મુખામુખમ્

February, 2002

મુખામુખમ્ (1984) : માનવમનની વિચિત્રતાઓમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરતું પ્રશિષ્ટ કલાત્મક ચલચિત્ર. આ ચલચિત્ર દ્વારા કેરળના સામ્યવાદી પક્ષ પર કરાયેલા આક્ષેપને કારણે તે પ્રદર્શિત થયું ત્યારે ખાસ્સા વિવાદમાં સપડાયું હતું. ચિત્ર રંગીન, ભાષા : મલયાળમ, નિર્માણસંસ્થા : જનરલ પિક્ચર્સ, નિર્માતા : કે. રવીન્દ્રનાથન્ નાયર, કથા-દિગ્દર્શન : અડૂર ગોપાલકૃષ્ણન્, છબિકલા : રવિ વર્મા, સંગીત : એમ. બી. શ્રીનિવાસન્, મુખ્ય કલાકારો : પી. ગંગા, બાલન કે. નાયર, કે. પોનમ્મા, કૃષ્ણકુમાર, કે. જનાર્દન નાયર, વિશ્વનાથન્, અશોકન્, લલિતા, કૃષ્ણકુટ્ટી નાયર, જોન સેમ્યુઅલ, થામ્બી.

કેરળના સામ્યવાદી પક્ષનો એક કાર્યકર શ્રીધરન્ વર્ષો પછી પોતાના ગામમાં પાછો ફરે છે. તે ગામમાં ન તો કોઈની સાથે બોલે-ચાલે છે કે ન તો કોઈની સાથે હળે-મળે છે. ગામલોકોને તે સંપૂર્ણપણે બદલાઈ ગયેલો વિચિત્ર માણસ લાગે છે. ચિત્રમાં કથાના બે તબક્કા છે : પ્રથમ તબક્કો 1957માં કેરળમાં સામ્યવાદી પક્ષને ચૂંટણીમાં મળેલી સફળતા પૂર્વેનો છે, અને બીજો તબક્કો 1960ના દસકામાં સામ્યવાદી પક્ષના ભાગલા પડ્યા તે પછીનો છે. પક્ષના ભાગલા પડ્યા તે પહેલાંથી યુવાન શ્રીધરન્ તેનો સક્રિય કાર્યકર હોય છે. તે જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં યુનિયનનો નેતા હોય છે. કામદારોને તેમના હકો અપાવવામાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની આગેવાની હેઠળ કારખાનામાં પાડવામાં આવેલી હડતાળમાં કામદારોનો વિજય થાય છે. એક દિવસ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. તેને ભૂગર્ભમાં જતા રહેવું પડે છે. દસેક વર્ષ પછી તે ગામમાં પાછો ફરે છે ત્યારે પક્ષના ભાગલા અને વધુ ભાગલાથી તેનો મોહભંગ થઈ ચૂક્યો હોય છે. રાજકારણમાં ટકી રહેવા માટે પક્ષ દ્વારા અપનાવાતી પ્રયુક્તિઓથી તે દુ:ખી છે. તે પરત આવે છે એટલે ગામલોકો તેને ઘેરી વળે છે, કારણ કે તે એક સમયનો તેમનો નેતા હોય છે. આ બાજુ વિભાજિત સામ્યવાદી પક્ષનાં જૂથો તેને પોતપોતાની તરફ ખેંચવા પ્રયાસ કરે છે, પણ શ્રીધરન્ પોતાના ઘરના આંગણામાં પથ્થરની મૂર્તિ શો બેઠો રહે છે. તે ગાંડો થઈ ગયો હોવાનું લોકો ધીમે ધીમે માનવા માંડે છે. એક રાત્રે શ્રીધરન્ની કોઈ હત્યા કરે છે. તેની લાશ રસ્તા પર પડેલી મળી આવે છે. મોત પછી શ્રીધરન્ની ક્રાંતિકારી છબિ ફરી એક વાર પક્ષ માટે પ્રચારનું સાધન બની રહે છે. કેરળના રાજકારણમાં સામ્યવાદી પક્ષને મળેલી લોકરંજના અને વિવિધ સ્તરે તેની નિષ્ફળતાથી તેના સંનિષ્ઠ કાર્યકરોને થયેલી હતાશાનું આ ચિત્રમાં નિરૂપણ કરાયું છે.

આ ચલચિત્રને 1984માં નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. મલયાળમ ભાષામાં એક ઉત્તમ ચલચિત્ર તરીકેનો ઍવૉર્ડ પણ મળ્યો છે.

હરસુખ થાનકી