મુગેરાઇટ : જ્વાળામુખીજન્ય અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. આ ખડકનો સંબંધ મુખ્યત્વે બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ સાથે રહેલો હોય છે. મોટાભાગના બેસાલ્ટમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે, તેથી બેસાલ્ટ અમુક પ્રમાણમાં અસંતૃપ્ત ખડક ગણાય. તેમાં જો સોડા અને પૉટાશની વિપુલતા થઈ જાય તો નેફેલિન, ઍનલ્સાઇટ કે પૉટાશ ફેલ્સ્પાર જેવાં ખનિજોનું થોડું પ્રમાણ જોવા મળી શકે. આ પ્રકારના સમૂહને આલ્કલી બેસાલ્ટ કે ટ્રેકી બેસાલ્ટ કહેવાય છે. મુગેરાઇટ આ પ્રકારના સમૂહનો એક વિશિષ્ટ પ્રકાર છે. તે ઑલિગોક્લેઝ અને ઑર્થોક્લેઝથી બનેલો હોય છે. મૅફિક ખનિજો પૈકી તેમાં ઑલિવિન, ઑગાઇટ અને લોહ-ઑક્સાઇડ રહેલાં હોય છે. આ પ્રકારના ખડકમાં જો ફેલ્સ્પારનું પ્રમાણ વધી જાય તો તે ટ્રેકી ઍન્ડેસાઇટ કહેવાય છે. કાર્બોનિફેરસ કાળના સ્કૉટલૅન્ડના ઉચ્ચપ્રદેશીય લાવામાં તેમજ નજીકના પશ્ચિમી ટાપુઓમાં તે મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાવાગઢની ટેકરીઓમાં પણ આ ખડક-પ્રકાર મળી આવે છે. સ્કૉટલૅન્ડના પશ્ચિમ કિનારા નજીકના સ્કાઇ ટાપુના મુગેરીમાંથી તે મળેલો હોવાથી હાર્કરે તેને મુગેરાઇટ નામ આપેલું છે.

ગિરીશભાઈ પંડ્યા