મિલવૉકી (Milwaukee) : યુ.એસ.ના વિસ્કૉન્સિન રાજ્યમાં મિશિગન સરોવરના પશ્ચિમ કાંઠે આવેલું શહેર તથા ઔદ્યોગિક બંદર. ભૌગોલિક સ્થાન : તે 43° 02´ ઉ. અ. અને 87° 54´ પ. રે. પરનો આશરે 249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિસ્કૉન્સિન રાજ્યનું મોટામાં મોટું શહેર હોવા ઉપરાંત દેશનાં પ્રમુખ ઔદ્યોગિક મથકો પૈકીનું એક છે. શિકાગોથી ઉત્તરે તે 140 કિમી.ને અંતરે આવેલું છે. શ્રેષ્ઠ પ્રકારના કુદરતી બારાને કારણે આ શહેર મિશિગન સરોવર પરનું ઉત્તમ કક્ષાનું બંદર બની રહેલું છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : મિલવૉકી શહેર મિલવૉકી મીનોમોની અને કિન્નીકિન્નીક નદીઓના મુખભાગ નજીક ટેકરાઓ પર વસેલું છે. અહીંથી મિશિગન સરોવરનું રમણીય ર્દશ્ય દેખાય છે. શહેરને આશરે 16 કિમી. લાંબો સરોવરકાંઠો મળેલો છે. શહેરની સરેરાશ ઊંચાઈ સમુદ્રસપાટીથી 177 મીટર જેટલી છે. સરોવરને કારણે અહીંની આબોહવા પ્રમાણમાં ઠંડી રહે છે; પરંતુ શિયાળા વધુ ઠંડા બની રહે છે. વર્ષ દરમિયાન વધુમાં વધુ ઠંડા રહેતા જાન્યુઆરીના અને વધુમાં વધુ ગરમ રહેતા જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે –11° સે. અને 23° સે. જેટલાં રહે છે. શિયાળામાં આશરે 1,100 મિમી. જેટલી હિમવર્ષા પણ થાય છે.
ઉદ્યોગ–વેપાર : આ શહેરમાં ખાદ્યસામગ્રી, દૂધની પેદાશો, માંસ, બિયર, ઇજનેરી યંત્રસામગ્રી, બાંધકામ અને ખાણઉદ્યોગની સામગ્રી, મોટરગાડીના ભાગો, વીજસામગ્રી, વીજાણુ-સામગ્રી, ખેતી તેમજ કારખાનાં માટેની યાંત્રિક સાધનસામગ્રી તથા રસાયણોનું ઉત્પાદન થાય છે વળી અહીં માંસપ્રક્રમણના એકમો પણ છે. આ શહેરનો પ્રારંભિક વિકાસ વેપાર પર આધારિત હતો. 1860–70ના અરસામાં મિલવૉકી યુ.એસ.નાં મુખ્ય અનાજ-બજારો પૈકીનું એક ગણાતું હતું. 19મી સદીના અંતિમ ચરણમાં વેપારને સ્થાને ઉત્પાદનલક્ષી ઉદ્યોગો વિકસતા ગયા અને અર્થતંત્ર સુધરતું ગયું. આ વિસ્તારમાં આશરે 2,900 જેટલા ઉત્પાદનલક્ષી એકમો આવેલા છે અને તેમાં શહેરના 25 % લોકો કામ કરે છે. આ શહેરમાં ઉદ્યોગ-વેપારની અનુકૂળતા માટે સંખ્યાબંધ બૅંકો તથા વીમા-કંપનીઓ આવેલી છે. અહીંના બંદરેથી વાર્ષિક આશરે 15 લાખ મૅટ્રિક ટન જેટલા માલસામાનની હેરફેર થતી રહે છે. તે સેન્ટ લૉરેન્સ નદીના માર્ગે દરિયાપારનાં આશરે 100 જેટલાં બંદરો સાથે સંકળાયેલું રહે છે.
વસ્તી–લોકો : 2012 મુજબ આ શહેરની વસ્તી 5,98,916 જેટલી છે. વસ્તીનો મોટોભાગ મૂળ જર્મન સ્થળાંતરવાસીઓના વંશજોથી બનેલો છે. તેઓ બધા શહેરના ઉત્તર વિભાગમાં રહે છે. વસ્તીના 25 % લોકો અશ્વેતો છે. તેઓ શહેરની અંદરના મધ્યભાગમાં રહે છે. અન્ય સમૂહોમાં અંગ્રેજ, આયરિશ, ઇટાલિયન, મેક્સિકન અને પોલિશ છે. તેઓ શહેરના દક્ષિણ ભાગમાં રહે છે. અહીંના ઘણાખરા ધંધા અને વિસ્તારોનાં નામ, સાંસ્કૃતિક બાબતો અને ઉત્સવો તથા જાણીતાં રેસ્ટોરાં જર્મન પરંપરાની યાદ અપાવે છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં (1967ના અરસામાં) આ શહેરમાં જાતિવાદની સમસ્યાઓ ઊભી થયેલી. અશ્વેત કોમોમાં હુલ્લડો ફાટી નીકળેલાં. પોતાના શહેરી હકોની જાળવણી માટે કેટલાંક જૂથોએ જાતિવાદને નાબૂદ કરવા માટે કવાયતો, પિકેટિંગ અને ધરણાં યોજેલાં. અન્ય કેટલાંક જૂથોએ લઘુમતી કોમોને સહાય કરેલી અને શહેરમાં જાતિવાદી સંબંધો સુધરે તે માટેના પ્રયાસો કરેલા.
20મી સદી દરમિયાન અહીં સમાજવાદી પક્ષે સ્થાનિક રાજકારણમાં મહત્વનો ભાગ ભજવેલો છે. 1910થી મિલવૉકી યુ. એસ.નું મુખ્ય શહેર બન્યું છે.
ઇતિહાસ : શ્વેત પ્રજા વસવાટ માટે આવી તે અગાઉ આ સ્થળે ફૉક્સ, મૅક્સટાઉન અને પોટા વાટોમી ઇન્ડિયન જાતિઓની અવરજવર રહેતી હતી. 18મી સદીમાં ધર્મપ્રચારકો અને રુવાંટી ભેગી કરીને વેચનારા વેપારીઓની પણ અહીં અવરજવર હતી.
વ્યવસાયે કારકુન પણ રુવાંટીનો વેપારી ફ્રેન્ચ કૅનેડિયન સૉલોમન જૂનો 1818માં આજના મિલવૉકીના સ્થળે આવીને વસેલો. તેણે 1833માં મિલવૉકી નદીના પૂર્વ કાંઠા પર મિલવૉકી નગરની સ્થાપના કરેલી. ત્યારપછીથી આ મિલવૉકીમાં નજીકના ગ્રામીણ વિસ્તારો ભળતા જવાથી તે શહેર બન્યું. 1840ના દાયકામાં જર્મનો તેમજ અન્ય યુરોપિયનો અહીં મોટા પ્રમાણમાં આવીને વસ્યા છે. તેમણે મિલવૉકીના સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ઘણો મોટો ભાગ ભજવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા