મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે એના આધારે મીરાંના ચરિત્ર વિશે યત્કિંચિત્ અનુમાનો કરાતાં રહ્યાં છે.
મીરાંનો જન્મ રાજપૂતાનાના રાઠોડ વંશના વૈષ્ણવધર્મી રાજકુટુંબમાં થયો હતો. માતા-પિતાનું તે એકનું એક સંતાન. પિતાનું નામ રતનસિંહ અને કાકાનું નામ વીરમદેવ. માતાનું નામ ઉપલબ્ધ નથી. 1503માં મીરાં પાંચ વર્ષની વયની હતી ત્યારે માતાનું અવસાન થયું હતું. પિતા યુદ્ધમાં સક્રિય હતા. એથી મેડતામાં દાદા દૂદાજીએ મીરાંનું લાલનપાલન તથા તેનું રાજકુંવરીને યોગ્ય ઘડતર કર્યું હતું અને સાથોસાથ કૃષ્ણભક્તિનો રંગ પણ લગાડ્યો હતો. 1515માં દાદા દૂદાજીનું અવસાન થયું. તુરત જ 1516માં 17–18 વર્ષની વયે મેવાડના સિસોદિયા વંશના શૈવધર્મી રાજકુટુંબમાં રાણા સંગ (સંગ્રામસિંહ) અને કનવરબાઈના પાટવી પુત્ર ભોજરાજ સાથે મીરાંનું લગ્ન થયું. ઉત્તર ભારતમાં રાજકીય અશાંતિ અને અરાજકતામાં સત્તાની સ્થિરતા અને સમતુલા માટે વિચક્ષણ એવા મુત્સદ્દી સંગે સૂઝસમજપૂર્વક આસપાસનાં જોધપુર, બુંદી આદિ અનેક રાજકુટુંબોની કન્યાઓ સાથે પોતાનું અને મેડતાની રાજકુંવરી મીરાં સાથે પોતાના પાટવી પુત્રનું ‘સગવડનું લગ્ન’ કર્યું હતું. મીરાંએ આ લગ્નનો વિરોધ કર્યો ન હતો. લગ્નની વિધિમાં કૃષ્ણની મૂર્તિ એની સાથે હતી અને વિધિ પણ અપૂર્ણ રહી હતી.
સિસોદિયા કુટુંબને વૈષ્ણવ ધર્મ પ્રત્યે આદર હતો. સંગના પિતા કુંભ કૃષ્ણભક્ત હતા. કુટુંબમાં અને અંત:પુરમાં સંગની માતા રતનબાઈનું વર્ચસ હતું. એ રૈદાસની શિષ્યા હતી. એ સમયમાં એણે રૈદાસને ગુરુદક્ષિણામાં કૃષ્ણની મૂર્તિ ભેટ આપી હતી. એ જ મૂર્તિ રૈદાસે મીરાંને ભેટ આપી હોય અને મીરાં પાસે એ જ મૂર્તિ છે એમ રતનબાઈએ જાણ્યું હોય એ કારણે રતનબાઈને મીરાં પ્રત્યે પ્રેમ અને આદર હતો. એથી એણે મીરાંને રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું. ટૂંકમાં, મેવાડમાં મીરાં સાધુસંતો અને પીડિતો–પતિતોની વચ્ચે પ્રભુમય જીવન જીવતી હતી. એણે આરંભથી જ સંતનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. રાજકુટુંબમાં એ અપ્રિય હશે, પણ લોકહૃદયમાં તો એનું અનન્ય પ્રેમભર્યું સ્થાન હતું.
1521માં ભોજરાજનું અવસાન થયું. આમ, લગ્નનાં પાંચ વર્ષ પછી ત્રેવીસ વર્ષની વયે મીરાંને વૈધવ્ય પ્રાપ્ત થયું હતું.
1527માં બાબર સામેના યુદ્ધમાં સંગનો પરાજય થયો અને સંગના સહાયક મીરાંના પિતા રતનસિંહનું અવસાન થયું. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યાં ઇરીચ પાસે કોઈએ એને વિષ આપ્યું અને એનું અવસાન થયું. 1521માં ભોજરાજના અવસાન અને 1527માં સંગના અવસાન વચ્ચેનો 5–6 વર્ષનો સમય મીરાંના જીવનમાં સૌથી વધુ બાહ્ય શાંતિનો હતો. એ પ્રભુભક્તિમાં રમમાણ હતી. આ જ સમયમાં રાજમાતા રતનબાઈનું અવસાન થયું. કુટુંબમાં રતનબાઈનો કાર્યભાર મીરાંએ સ્વીકાર્યો હતો. આ સમયમાં એણે રાજસ્થાની ભાષામાં કેટલાંક પદોનું સર્જન કર્યું હતું.
1528માં સંગની પત્ની જોધપુરની ધનબાઈનો પુત્ર રતનસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. એણે મીરાંને વિવિધ પ્રકારે ત્રાસ આપવાનો આરંભ કર્યો. એણે મીરાંને પ્રાસાદમાંથી દૂર એવા આવાસમાં બે દાસીઓની નજરબંધી નીચે એકાન્તવાસ આપ્યો. જનશ્રુતિમાં એમ છે કે ધાર્મિક કારણે રતનસિંહે પ્રથમ નાગપ્રેષણ અને પછી વિષપ્રેષણ દ્વારા મીરાંના જીવનનો અંત લાવવાના પ્રયત્નો કર્યા હતા. ધાર્મિક કારણે નહિ, પણ રાજકીય કારણે રતનસિંહે મીરાંના જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. રતનસિંહને ધર્મમાં રસ જ ન હતો. પણ 1522માં માળવા અને ગુજરાતે મેવાડ પર આક્રમણ કર્યું ત્યારે સંગ યુદ્ધભૂમિ પર હતો. એથી એની અનુપસ્થિતિમાં સંગ પદભ્રષ્ટ થાય અને તેની પત્ની જોધપુરની ધનબાઈનો પુત્ર રતનસિંહ રાજ્યપદે સ્થપાય એ હેતુથી જોધપુરના રાજકુટુંબે સંગની વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું હતું. સંગ યુદ્ધમાં જીતતો આવતો હતો છતાં આક્રમણકારો સાથે સમાધાન કરીને યુદ્ધભૂમિ પરથી એકાએક પાછો ફર્યો હતો અને ષડ્યંત્ર નિષ્ફળ ગયું હતું. સંગ યુદ્ધભૂમિ પરથી પાછો ફર્યો એનું કારણ સંગ યુદ્ધભૂમિ પર હતો ત્યારે મીરાંએ સાધુસંતોના ગુપ્તવેશે કોઈ દ્વારા આ ષડ્યંત્રના સમાચાર આપ્યા હોય. મીરાં સંત હતી, રાજકારણમાં સક્રિય ન હતી; પણ દુર્જનોની વિરુદ્ધ સજ્જનોને પક્ષે, અસતની વિરુદ્ધ સતને પક્ષે એ ક્યારેક સક્રિય પણ થતી હતી.
નાગપ્રેષણ અને વિષપ્રેષણના પ્રસંગોમાં મીરાં સુરક્ષિત રહી હતી. જનશ્રુતિમાં એમ છે કે નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયું એ ચમત્કારથી મીરાં સુરક્ષિત રહી હતી. મીરાં કૃષ્ણભક્ત હતી એથી કૃષ્ણે આ ચમત્કાર કર્યો હતો એમ કહેવાય છે, પણ સ્ત્રીહત્યાના પાપનો પણ ભય હશે એથી અનુચરોએ વિષધર નાગ નહિ, પણ નિર્વિષ નાગ અને વિષ નહિ પણ કોઈ નિર્દોષ પેય પદાર્થ મીરાંને આપ્યો હશે અને રતનસિંહના રોષથી બચવા નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયું એમ ચમત્કારને કારણે મીરાંના જીવનનો અંત ન આવ્યો, એમ રતનસિંહ સમક્ષ નિવેદન કર્યું હશે એમ સંભવિત ગણવામાં આવ્યું છે.
