મુખરજી, મૃણાલિની (જ. 1949, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી; પ્રસિદ્ધ ચિત્રકારો બિનોદબિહારી મુખરજી તથા લીલા મુખરજીનાં પુત્રી. 1965થી 1972 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી પ્રો. કે. જી. સુબ્રમણ્યનના માર્ગદર્શન હેઠળ ભીંતચિત્રનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન જ મૃણાલિનીએ સૂતર, કંતાન, શણ અને નેતર જેવા વાનસ્પતિક પદાર્થોમાંથી શિલ્પસર્જન શરૂ કર્યું, જે સમય વીતતાં તેમની આગવી ખાસિયત બની ગઈ. 1972માં તેમને બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપ મળી અને તેથી બ્રિટનની ફેર્ન્હમ ખાતેની વેસ્ટ સરે કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ડિઝાઇનમાં શિલ્પનો વધુ અભ્યાસ કર્યો.

મૃણાલિની મુખરજી

1994–95માં ઑક્સફર્ડના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં પોતાનાં પ્રદર્શનો યોજવા માટે મૃણાલિનીને આમંત્રણ મળ્યું. કંતાન, શણ અને કાથીનાં દોરડાંમાંથી શિલ્પ સર્જવા માટે તેઓ દુનિયાભરમાં અનન્ય (unique) અને જાણીતાં છે. પુરુષના લિંગના ઉત્થાન પામેલા વિશાળ આકાર તેમના શિલ્પમાં વારંવાર દેખાય છે. યોનિમુખ જેવી ગુફાઓની રચના પણ તેમના શિલ્પનું મહત્ત્વનું અંગ બની છે. હાલમાં દિલ્હીમાં રહે છે ને શિલ્પસર્જનમાં રમમાણ છે.

અમિતાભ મડિયા