મિલર, સ્ટૅન્લી લૉઇડ (જ. 7 માર્ચ 1930, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 20 મે 2007, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ 1954–55માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જેવેટ ફેલો તરીકે કર્યો. 1960માં તેઓ યુનિવર્સિટીના સાન ડિયેગો કૅમ્પસમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહી સેવા આપી પછી લા જોલ્લામાં રસાયણ વિભાગના અધ્યક્ષ થયા હતા.
તેમણે પ્રયોગશાળામાં જીવનું સંશ્લેષણ કરવા માટે પોતાના જ રચેલા સાધન દ્વારા કૃત્રિમ રીતે આદ્ય પૃથ્વી જેવું વાતાવરણ સર્જી પ્રયોગો કર્યા, અને જીવોત્પત્તિ માટે આવશ્યક રાસાયણિક ઘટકોનું નિર્માણ કર્યું.
પૃથ્વીના આદિકાળમાં મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન જેવા સાદા વાયુઓ વાતાવરણમાં હતા. તે સમયે સતત વરસાદ પડતો હતો. અને વિદ્યુત-ચમકારા થતા હતા. તેનું તાપમાન પણ ઘણું ઊંચું હતું. તેમણે આવી પરિસ્થિતિ એક ચંબુમાં સર્જી.
તેમણે 1953માં એક સાદું કાચનું સાધન બનાવ્યું. તેને મિલરનું સાધન કહે છે. તેમાં એક જગાએથી ટેસ્લા કૉઇલમાંથી વિદ્યુતના તણખા થઈ શકે અને નીચેના ચંબુમાંનું પાણી ઊકળતું રાખી શકાય તેવી વ્યવસ્થા બનાવી. નળાવાળા ભાગમાં મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુઓ ભર્યા. આદ્ય પૃથ્વી જેવા આ કૃત્રિમ વાતાવરણમાં પાણીનો ચંબુ ગરમ કરવાથી પ્રક્રિયા શરૂ થઈ. અને વીજળીના તણખાથી ઉત્પન્ન થયેલાં સંયોજનો પાણીની વરાળ ઠંડી પડતાં નીચેની તરફ ગયાં અને નીચેના પાણીમાં એકત્રિત થયાં. અઠવાડિયા સુધી આ પ્રમાણે સતત પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી. ત્યારપછી ચંબુના પાણીનું રાસાયણિક વિશ્લેષણ કરતાં વિવિધ ઍમિનોઍસિડ, કાર્બોદિતો, ફૅટી ઍસિડ, પ્યુરીન અને પિરિમિડીન જેવાં નાઇટ્રોજનયુક્ત સંયોજનો વિપુલ પ્રમાણમાં મળી આવ્યાં. આ સંયોજનો જીવોત્પત્તિ માટે પાયો રચતાં મૂળભૂત જૈવિક એકમો હતા. રાસાયણિક ઉદવિકાસનું આ એક અત્યંત મહત્વનું સોપાન ગણાય છે.
તેમને જીવોત્પત્તિ ઉપરનાં સંશોધનો બદલ ઑપેરિન ચંદ્રક એનાયત થયો હતો. તેમણે એલ. એફ. ઑરગેલ સાથે મળી 1974માં ‘પૃથ્વી ઉપર જીવનો ઉદભવ’ (The Origin of Life on the Earth) નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