ટૂંકસમયમાં જ સંગના પુત્ર વિક્રમાદિત્યના મામા સૂરજમલે રતનસિંહની હત્યા કરી અને સંગનાં પત્ની કરમેતનબાઈનો 14 વર્ષનો સગીર પુત્ર મેવાડના રાજ્યપદે આવ્યો. વિક્રમાદિત્ય વ્યભિચારી હતો. એના પર પૃથ્વીરાજના અનૌરસ પુત્ર વનવીરનું વર્ચસ હતું. વનવીર રાજ્યપદેચ્છુ હતો, પણ એને મીરાંનો ભય હતો. તેથી એની ઉત્તેજનાથી વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો હતો. જનશ્રુતિમાં એમ છે કે એણે અનુચરોને મીરાંનો શિરચ્છેદ કરવાની આજ્ઞા આપી હતી, પણ ચમત્કારને કારણે મીરાં સુરક્ષિત રહી હતી. કોઈ ચમત્કારને કારણે નહિ, પણ શિરચ્છેદથી સ્ત્રીહત્યાનું પાપ લાગે એવું બહાનું અનુચરોએ વિક્રમાદિત્ય સમક્ષ રજૂ કર્યું હોય એ કારણે મીરાંના જીવનનો અંત આવ્યો ન હતો. પછી વિક્રમાદિત્યે વધુ રોષમાં આવીને જળસમાધિથી મીરાંના જીવનનો અંત આવે તો નીરસ, નિ:સંતાન અને એકાકી જીવનને કારણે મીરાંએ આત્મહત્યા કરી છે એવું અર્થઘટન કરી શકાય એ હેતુથી મીરાંને જળસમાધિ લેવાની આજ્ઞા કરી હતી. આ અનુભવ સૌ ત્રાસની પરાકાષ્ઠારૂપ હતો. એમાં વચમાં કોઈ અનુચર ન હતો, કોઈ ચમત્કારને અવકાશ ન હતો. સુરક્ષિત રહેવું હોય તો હવે મેવાડનો ત્યાગ કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એથી 1532માં 17 વર્ષના મેવાડમાંના વાસ પછી 34 વર્ષની વયે મીરાંએ તેનો ત્યાગ કર્યો હતો.
પછી મીરાં એના પિયર મેડતામાં આવીને વસી હતી; પણ એની ઉપસ્થિતિથી જોધપુરનું રાજકુટુંબ એને મેડતામાં આશ્રય આપનાર એના કાકા વીરમદેવને ઉપદ્રવ કરે અથવા એના પર આક્રમણ કરે અને વીરમદેવને હાનિ થાય એ ભય અને શંકાને કારણે મીરાંએ વીરમદેવના હિતમાં 1533માં એક જ વર્ષમાં મેડતા-ત્યાગ કર્યો હતો.
પછી મીરાં કૃષ્ણની ભૂમિ વૃન્દાવનમાં વસી હતી. આ સમયમાં આ પ્રદેશમાં મુઘલોનું આક્રમણ થતું હતું એથી રાજકીય ત્રાસ હતો. વળી જીવ ગોસ્વામીનો પ્રસંગ સૂચવે છે તેમ ધર્મ પણ ભ્રષ્ટ થયો હતો. મીરાંને માટે અહીં શાંતિપૂર્વક પ્રભુમય જીવન જીવવું અશક્ય હતું. એથી 1536માં ત્રણ જ વર્ષમાં મીરાંએ વૃન્દાવન-ત્યાગ કર્યો હતો. મીરાંએ વ્રજ ભાષામાં કેટલાંક પદોનું આ સમયમાં સર્જન કર્યું હતું.
