મુખરજી, હિરેન (જ. 23 નવેમ્બર 1907; અ. 30 જુલાઈ 2004, કૉલકાતા) : ભારતના અગ્રણી સામ્યવાદી નેતા તથા વિખ્યાત સાંસદ. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી. લિટ. અને ત્યારબાદ બાર-એટ-લૉ થયા. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન સામ્યવાદી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા, જેમાં ઇંગ્લૅન્ડની સામ્યવાદી પાર્ટીના પ્રમુખ નેતા રજની પામદત્તનાં માર્ગદર્શન અને પ્રેરણાએ ભાગ ભજવ્યો. ભારત પાછા આવ્યા પછી રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. સાથોસાથ કૉલકાતાની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. 1938–39 દરમિયાન અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(AICC)ના સભ્ય રહ્યા. 1947–49 દરમિયાન ભારતીય સામ્યવાદી પક્ષની બંગાળ પ્રાંતીય શાખાના સભ્ય રહ્યા. 1952માં બંગાળમાંથી સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે લોકસભા માટે ચૂંટાયા. 1952થી સતત પાંચ વાર લોકસભામાં ચૂંટાઈને તેમણે 25 વર્ષ સુધી સાંસદ તરીકે સાતત્યપૂર્ણ સેવાઓ આપી હતી. 1978નું સોવિયેત લેન્ડ નહેરુ પારિતોષિક તેમને એનાયત થયું હતું. 1952–64 દરમિયાન લોકસભામાં સામ્યવાદી પાર્ટીના સંસદીય પક્ષના ઉપનેતા અને 1964–67 દરમિયાન તેના નેતાપદે કાર્ય કર્યું. લોકસભાના સભ્ય તરીકે સભાગૃહમાં તેમની કારકિર્દી સર્વત્ર પ્રશંસાને પાત્ર ઠરી હતી. એક ઉત્તમ વક્તા અને સાંસદ તરીકે તેમની છાપ ઊપસી હતી. ભારતીય સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિ(central committee)ના તેઓ સભ્ય હતા. 1953–57 દરમિયાન કૉલકાતા યુનિવર્સિટીના સેનેટના સભ્યપદે રહ્યા તે દરમિયાન એક કેળવણીકાર તરીકે નામના મેળવી. 1952થી કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની સલાહકાર સમિતિમાં કામ કર્યું. આ ઉપરાંત, જવાહરલાલ સ્મારક ટ્રસ્ટ, શાસ્ત્રી સ્મારક ટ્રસ્ટ, રાષ્ટ્રીય કક્ષાની ગાંધી શતાબ્દી સમારોહ સમિતિ, ભાવાત્મક એકતા સમિતિ, લઘુવૃત્તપત્રો અંગેની રાષ્ટ્રીય સમિતિ, રાષ્ટ્રીય કક્ષાની ગ્રંથાલય સમિતિ વગેરેમાં પણ નોંધપાત્ર કામગીરી કરી. 1990માં તેમને પદ્મ ભૂષણ અને 1991માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. કૉલકાતા યુનિવર્સિટી નૉર્થ બેંગાલ યુનિવર્સિટી અને આંધ્ર યુનિવર્સિટી જેવી માતબર શિક્ષણ સંસ્થાઓએ તેમને માનદ ડી.લિટ.ની પદવી એનાયત કરેલી.
તેમણે અંગ્રેજી અને બંગાળીમાં પચાસ જેટલાં પુસ્તકો લખ્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે