મુખરજી, શૈલજ (જ. 2 નવેમ્બર 1907, કૉલકાતા; અ. 5 ઑક્ટોબર 1960, દિલ્હી) : બંગાળ શૈલીના ચિત્રકાર. બંગાળી કુટુંબમાં જન્મ અને કોલકાતા તથા બર્દવાનમાં ઉછેર તથા મૅટ્રિક સુધીનું શિક્ષણ. 1928માં તે ‘કલકત્તા સ્કૂલ ઑવ્ આર્ટ’માં દાખલ થયા અને 1934માં અહીંથી ડિપ્લોમા મેળવ્યા બાદ ઇમ્પીરિયલ ટોબૅકો કંપનીમાં થોડાં વર્ષ કલાનિર્દેશક તરીકે કામ કર્યું. 1937માં તેમનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન કૉલકાતામાં યોજાયું. 1937થી તેમણે વિશ્વપ્રવાસ ખેડવો શરૂ કર્યો અને ફ્રાંસ, હોલૅન્ડ, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ઇજિપ્ત, સિક્કિમ, તિબેટ ઇત્યાદિ દેશોની મુલાકાત લીધી. 1945થી તે દિલ્હીમાં સ્થિર થયા; દિલ્હીમાં 1950માં તેમનાં ચિત્રોનું સિંહાવલોકન(retrospective)રૂપ પ્રદર્શન યોજાયું. 1951થી દિલ્હીની ‘શારદા ઉકીલ સ્કૂલ ઑવ્ આર્ટ’માં અને ‘દિલ્હી પૉલિટૅકનિક’ના કલા વિભાગમાં અધ્યાપન શરૂ કરી આજીવન ચાલુ રાખ્યું.
દિલ્હીની ‘નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ’, ‘ઑલ ઇન્ડિયા ફાઇન આટર્ર્સ ઍન્ડ ક્રાફ્ટ સોસાયટી’, કૉલકાતાની ‘એકૅડેમી ઑવ્ ફાઇન આટર્ર્સ’ તથા અનેક ખાનગી સંગ્રહોમાં (2 દિલ્હીમાં અને 1 કૉલકાતામાં એમ) તેમની ચિત્રકૃતિઓ સ્થાન પામી છે. તેમનાં ચિત્રોનાં 3 મરણોત્તર પ્રદર્શન થયાં છે.
શૈલજનાં ચિત્રોમાં બંગાળ શૈલીનો પ્રભાવ અને નિજી સ્વાભાવિકતાનો સંગમ જોવા મળે છે. બંગાળ, બિહાર અને ઓરિસાનાં ગામડાં, ખેતરો તથા શ્યામ ત્વચા ધરાવતા ગ્રામજનો અને આદિવાસીઓ તેમનાં ચિત્રોનો મુખ્ય વિષય છે. તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તે નંદલાલ બોઝ પરંપરાની બંગાળ શૈલીને તથા અમૃતા શેરગિલની ગૉગાં પરંપરાની શૈલીને સ્વાતંત્ર્યોત્તર સમયમાં આધુનિક ભારતીય દિશા તરફ વાળી શક્યા. આમ તે બંગાળ શૈલીના ચિત્રકારો અને ‘બૉમ્બે પ્રોગ્રેસિવ આર્ટ ગ્રૂપ’ના આધુનિક કલાકારો વચ્ચે મહત્વની કડીરૂપ બન્યા હતા.
અમિતાભ મડિયા