. તે પછી રેલમાર્ગો, સડકમાર્ગો શરૂ થવાથી માલસામાન અને મુસાફરોની હેરફેર અને અવરજવર જળમાર્ગ દ્વારા ઘટતી ગઈ અને છેવટે તેનો અંત આવ્યો.
1902માં આંતરરાજ્ય પંચે મુરે નદીમાં દરિયાઈ જળના પ્રવેશને ઘટાડવા જળાશયો અને જળબાંધ (barrages) યોજનાઓ મૂકવાની ભલામણ કરી. વધુ સિંચાઈની યોજનાઓ પણ મુકાઈ. મુરે નદી સાથે સંલગ્ન ત્રણ રાજ્યો વચ્ચે કરાર થયા અને 1917ના જાન્યુઆરીમાં મુરે નદી પંચ સ્થપાયું. 1983માં આ પંચને જળગુણવત્તા (વિશેષે કરીને ક્ષારતા અંગે) જાળવવા વધારાની નવી સત્તાઓ પણ અપાઈ છે. મુરે નદી પર બંધાયેલા બંધોમાં હ્યુમ બંધ, ડાર્ટમથ બંધ મુખ્ય છે. તે ઉપરાંત બંધપાળા, નિયંત્રિત દ્વારવ્યવસ્થા અને બૅરેજનું પણ નિર્માણ થયું છે.
ડાર્લિંગ (નદી) : અગ્નિ ઑસ્ટ્રેલિયામાં આવેલી, મુરેની સહાયક નદી. તે ઑસ્ટ્રેલિયાની લાંબામાં લાંબી (2800 કિમી.) નદી છે. તેનું થાળું 6,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. તે પૂર્વ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યની ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ(પર્વત હારમાળા)માંથી નીકળે છે અને વેન્ટવર્થ નજીક તે મુરે નદીને મળે છે. બંને ભેગી થયા પછી હિન્દી મહાસાગરમાં ઠલવાય છે. આ નદીનો મોટાભાગનો પ્રવાહપથ શિયાળાની ઋતુ દરમિયાન સૂકો બની રહે છે; પરંતુ ઉનાળામાં તે મુરે નદી માટે મહત્વનો જળસ્રોત બની રહે છે. મુરે નદીને મળતાં અગાઉ તેનાં જળને 155 ચોકિમી. વિસ્તાર ધરાવતા મેનિન્દી જળાશયમાં તથા નજીકમાં બીજાં જળાશયો બનાવીને એકત્ર કરાયેલાં છે. ઓગણીસમી સદી દરમિયાન તે બજરાઓ (barges) અને નાની સ્ટીમરો(steamboats)ની હેરફેર માટે જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આજે તો તે માત્ર ઢોર અને ઘેટાંઉછેર માટેના પાણી-પુરવઠા તથા ખેતી માટેના ઉપયોગમાં આવે છે. ન્યૂ સાઉથ વેલ્સના 1825થી 1831 દરમિયાનના ગવર્નર રાલ્ફ ડાર્લિંગના માનમાં આ નામ અપાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા