મિશ્રા, રામદેવ (જ. 26 ઑગસ્ટ, 1908; અ. 1991) : ભારતીય પરિસ્થિતિવિજ્ઞાની (ecologist). તેમની કારકિર્દીના પ્રારંભથી 1950 સુધી તેમણે સાગર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું અને પરિસ્થિતિવિજ્ઞાનનો પાયો નાખ્યો. ત્યારપછી 1956માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. તેમનાં સંશોધનોને કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું સંશોધનકેન્દ્ર બની. 20 વર્ષના ગાળામાં તેમણે 55 જેટલા પીએચ.ડી.ના મહાનિબંધો તૈયાર કરાવ્યા.
તેમણે જીવાવરણમાં પરિસ્થિતિવિદ્યાકીય ઊર્જાવિજ્ઞાન (ecological energetics), જનસંખ્યા (population) અને સમાજ(community)ની સંકલ્પના, સજીવો અને પર્યાવરણ, જૈવ સમાજમાં વનસ્પતિ અને પ્રાણી વચ્ચે રહેલાં આંતર અવલંબનો, પર્યાવરણનાં જૈવ અને અજૈવ પરિબળો અને પ્રદૂષણને આવરી લેતા 25 સિદ્ધાંતો રચ્યા. વન અને વન્યજીવસંરક્ષણ, નૈસર્ગિક સંપદા અને તેની જાળવણીમાં તેમનો મૂળભૂત ફાળો હતો. તેમણે પરિસ્થિતિવિજ્ઞાનના અભ્યાસમાં ઘણાં સાધનોનો ઉપયોગ કર્યો અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ દાખલ કરી. 1959માં તેમણે 46મી ભારતીય વિજ્ઞાન પરિષદના વનસ્પતિવિજ્ઞાનના અધ્યક્ષ તરીકેનું સ્થાન શોભાવ્યું. પરિસ્થિતિવિજ્ઞાન ક્ષેત્રે તેમણે આપેલા અભૂતપૂર્વ પ્રદાનને અનુલક્ષીને ઇંડિયન બૉટૅનિકલ સોસાયટીએ 1967માં ‘પ્રા. આર. ડી. મિશ્રા સ્મૃતિગ્રંથ’ પ્રસિદ્ધ કર્યો.
તેમણે વિવિધ યુનિવર્સિટીના 25 શિક્ષકોને પસંદ કરી તેમને ઑક્ટોબર–નવેમ્બર 1966માં વનસ્પતિ-પરિસ્થિતિવિજ્ઞાનના વિષયનું તલસ્પર્શી જ્ઞાન આપ્યું અને તેના પરિપાક રૂપે ‘Ecology Work Book’ નામનું પુસ્તક 1968માં પ્રકાશિત થયું.
1964થી 1972 સુધી તેમની રાહબરી નીચે ભારતમાં આંતરરાષ્ટ્રીય જીવવિજ્ઞાન કાર્યક્રમ (International Biological Programme) આવ્યો. તેના મુખ્ય સૂત્રધાર તરીકે તેમણે અમૂલ્ય અને મૌલિક પ્રદાન કર્યું. 1973માં તેમનું ‘ભારતમાં વનસ્પતિ-પરિસ્થિતિ-વિજ્ઞાનની પ્રગતિ’ (Progress of Plant Ecology in India) પુસ્તક પ્રકાશિત થયું.
આ ઉપરાંત ‘માનવ અને જીવાવરણ’(Man and Biosphere)ના કાર્યક્રમમાં તેમણે સખત પરિશ્રમ કર્યો. આ કાર્યક્રમ UNESCO અને IUCN (International Union of Conservation of Nature and Natural Resources) દ્વારા પુરસ્કૃત થયો હતો. તેમાં રણીભવન (desertification) પરત્વે તેઓ મુખ્ય સલાહકાર હતા.
તેમના ચાર વિદ્યાર્થીઓએ પરિસ્થિતિવિજ્ઞાનનાં સક્રિય કેન્દ્રો સ્થાપ્યાં :
(1) પ્રા. મલ, એમ. પી.; ઉજ્જૈન
(2) પ્રા. પાંડેય, એસ. સી.; રાજકોટ
(3) પ્રા. રામક્રૃષ્ણન્, પી. એસ.; શિલોંગ
(4) પ્રા. ગોપાલ બ્રિજ; જયપુર
પ્રા. ડડજન, ડબ્લ્યૂ. (1921) અને પ્રા. સૅક્સટન, ડબ્લ્યૂ. ટી.(1922)એ ગંગાતટીય વનસ્પતિઓનો અભ્યાસ કરી વનસ્પતિ અનુક્રમણનો સિદ્ધાંત તારવ્યો; પરંતુ મિશ્રાએ (1946, ’58, ’59) દર્શાવ્યું કે તે અનુક્રમણ નથી, પરંતુ તે વનસ્પતિ-સમાજની ઋતુનિષ્ઠતા (seasonality) છે.
તેમણે વિદ્વાન પ્રા. ડબ્લ્યૂ. એચ. પિયરસાલ સાથે ‘ઇંગ્લિશ સરોવરોમાં મૅક્રોફાઇટ(macrophytes)ની વૃદ્ધિ અને વિતરણનું નિયમન કરતાં ભૂમીય પરિબળો (edaphic factors in controlling the growth and distribution of macrophytes in English lakes) પર સંશોધન-નિબંધ લખ્યો.
તેમણે ‘ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર ટ્રૉપિકલ ઇકૉલૉજી’ની સ્થાપના કરી અને ‘ટ્રૉપિકલ ઇકૉલૉજી’ નામનું સામયિક શરૂ કર્યું. આ ઉપરાંત તેમણે 1974માં ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑવ્ ઇકૉલૉજી અને એન્વાયરન્મેન્ટલ સાયન્સિઝ’ નામનું સામયિક શરૂ કર્યું, જે પછી ચાલુ રહેલું છે.
તેમણે નિવૃત્તિ-સમયે જણાવ્યું હતું કે જીવવિજ્ઞાનનાં જટિલ સમીકરણો સમજવામાં પુખ્તતા ઘણી મોટી ઉંમરે આવે છે. તરુણ પેઢીને આ પદાર્થપાઠ તેમની પાસેથી મળેલો છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