મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ

February, 2002

મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ (જ. 13 ઑક્ટોબર 1882, પુણે; અ. 22 ઑગસ્ટ 1964, વડોદરા) : ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિના મોખરાના આદ્ય સંચાલક. મૂળ નાસિક જિલ્લાના પિંપળગાંવ તરફના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ચિંતામણ નારાયણ ઉર્ફે ભાઉસાહેબ વડોદરામાં પ્રતિષ્ઠિત ગર્ભશ્રીમંત આસામદાર હતા. તેમના વડીલોએ વડોદરા રાજ્યમાં મુજુમદારી મેળવેલી. તેથી મૂળની ‘કરંદીકર’ અટક ‘મુજુમદાર’માં ફેરવાઈ.

પિતા ઉત્કટ વ્યાયામપ્રેમી હતા. પુત્ર દત્તાત્રેયને પણ એ માર્ગે તેમણે દોર્યા. તેમણે ઘરઆંગણે વ્યાયામશાળા ઊભી કરી. તરવામાં અને ક્રિકેટ પર પણ દત્તાત્રેયનો કિશોરવયથી જ ઘણો સારો કાબૂ હતો. વડોદરા કૉલેજમાં બી. એ. કરી મુંબઈમાં એલએલ.બી. કર્યું. પછી દત્તાત્રેય ઉર્ફે આબાસાહેબ 1908માં વડોદરા રાજ્યમાં મુનસફ તરીકે જોડાયા. ઉત્તરોત્તર પ્રગતિ કરીને ન્યાય, મુલકી અને હિસાબી ખાતાંઓમાં કામગીરી બજાવી. 1931માં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલના પદેથી સ્વેચ્છાપૂર્વક સેવાનિવૃત્ત થયા. સેવા દરમિયાન જુદા જુદા તાલુકાઓમાં ફર્યા હતા અને ત્યાં તેમણે વ્યાયામનો પ્રચાર કર્યો હતો. તેમણે અનેક વ્યાયામશાળાઓ સ્થાપેલી. મીરજના પ્રસિદ્ધ મલ્લવિદ્યાવિશારદ સંસ્થાના અધિપતિ કૈ. સર ગંગાધરરાવ પટવર્ધન રાજેનાં પુત્રી લક્ષ્મીબાઈ ઉર્ફે આક્કાસાહેબ સાથે તેમણે લગ્ન કરેલું. તેમણે આબાસાહેબની સઘળી વ્યાયામપ્રવૃત્તિઓમાં સંપૂર્ણ સહકાર આપ્યો. ‘મહિલા વ્યાયામ’ નામે સચિત્ર પુસ્તક પણ પ્રગટ કર્યું. કશી મોટપ રાખ્યા વિના મુજુમદારના વાડામાં જ રહીને સૌની સેવા કરવામાં તેઓ લાગી રહ્યા.

1913માં યુરોપના લોકોની સ્થિતિ નિહાળવા રાજ્ય તરફથી 6 માસ માટે તેઓ વિદેશ ગયા અને પુસ્તક પણ લખ્યું. 1915માં વ્યાયામના પ્રચારાર્થે મરાઠી અને ગુજરાતી ભાષામાં ‘વ્યાયામ’ માસિક શરૂ કર્યું. તેનું હિંદી અને અંગ્રેજી પ્રકાશન 1927થી આરંભ્યું. અંગ્રેજી પ્રકાશન 3 વર્ષ અને હિંદી 20 વર્ષ અને મરાઠી ‘વ્યાયામ’નું પ્રકાશન 43 વર્ષ સુધી ચાલ્યું. ગુજરાતી ‘વ્યાયામ’ ટકી રહ્યું. અનેક મુશ્કેલીઓ વેઠીને તેમણે વ્યાયામપ્રવૃત્તિને વેગ આપ્યો. તેમણે ખાનપાન અને આહારવિહાર વિશે પણ નાનાંમોટાં અનેક પુસ્તકો અને ચિત્રસંપુટો પ્રકટ કર્યાં. તેના પ્રકાશન માટે તેમણે શ્રીરામવિજય છાપખાનાની તથા શ્રીરામ પ્રોસેસ વર્કસની સ્થાપના કરી. ભારતમાં વ્યાયામ વિશે આટલું વિસ્તૃત કાર્ય અન્ય કોઈએ કર્યું નથી. તરતાં શીખવા તેમણે બંધાવેલ ‘ચિંતામણ હોજ’ ગુજરાતમાં એ પ્રકારનો પ્રથમ તરણહોજ હતો. તેમણે સૂરસાગર બોટિંગ ક્લબની વડોદરામાં સ્થાપના કરેલી. 1927માં ભયંકર પૂર આવતાં તેમણે તૈયાર કરેલ તરવૈયાઓ દ્વારા સેંકડો લોકોને બચાવ્યા હતા.

1935માં તેમણે ‘વ્યાયામ જ્ઞાનકોશ’ પ્રસિદ્ધ કરવાની એક પ્રચંડ યોજના હાથ ધરી અને 400–500 પૃષ્ઠ 800–900 ચિત્રો ધરાવતો એક ખંડ, એવા તેના 8 ખંડો મરાઠીમાં પ્રસિદ્ધ કર્યા. તેના 2 ખંડ ગુજરાતીમાં અને 1 હિંદીમાં પણ છે.

તેમની વ્યાયામવિષયક સેવાઓ ધ્યાનમાં લઈને અખિલ મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ પરિષદે 1925માં પુણેમાં અને 1936માં ઉજ્જૈનમાં તેમને અધ્યક્ષપદે બેસાડેલા. 60 વર્ષની વયે મહારાષ્ટ્રે તેમનો હીરક મહોત્સવ ઊજવેલો.

તેઓ વડોદરા કૉલેજમાં શ્રી અરવિંદ ઘોષના શિષ્ય હતા. 1907થી તેઓ શ્રી અરવિંદ ઘોષની સાથોસાથ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા. શ્રી લેલે ગુરુ પાસે તેઓ યોગસાધના શીખ્યા. સ્વદેશીની ચળવળથી પણ તેઓ આકર્ષાયા હતા. તેમણે અનેક યાત્રાઓ કરી અને દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વર, હિમાલયનાં ચાર ધામ અને પશુપતિનાથ વિશે યાત્રાગ્રંથો પણ આપ્યા.

બળદેવભાઈ કનીજિયા