મિશ્રા, હીરાદેવી

February, 2002

મિશ્રા, હીરાદેવી (જ. બનારસ) : ભારતનાં જાણીતાં ઠૂમરી-નિષ્ણાત અને અભિનેત્રી. પિતા સ્વરૂપસિંહ અને માતા મૌનાદેવી સંગીતનાં ભારે રસિયાં. બે ભાઈ – કેદારનાથ અને અમરનાથ – પણ અચ્છા તબલાવાદક. આમ તેમને વારસામાં સંગીત મળેલું.

હીરાદેવી મિશ્રા

માત્ર 7 વર્ષની વયે તેમણે બનારસના પં. સરજૂપ્રસાદના હસ્તે ગંડાબંધન કરાવ્યું ને થોડો વખત તાલીમ લીધી. ત્યારબાદ હીરાદેવીની લગન જોઈને તેમનાં મોટાં બહેન રાજમણિદેવીના ગુરુ પં. પ્રતાપ મિશ્રે એમને ટપ્પાની તાલીમ આપી. પછી તેમણે ખાંસાહેબ ચતાખાં પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. 12 વર્ષની વયે તેમની સંગીત-ઉપાસનાનો પ્રારંભ થયો. કંઠમાધુર્યને લીધે તેમને અવારનવાર મહેફિલોમાં ગાવાનો મોકો મળતો. મુંબઈમાં તેમને હરિદાસ સંમેલનમાં પહેલી વાર તખ્તા પર ગાવાની તક મળી હતી.

ગુરુ પાસેની તાલીમ દરમિયાન તેમણે સખત પરિશ્રમ ઉઠાવ્યો. તેથી તબિયત લથડી. દાક્તરોએ ગાવાની મનાઈ ફરમાવી. આમ છતાં જરા પણ હતાશ થયા વિના કાશીના રાજગાયક અવન્તિકાપ્રસાદના પૌત્ર ઉસ્તાદ કમલ મિશ્રા પાસે સિતારવાદનની તાલીમ લીધી. વધુ સંગીતમય સંપર્કને કારણે તેઓ સ્નેહગાંઠથી બંધાયાં અને તેમની સાથે લગ્ન કર્યાં. પતિ પોતે સંગીતનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા; તેથી હીરાદેવીએ તેમની પાસેથી ઠૂમરી, દાદરા, ટપ્પા, હોરી વગેરે ગાયનપ્રકારોમાં તાલીમ લીધી. ત્યારપછી દિલ્હીના પં. નસીરખાં અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન પાસેથી ઠૂમરીની વિશેષ તાલીમ લીધી.

તેમણે મોટેભાગે બનારસખ્યાત શૃંગારરસપ્રધાન ઠૂમરી – જેમાં નાયિકાનાં રિસામણાં, મનામણાં, ગુસ્સો અને છણકા વગેરે ભાવોને બહેલાવવાનો અવકાશ હોય છે – તેમાં પ્રવીણતા મેળવી. આરંભમાં તો તેઓ ખયાલ અને ગઝલ પેશ કરતાં; પણ પતિએ તેમને ઠૂમરી ગાતાં કર્યાં, તેઓ આમ તો ટપ્પા પણ એટલી જ સહજતા અને મીઠાશથી ગાતાં રહ્યાં છે.

હીરાદેવી બનારસમાં મોસમ, વાર-તહેવાર તથા પ્રસંગાનુસાર લોકપ્રિય બનેલા વિવિધ ગાયનપ્રકારોનાં ચાહક છે; જેવા કે ચૈત્ર માસમાં નદીકિનારે ગવાતી ચૈત્રી; હોળીના તહેવારોમાં હોરી; શ્રાવણમાં ગવાતી કજરી; સાંજે ગાય દોહવાના સમયે ગવાતા અહિલ અથવા બિરહા; લગ્નપ્રસંગે ગવાતા બનરા અને બાળકના જન્મપ્રસંગે ગવાતો સોહર વગેરે. તેઓ લય અને સૂરના સુંદર મેળ સાથે બહુ ભાવવાહી ઢબે ગાઈ શકે છે. ખાંસાહેબ ચતાખાંની તાલીમના કારણે એમના ગાયનમાં પતિયાલા ઘરાનાનું મિશ્રણ જોવા મળે છે.

શરૂઆતમાં બેગમ અખ્તરનો તેમના પર સારો પ્રભાવ હતો. એ તેમનાં ગુરુબહેન હતાં. એવાં જ બીજાં ખ્યાતનામ ગુરુબહેન હતાં નિર્મલાદેવી.

તેમની ઘણી ચીજો રેકર્ડ થઈ છે. ‘ગમન’ ફિલ્મમાં રજૂ થયેલી બનારસી ઠૂમરી અને બનરાથી તેમને સૂરસિંગાર અકાદમી તરફથી મિયાં તાનસેન ઍવૉર્ડ મળેલો. તેમની રેકર્ડબદ્ધ અનેક ચીજોમાં ‘નૈનવાસે નૈનવા મિલાયે જા, મિલાયે જા, ગુજરિયા હમ પરદેસી બડે દૂર કે’ અતિ કર્ણપ્રિય અને લોકપ્રિય બનેલી. ‘પ્રભાત’, ‘દેવદાસ’, ‘હિંદુસ્તાન કી કસમ’,  ‘વિદ્યાર્થી’, ‘આંધિયાં’ વગેરે હિંદી તેમજ ભોજપુરી ફિલ્મોમાં એમનાં ગાયનોનો સુંદર ઉપયોગ થયો છે.

હીરાદેવીને અભિનયનો પણ શોખ હતો. તેમણે ‘વિદ્યાર્થી’ અને ‘ગમન’ ફિલ્મમાં અભિનય આપ્યો છે. દેશમાં ઘણાં સ્થળોએ સંગીત–સંમેલનોમાં તેમનાં કંઠપ્રિય ગાયનો દ્વારા તેમણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.

બળદેવભાઈ કનીજિયા