પછી મીરાં દ્વારિકામાં આવીને વસી હતી. દ્વારિકા મેવાડથી દૂર હતું એથી અહીં નિરુપદ્રવી જીવન જીવવું શક્ય હતું. નરસિંહ મહેતાને કારણે સૌરાષ્ટ્રમાં ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણ હતું. કૃષ્ણ પણ અંતે દ્વારિકામાં આવીને વસ્યા હતા.
મેવાડમાં મીરાંની અનુપસ્થિતિને કારણે પ્રજાજનો અપ્રસન્ન છે અને મેવાડે મીરાંને ત્રાસ આપીને અન્યાય કર્યો છે એની શિક્ષા રૂપે જાણે કે મેવાડના રાજકુટુંબમાં ચાલેલી હત્યાઓની પરંપરાને લઈને મેવાડમાં અશાંતિ વ્યાપેલી છે એવું લાગતાં મેવાડના તત્કાલીન રાજા ઉદયસિંહે 1546માં કેટલાક બ્રાહ્મણો સાથે મીરાંને મેવાડ પાછાં પધારવાની પ્રાર્થના કરી. મીરાંએ આ પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો હતો. એથી બ્રાહ્મણો પ્રસન્ન હતા; કારણ કે મીરાં જો મેવાડ પાછાં આવે તો એમનું વર્ચસ્ ચાલ્યું જાય. આમ છતાં ઉદયસિંહ સમક્ષ પોતાની પ્રામાણિકતા સિદ્ધ કરી શકાય એ હેતુથી એમણે મીરાંની સામે આમરણાંત ઉપવાસનો આરંભ કર્યો હતો. બ્રહ્મહત્યાના આ ધર્મસંકટમાં મીરાંએ કૃષ્ણ અનુમતિ આપે તો પોતે મેવાડ પાછાં આવે એ પ્રસ્તાવ સાથે, પણ હૃદયમાં દ્વારિકાત્યાગના નિર્ણય સાથે મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ કર્યો અને એકાન્તમાં સંતનાં વસ્ત્રો કૃષ્ણની મૂર્તિ સમક્ષ અર્પણ કરીને, અજ્ઞાતવાસનાં વસ્ત્રો ધારણ કરીને ગર્ભદ્વારના પાછલા બારણેથી તેમણે દ્વારિકાત્યાગ કર્યો એવો એક મત છે. જનશ્રુતિમાં એમ છે કે દ્વારિકામાં મીરાં કૃષ્ણ-મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્યમુક્તિ પામ્યાં હતાં. મીરાં દ્વારિકાત્યાગ પછી આયુષ્યના અંત લગી અજ્ઞાતવાસમાં રહ્યાં હતાં. એમણે પોતાનું વ્યક્તિત્વ, અરે, નામ સુધ્ધાં લોપ્યું હતું. એમણે પોતાનો ભૂતકાળ ભૂંસ્યો હતો. મીરાંએ ગુજરાતી ભાષામાં કેટલાંક પદોનું આ સમયમાં સર્જન કર્યું હશે.
