મુખ્ય મંત્રી : ભારતમાં ઘટક રાજ્યની સરકારના ચૂંટાયેલા રાજકીય વડા.
સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણે ભારતને ‘રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાવેલ છે. 1956ના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્યવિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે : (અ) રાજ્ય અને (બ) સંઘ રાજ્યક્ષેત્ર. હાલમાં ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ, આમ 33 ઘટકોનો સમાવેશ થાય છે.
ભારતમાં એકમ કક્ષાએ વહીવટી તંત્રની સ્થાપના એ અંગ્રેજ શાસનની દેન છે. ઈ. સ. 1773માં સૌપ્રથમ વાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદ્રાસ (ચેન્નાઈ), કૉલકાતા અને મુંબઈના ત્રણ પ્રાંતોની સ્થાપના કરેલી. 1919 અને 1935ના ધારા દ્વારા રાજ્યોના વહીવટી તંત્રને વધુ ચોક્કસ સ્વરૂપ અપાયું હતું. સ્વતંત્ર ભારતના બંધારણના છઠ્ઠા ભાગમાં કલમ 153થી 237 સુધી અને સાતમી અનુસૂચિમાં રાજ્ય વહીવટી તંત્ર માટે વિસ્તૃત જોગવાઈ કરાયેલ છે. બંધારણે રાજ્ય યાદીના 66 અને સંયુક્ત યાદીના 47 વિષયો વડે રાજ્યને ધારા ઘડવાની સત્તા આપી છે.
ભારતમાં રાજ્યકક્ષાના વહીવટી તંત્રમાં મુખ્ય મંત્રીનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ભારતમાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’, મહાભારત, મનુસ્મૃતિ અને શુક્રાચાર્યના ‘નીતિસાર’ જેવા આધારભૂત ગ્રંથોમાં મંત્રીઓનાં સ્થાન, સંખ્યા, લાયકાત અને ફરજો અંગે વિસ્તૃત વર્ણનો જોવા મળે છે; પરંતુ ભારતમાં મુખ્ય મંત્રીનું સ્થાન અને સત્તાઓ એ આધુનિક ભારતીય રાજકારણ અને રાજ્યવહીવટના અભ્યાસનો વિષય છે. ભારતના બંધારણની કલમ 163 પ્રમાણે મુખ્ય મંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે. તે વિધાનસભામાં બહુમતી પક્ષ કે બહુમતી જોડાણના નેતા હોવાથી ગૃહના પણ નેતા હોય છે. તેઓ રાજ્ય સરકારના વડા હોઈ સંઘમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
નિમણૂક : રાજ્યપાલ મુખ્ય મંત્રી તરીકે વિધાનસભામાંના બહુમતી પક્ષના નેતાની નિમણૂક કરે છે. તેમની સલાહ પ્રમાણે રાજ્યપાલ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. તેઓ વિધાનસભામાં બહુમતી ધરાવે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે. પ્રધાનો વ્યક્તિગત અને સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર હોય છે. મુખ્ય મંત્રી સહિત કોઈ પણ પ્રધાન જો ચૂંટાયેલ ન હોય તો તેમણે છ માસમાં ચૂંટાઈને કોઈ પણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી હોય છે. તેમ ન થાય તો તેમણે રાજીનામું આપવું પડે છે. તેમનાં પગાર અને ભથ્થાં ધારાસભા નક્કી કરે તે પ્રમાણેનાં હોય છે.
સત્તા અને કાર્યો : ભારતના બંધારણ પ્રમાણે મુખ્ય મંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે. તેમનાં સત્તાઓ અને કાર્યોને ત્રણ વિભાગમાં જોઈ શકાય :
(ક) કારોબારી સત્તાઓ : મુખ્ય મંત્રી રાજ્ય-કારોબારીના વડા હોય છે. તેમની સલાહથી રાજ્યપાલ પ્રધાનોની નિમણૂક કરે છે. મુખ્ય મંત્રી પ્રધાનોને વિવિધ ખાતાંઓની ફાળવણી કરે છે. જરૂર જણાય તો તેઓ કોઈ પ્રધાનનું ખાતું બદલી પણ શકે છે અથવા કોઈ પ્રધાનને રાજીનામું આપવાનુંયે કહી શકે છે. તેઓ પ્રધાનમંડળની બેઠકનું નેતૃત્વ સંભાળે છે, ચર્ચાને દિશા આપે છે અને નિર્ણયો લે છે. તેઓ પ્રધાનમંડળની કામગીરી ઉપર નિરીક્ષણ અને નિયંત્રણ રાખે છે. તેમના રાજીનામા સાથે પ્રધાનમંડળનું વિસર્જન થાય છે.
(ખ) ધારાસભાકીય સત્તાઓ : મુખ્ય મંત્રી વિધાનસભાગૃહના નેતા ગણાય છે. તેઓ ગૃહની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની રાજ્યપાલને સલાહ આપે છે. તેઓ ધારાસભામાં સરકારની નીતિની જાહેરાત અને તેનો બચાવ કરે છે. પરિસ્થિતિ ઊભી થાય તો તેઓ વિધાનસભાના વિસર્જન માટેની સલાહ રાજ્યપાલને આપી શકે છે.
(ગ) રાજ્યના રાજકીય વડા તરીકે : રાજ્યપાલના નામે મુકાયેલી બંધારણીય સત્તાઓનો વાસ્તવિક ઉપયોગ મુખ્ય મંત્રી કરે છે. તેઓ પ્રધાનમંડળની કામગીરીથી રાજ્યપાલને માહિતગાર રાખે છે. પ્રધાનમંડળની બેઠક ચાલુ હોય ત્યારે રાજ્યપાલનો સંદેશો પ્રાપ્ત થાય તો તેના ઉપર તેઓ વિચારણા કરે છે. રાજ્યમાં ઍડ્વોકેટ-જનરલ, રાજ્ય ચૂંટણી-કમિશનર, રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યો, પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સરકારો માટેના ચૂંટણીપંચ અને નાણાપંચની રચના માટે તેઓ રાજ્યપાલને સલાહ આપે છે.
આમ મુખ્ય મંત્રી રાજ્યસ્તરે વહીવટી તંત્રના સુકાની હોય છે. તેમની કુનેહ, દીર્ઘષ્ટિ અને રાજ્યપાલ સાથેના તેમના સહકારભર્યા વલણ ઉપર રાજ્યના વિકાસનો મોટો આધાર રહે છે. ભારતમાં કૉંગ્રેસની એકપક્ષ-પ્રભાવપ્રથા હતી ત્યાં સુધી ઘણી વાર મુખ્ય મંત્રીઓ કેન્દ્રની ઇચ્છાને અનુસરવાનું વલણ ધરાવતા હતા; પરંતુ 1989 પછી ભારતના સમવાયતંત્રમાં મોટું પરિવર્તન જોવા મળે છે. કેન્દ્રમાં મિશ્ર સરકારોનો યુગ શરૂ થતાં પ્રાદેશિક પક્ષોની રાજ્ય સરકારોના કેટલાક મુખ્ય મંત્રીઓ કેન્દ્ર સાથેના સંબંધોની બાબતમાં રાજ્યના વિકાસ અંગે આર્થિક અને નીતિલક્ષી લાભ ઉઠાવતા જણાય છે. મિશ્ર સરકારોના સમયમાં મુખ્ય મંત્રીનું સ્થાન વધુ અસરકારક બન્યાનું જણાય છે.
ગજેન્દ્ર શુક્લ