મીડ્નર, લુડવિગ (જ. 8 એપ્રિલ 1884, બર્નસ્ટેટ, જર્મની; અ. 14 મે 1966, ડાર્મસ્ટેટ, જર્મની) : જર્મન-અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ નગરચિત્રોના સર્જન માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. 1901–1902 દરમિયાન તેમણે કડિયા તરીકે તાલીમ લીધી. 1903થી 1905 દરમિયાન બ્રૅટ-લૉની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1906થી 1907 સુધી પૅરિસની અકાદમી જુલિયાં અને અકાદમી કૉર્મોમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન ઇટાલિયન ચિત્રકાર મોદિલ્યાની સાથે મિત્રતા થઈ. 1912માં ચિત્રકારો જાન્થુર અને સ્ટાઇન્હાર્ટ સાથે ડાય પાથેટિકર નામના જૂથની સ્થાપના કરી. 1916થી 1918 સુધી જર્મન લશ્કરમાં રહ્યા અને તે દરમિયાન સૈનિક તરીકે પ્રથમ વિશ્વયુદ્ધમાં રણમોરચે લડ્યા. 1921માં ‘ધ કો-ઑપરેટિવ કાઉન્સિલ ઑવ્ આર્ટ’ અને ‘ધ નવેમ્બર ગ્રૂપ’ના સભ્ય બન્યા. 1924–25માં બર્લિનના સ્ટડી સ્ટૂડિયોઝ ફૉર પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ટિંગમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1935માં કૉલોન નગરમાં વસવાટ શરૂ કર્યો. 1937માં નાઝી હકૂમતે તેમને બુદ્ધિભ્રષ્ટ ઠરાવ્યા અને તેમનાં 84 ચિત્રોનો નાશ કર્યો. તેઓ 1939માં બ્રિટન ચાલ્યા ગયા અને 1952માં જર્મની પાછા ફર્યા.
1912માં મીડ્નરે નગરચિત્રોનું સર્જન શરૂ કર્યું. મીડ્નરનાં નગરચિત્રો જોતાં તેમાં કોઈ દ્રષ્ટાની પીંછી ફરી રહી હોય તેવો ભાવ જન્મે છે. નગરના કોઈ ઊંચા છેડેથી તેના સમગ્ર વિશાળ ર્દશ્યને આવરી લેવામાં આવતું હોય તે રીતે એ ચિત્રો ચીતરાયાં છે. તેમાં રાત્રિના ઘોર અંધકારમાં નગર પર થતી બૉંબ-વર્ષા તથા મિસાઇલોના મારાથી ભભૂકી ઊઠતી જ્વાળાઓ, પ્રકાશના ઝબકારા તથા ધણધણી ઊઠતી ધરતી અને ધ્રૂજીને ધરાશાયી થતાં બહુમાળી મકાનો જોવા મળે છે. આમ યુદ્ધથી થતી ખાનાખરાબીનાં વરવાં ત્રાસદાયક ર્દશ્યો એમાં જોવા મળે છે; પરંતુ આ ચિત્રોમાં માનવઆકૃતિઓ ક્યાંય જોવા મળતી નથી. જાડા રંગના થર પર થર વડે પીંછીના પહોળા લસરકા વડે તેઓ ચિત્રણ કરતા હતા. નગરજીવનની તારાજીનાં આ ર્દશ્યો હકીકતમાં મીડ્નરની હચમચી ઊઠેલી મન:સ્થિતિનાં પ્રતિબિંબ છે. આ ચિત્રોમાં ઘનવાદની સ્પષ્ટ અસર છે. 1914માં તેમણે નગર કેવી રીતે ચીતરવું તે અંગે ‘ઍન્લેટુન્ગ ઝુમ માલેન ફોન ગ્રૉસ્ટાટ્બિલ્ડર્ન’ નામનું પુસ્તક લખ્યું.
1923માં નગરનું ચિત્રણ સદંતર બંધ કરી યહૂદી ધર્મવિષયક ચિત્રોનું સર્જન શરૂ કર્યું. મીડ્નરે અભિવ્યક્તિવાદી પદ્ય અને ગદ્ય પણ લખ્યું છે.
અમિતાભ મડિયા