જનશ્રુતિમાં એમ છે કે મીરાં સાથે તાનસેન, તુલસીદાસ, બીરબલ, માનસિંહ અને અકબરનું મિલન થયું હતું. તો આ મિલન ક્યાં અને ક્યારે થયું હોય ? આ મિલન 1546માં મીરાંએ દ્વારિકાત્યાગ કર્યો અને મુઘલ બાદશાહ અકબર 1562માં અજમેરની યાત્રાએ આવ્યો એ બે ઘટનાઓની વચ્ચેના સમયમાં જ થયું હોય, અને તે ઉત્તર ભારતમાં જ થયું હોય. અન્યથા આ મિલન થવું અશક્ય હતું. એથી શક્ય છે કે 1546થી 1556 લગી મીરાં દક્ષિણ ભારતની તીર્થયાત્રાએ હોય. પછી એ બંધોગઢમાં આવીને વસ્યાં હોય. બંધોગઢના કલારસિક રાજા રામચન્દ્ર વાઘેલાએ તાનસેનને રાજગાયકપદ અર્પણ કર્યું હતું. ચિત્રકૂટ બંધોગઢની નિકટ હતું. એથી શક્ય છે કે બંધોગઢમાં મીરાં સાથે તાનસેન અને તુલસીદાસનું મિલન થયું હોય. પછી મીરાં અંબરગઢમાં આવીને વસ્યાં હોય. માનસિંહ અંબરગઢના ધર્મપ્રિય રાજા ભગવાનદાસનો પાલકપુત્ર હતો અને 1562 લગી બીરબલ એમનો રાજકવિ હતો; એથી શક્ય છે કે અંબરગઢમાં મીરાં સાથે માનસિંહ અને બીરબલનું મિલન થયું હોય. ભગવાનદાસની બહેનનું લગ્ન અકબર સાથે થયું હતું અને ભગવાનદાસની પુત્રીનું લગ્ન અકબરના પુત્ર સલીમ સાથે થયું હતું. 1562માં મુઘલ શહેનશાહ અકબર અજમેરની યાત્રાએ આવ્યો ત્યારે અંબરગઢમાં મીરાં સાથે એનું ગુપ્ત વેશમાં મિલન થયું હોય તો 1563-65માં 65-67 વર્ષની વયે મીરાંનું અવસાન થયું હોય. ભગવાનદાસ, માનસિંહ, અકબર જેવા રાજપુરુષોનું, બીરબલ જેવા કવિનું, તાનસેન જેવા સંગીતકારનું અને તુલસીદાસ જેવા સંતનું મીરાં સાથે મિલન થાય એમાં મીરાંની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે. એ સૌએ પછીથી જે મહાન જીવનકાર્ય કર્યું એમાં મીરાંની પ્રેરણા હશે.
જનશ્રુતિમાં એમ છે કે મીરાંએ નાનપણમાં એમની માને એક વાર પૂછ્યું, ‘મારો વર કોણ ?’ માએ મીરાંને કૃષ્ણની મૂર્તિ આપીને કહ્યું, ‘આ તારો વર !’ ત્યારથી મીરાંના હૃદયમાં વસી ગયું કે કૃષ્ણ મારો વર છે. એનો અર્થ એ કે મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હશે, પરમેશ્વરના પ્રેમનો સહસા અનુભવ થયો હશે. આ અનુભવ એમનાં પદોમાં સહજ ઊતરી આવ્યો.
શક્ય છે, મીરાંએ ત્રણ ભાષાઓ – રાજસ્થાની, વ્રજ, અને ગુજરાતીમાં એમનાં પદો રચ્યાં હોય. એ આ ત્રણેય ભાષા-ભાષી પ્રદેશોમાં વસી હતી અને મીરાં જેવી કવયિત્રીને ત્રણ ભાષાઓમાં પદો રચવાનું અઘરું ન જ હોય. શક્ય છે, મીરાંએ એક જ ભાષા – રાજસ્થાનીમાં એમનાં પદો રચ્યાં હોય, પણ એ ગ્રંથસ્થ ન હતાં, કંઠસ્થ હતાં, એટલે દીર્ઘ સમય લગી ત્રણેય પ્રદેશોમાં તેમનું મૌખિક પ્રત્યાયન થયું હતું. એથી શક્ય છે, ત્રણ ભાષાઓમાં એમનાં રૂપાંતરો થયાં હોય. મીરાંએ એમનાં પદો ત્રણ ભાષાઓમાં કે એક જ ભાષામાં રચ્યાં હોય, તોપણ આજે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં તો નહિ જ રચ્યાં હોય. આજની આ ભાષાઓના સ્વરૂપથી મીરાંના સમયની આ ભાષાઓનું સ્વરૂપ ભિન્ન હતું. મીરાંનાં કુલ શંકાસ્પદ પદો સહિત – ચૌદ સો પદો અને ગુજરાતીમાં ચાર સો પદો અસ્તિત્વમાં છે.
મીરાંનાં પદો પર નાથપંથી યોગીઓ અને નિર્ગુણમાર્ગી પરંપરાના સંતોની પદરચનાપદ્ધતિ; વૈષ્ણવ ભક્તોની ઇષ્ટદેવનાં નામ, રૂપ, ગુણ, લીલા વગેરેનું વર્ણન કરવાની પદ-પરંપરા અને મેવાડ-મારવાડની લોકગીતપરંપરા – એ ત્રણેયનો પ્રભાવ પડ્યો હોવાનું પ્રતીત થાય છે. વર્ણ્ય વિષય પરત્વે એમાંનાં નામ, જન્મસ્થાન, કુલ, પતિ, ગુરુ, સ્વજનો સાથેના મતભેદો વગેરેના સંકેત કરતાં ચરિત્રાત્મક પદોને અલગ કરતાં શેષ પદોમાં આરાધ્યની સ્તુતિ અને વિનય, સૌંદર્યકલ્પના, પ્રણયાનુભૂતિ, વિરહોદગાર, લીલાગાન, આત્મસમર્પણ, અવ્યક્તની અનુભૂતિ અને રાગાત્મક ભાવનું પ્રાધાન્ય વરતાય છે. ‘ગોવિંદો પ્રાણ અમારો રે’, ‘અબ નહીં માનું રાણા થોરી, મૈં વર પાયો ગિરધારી’, ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’, ‘મુને લહે લાગી રે હરિ નામની રે’, ‘રામ રમકડું જડિયું’ અને ‘બાઈ મૈંને ગોવિંદ લીનો મોલ’, – એ પંક્તિથી શરૂ થતાં ભક્તિની મસ્તી અને જગત પ્રત્યે બેપરવાઈ દર્શાવતાં આત્મચરિત્રાત્મક પદો; ‘બોલ મા બોલ મા બોલ મા રે રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે’ જેવાં ભક્તિબોધક પદો; ‘હાં રે કોઈ માધવ લ્યો’, ‘કાનુડો ન જાણે મારી પીડ’, ‘લે ને તારી લાકડી’, ‘વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે’ જેવાં કૃષ્ણલીલાને લગતાં પદો; ‘સુન લીજો વિનતિ મોરી’, ‘દવ લાગ્યો ડુંગરિયે, કહાના કેમ કરિયે’, ‘મ્હાંને ચાકર રાખોજી’ અને ‘બસો મોરે નેનન મેં નંદલાલ’ જેવાં ભક્તિસંવેદન જગાડતાં પ્રાર્થનાપદો; ‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ’, ‘હું તો આદ્ય વેરાગણ છું’, ‘હું તો બાળકુંવારી’ અને ‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’, ‘મુખડાની માયા લાગી રે મોહન તારા’ અને ‘હે રી મેં તો દરદદીવાની મેરો દરદ ન જાને કોઈ’ જેવાં ઉત્કૃષ્ટ પ્રભુપ્રેમ અને આત્મસંવેદન પ્રગટ કરતાં પદો ખૂબ લોકપ્રિય થયાં છે.
