મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ કામ કર્યું. 1953માં મ્યૂનિકમાં ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે મીરાં જર્મની ગયાં. પરંતુ એક સત્ર પછી તે ચિત્રકલા છોડી શિલ્પ-વિભાગમાં જોડાઈ ગયાં. અભ્યાસ પૂરો કરી 1956માં તેઓ ભારત પરત આવ્યાં. 1956થી 1960 સુધી વિવિધ શાળાઓમાં શિલ્પનાં શિક્ષિકા તરીકે કામ કર્યું. 1960 પછી ધાતુ ગાળીને શિલ્પ બનાવવાની ભારતની પરંપરાગત પ્રશિષ્ટ તેમજ લોકશૈલીઓમાં સંશોધન શરૂ કર્યું, જે આજદિન લગી ચાલુ છે.
બીબાં તૈયાર કરી મીણ ભરી ધાતુનાં શિલ્પ તૈયાર કરવાની પદ્ધતિથી મીરાં શિલ્પસર્જન કરતાં હતાં. બસ્તરના ઢોક્રા શિલ્પીઓની ઊંડી અસર મીરાંનાં શિલ્પો પર સ્પષ્ટ જોઈ શકાય છે. મીરાનાં શિલ્પોમાં સ્થગિતતા-ગતિશીલતા, શક્તિ-નિર્બળતા, જેવાં વિરોધી તત્ત્વોની સહોપસ્થિતિ (juxtaposition) જોઈ શકાય છે. શિલ્પમાં અંકિત પાત્રો(વ્યક્તિઓ)નાં રમતિયાળ અને ચંચળ લક્ષણો મીરાંની આગવી ખાસિયત છે. માછીમાર, વણકર, ભરતગૂંથણ કરતી નારીઓ, દોરડાં ખેંચતા મજૂરો, ચિક્કાર બસમાં મુસાફરી કરતા લોકો, બાઉલ નર્તકો અને નૃત્યમગ્ન શિવ મીરાંના પ્રિય વિષયો છે.
અમિતાભ મડિયા