મિલર, હેન્રી (જ. 26 ડિસેમ્બર 1891, ન્યૂયૉર્ક; અ. 7 જૂન 1980, અમેરિકા) : આજીવન સ્વૈરવિહારી અમેરિકન લેખક. હેન્રી મિલર એમના સમકાલીનોમાં ઘણા વિવાદાસ્પદ લેખક બની ગયા હતા. જાતીય સંબંધ અને એ વાસનાના આલેખનને કારણે સર્જાતી એમની બીભત્સ ભાષાને લીધે એમને ઘણી સાહિત્યિક તકરારો તથા અદાલતી અન્વીક્ષા અને સેન્સરશિપના પરીક્ષણ તરફ ઘસડાવું પડ્યું હતું.
મિલરનું પ્રથમ પુસ્તક હતું ‘ટ્રૉપિક ઑવ્ કૅન્સર’ (1934). 1961 સુધી અમેરિકામાં એના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એમનું લેખનકાર્ય પૅરિસમાં થયું હતું. મિલરે પોતે જ અમેરિકામાંથી દેશવટો સ્વીકાર્યો હતો, કારણ કે અમેરિકા પ્રત્યે એમને નફરત હતી. એમનાં અન્ય સર્જનોની માફક એમાં પણ કથાવસ્તુનું એટલું મહત્ત્વ નથી, જેટલું મહત્વ એમાંના સંદેશનું છે.
આધુનિક સભ્યતા રોગગ્રસ્ત અને વિકારયુક્ત બની ગઈ છે એમ તેઓ માનતા હતા અને સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ કરવી હોય તો એને સમાજનાં બંધનોમાંથી મુક્ત બની પોતાની જાતની અને ઇન્દ્રિય-સુખોની મહત્તા વધારવી પડશે એવી તેમની ર્દઢ માન્યતા હતી.
એમની ‘ટ્રૉપિક ઑવ્ કૅપ્રિકૉર્ન’ (1939) કૃતિ સવિશેષ કાવ્યાત્મક છે અને એમાં ભાવિ આગાહીની પ્રબળ સૂઝ દેખાય છે. અમેરિકાને એમણે સાંસ્કૃતિક પડતર જમીન તરીકે લેખી છે. એ કારણે એ પુસ્તકમાં રહસ્યમય ગૂઢ આનંદનું તથા અમેરિકાની સાંસ્કૃતિક પડતર જમીનના વર્ણનનું આબાદ સંમિશ્રણ છે. એમના જાહેરનામા ‘ધી ઍરકન્ડિશન્ડ નાઇટમૅર’(1945)માં પ્રવર્તમાન અમેરિકન સંસ્કૃતિના અભ્યાસમાં એ જ ચિંતાનું પ્રતિબિંબ પડે છે.
‘ટ્રૉપિક્સ’ કૃતિઓના અમેરિકામાં પ્રકાશન બાબતે અશ્ર્લીલતાના આક્ષેપને લઈને તેમને અનેકવિધ કાનૂની કાર્યવહીઓનો સામનો કરવાનો થયો. છેવટે 1964માં ત્યાંની સુપ્રીમ કૉર્ટે રાજ્ય-અદાલતનાં એ પુસ્તકો અશ્લીલ હોવાના ચુકાદાને નકારી કાઢ્યો હતો.
એ કૃતિમાં અમેરિકાના કેટલાક પ્રજાજનોના જીવનનો અભ્યાસ એમણે દર્શાવ્યો છે અને એ સૌ એમની ર્દષ્ટિએ સફળ જીવન જીવી ગયા હોવાનું મંતવ્ય તેમાં રજૂ કર્યું હતું.
સાહિત્યક્ષેત્રે મિલરનું જે મૂળભૂત સ્થાન હતું એમાં ક્યારેય પરિવર્તન આવ્યું નથી. જોકે, એમના પછીના સાહિત્યસર્જનમાં સાહિત્યસ્વરૂપ અંગેની સભાનતા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
તેમની અન્ય મહત્વની કૃતિઓમાં ‘કૉસ્મૉલૉજિકલ ઈવ’ (1939) તથા ‘ધ વિઝડમ ઑવ્ હાર્ટ’ (1941) નામક નિબંધસંગ્રહ છે.
તેઓ જળરંગોમાં સુંદર ચિત્રો કરવાની નિપુણતા ધરાવતા હતા. અને એમનાં ચિત્રો વિશ્વભરમાં પ્રદર્શિત થયાં હતાં. ‘ટુ પેન્ટ ઇઝ ટુ લવ અગેન’(1960)માં તેમણે કલાવિષયક છણાવટ કરી છે. તેમના પત્રવ્યવહારના કેટલાક ગ્રંથો પણ પ્રગટ થયા છે.
જયા જયમલ ઠાકોર