મીરાં રહસ્યદર્શી છે. મીરાંનો અનુભવ પરમેશ્વરના અનુગ્રહરૂપ છે, સ્વંયભૂ – સ્વત:સિદ્ધ છે; એથી મીરાંએ સૌ સંસ્થા, સંપ્રદાય, પંથ, મત, વાદ, શાસ્ત્ર, સાધના આદિનો ત્યાગ કર્યો હતો. મીરાં સૌ ભક્તિમાર્ગોથી, કૃષ્ણભક્તિમાર્ગથી પણ પર હતી. મીરાંનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી, મહાભારત કે ભાગવતનો કૃષ્ણ નથી; મીરાંનો પરમેશ્વર કોઈ પંથમાં નથી, ગ્રંથમાં નથી; મીરાંનો પરમેશ્વર તો મીરાંના હૃદયમાં હતો. મીરાંનો કૃષ્ણ એ મીરાંનો કૃષ્ણ છે. મીરાંને સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો એથી પરમેશ્વર પ્રત્યે અનુરાગ હતો એવું નથી, પણ પરમેશ્વર પ્રત્યે અનુરાગ હતો એથી મીરાંને સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો; એથી જ એમણે પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા આદિ સર્વસ્વનો ત્યાગ કર્યો હતો; કુટુંબ, સમાજ, સ્વદેશનો ત્યાગ કર્યો હતો; વૃંદાવન, દ્વારિકાનો ત્યાગ કર્યો હતો; અરે, પોતાનાં નામ અને વ્યક્તિત્વ સુધ્ધાંનો પણ ત્યાગ કર્યો હતો. મીરાં પૃથ્વી પર જાણે કે સ્વેચ્છાએ નિર્વાસિત, ચિરનિર્વાસિત હતી; એ પરમેશ્વર નામના પ્રદેશની નાગરિક હતી. પરમેશ્વર મીરાંનો સ્વદેશ હતો. આ રજપૂતાણીએ ક્ષણેક્ષણનું, જીવનભરનું જૌહર રચ્યું હતું. પરમેશ્વર જ મીરાંની મિરાત, મોટી મિરાત – અને નિરાંત, મોટી નિરાંત પણ – હતી.
મીરાંમાં પ્રેમના અનુભવની તીવ્રતા છે, એથી એમનાં પદોમાં ભાવ અને રસની ઉગ્રતા છે. અન્ય સંતકવિઓનાં પદોમાં રાધા અને કૃષ્ણ બે પ્રેમપાત્રો છે; સંતકવિ પ્રેક્ષક-સાક્ષી છે, ત્રીજું પાત્ર છે. અન્ય સંતકવિઓ પુરુષો છે. એ એમના પુરુષત્વથી સભાન છે. એમનાં પદોમાં સ્ત્રીત્વ વિશેનો પ્રયત્ન છે. એથી એમાં માધુર્યભક્તિ છે, વિલાસ અને ઉન્માદ છે – મીરાંનાં પદોમાં કૃષ્ણ અને પોતે એમ બે જ પ્રેમપાત્રો છે. પોતે જ બીજું પાત્ર છે. એમાં ત્રીજું પાત્ર જ નથી. મીરાં સ્ત્રી છે. વળી મીરાં પરમેશ્વરની પત્ની છે, પત્નીથીયે વિશેષ, પરમેશ્વરની દાસી છે. એથી એના પ્રેમમાં અધિકાર નથી, સેવા છે. મીરાંની ભક્તિ અંતે દાસ્યભક્તિ છે. એથી એમાં પ્રેમ છે, કામ નથી; શૃંગાર છે, વિલાસ નથી; ઉગ્રતા છે, ઉન્માદ નથી; એમાં સંકોચ અને સંયમ છે, શીલ અને મર્યાદા છે.
શૈલીસ્વરૂપમાં મીરાંનું એકેએક પદ સર્વાંગસંપૂર્ણ અને સાદ્યંત સુંદર છે. એમાં કાવ્યમયતા અને કલામયતા છે. મીરાંએ જ કહ્યું છે, ‘ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે’.
મીરાં માત્ર મેડતા કે મેવાડની મરુભૂમિમાં નહિ, પણ સારાયે સંસારની મરુભૂમિમાં ધવલોજ્જ્વલ અગ્નિજ્વાલા છે.
નિરંજન ભગત