મીરાન, તોપ્પિલ મોહમ્મદ
February, 2002
મીરાન, તોપ્પિલ મોહમ્મદ (જ. 26 સપ્ટેમ્બર 1944, નાગરકોઈલ, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર. તેમને ‘ચાયવુ નારકાલિ’ નવલકથા માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ વ્યવસાયી લેખકે ચાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તે માટે તેમને તમિળનાડુ રાજ્ય પુરસ્કાર, ઇલક્કિય ચિંતામણિ પુરસ્કાર વગેરે પુરસ્કારોનું સન્માન સાંપડ્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ચાયવુ નારકાલિ’ને અગાઉ આમુતન અડિગલ સાહિત્યિક પુરસ્કાર અને પેરુમયિ કુપ્પનન સાહિત્યિક પુરસ્કાર અપાયા હતા. તેમાં પ્રાદેશિક સંસ્કૃતિ અને પરિવેશના નિરૂપણમાં લેખકની ઊંડી સૂઝ વરતાય છે. તેમાં બોલચાલની લઢણોનો – રૂઢિપ્રયોગોનો સમર્થ રીતે ઉપયોગ થયો છે. આમ કલામય વિચારોત્તેજક કથાનિરૂપણના કારણે તેમની આ કૃતિ સમકાલીન તમિળ સાહિત્યમાં નોંધપાત્ર લેખાઈ છે અને એ રીતે તમિળ નવલકથા-પ્રવાહમાં તેઓ મહત્વનું સ્થાન પામ્યા છે.
તેમણે 5 જેટલાં અનુવાદનાં પુસ્તકો પણ આપ્યાં છે. તેઓ લાખિયા ચિંતામણિ, લીલી દેવાસીગામણી, ટી. એન. ગવર્નમેન્ટ ઍવૉર્ડ, અમુથાન અડિગલ લિટરરી ઍવૉર્ડ વગેરે ઍવૉર્ડથી સન્માનિત થયા છે.
બળદેવભાઈ કનીજિયા