મિલર, આર્થર (જ. 17 ઑક્ટોબર 1915, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 10 ફેબ્રુઆરી 2005, રોક્ષબરી, કનેકટીકટ, યુ.એસ.) : અમેરિકન નાટ્યલેખક. તેમના પિતાની નાણાકીય પાયમાલીને કારણે તેમનામાં યુવાનવયે ઉદાસી છવાઈ ગઈ અને તેમનું અસ્તિત્વ જાણે જોખમાઈ ગયું. હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ તેમણે વેરહાઉસમાં કામ કરીને મિશિગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન નાટકો લખવાની પ્રવૃત્તિ શરૂ કરી.
પ્રથમ નવલકથા ‘ફોકસ’ (1945) દ્વારા તેઓ લોકપ્રિય બન્યા. તેમની પ્રથમ નાટ્યકૃતિ ‘ઑલ માઇ સન્સ’ (1947) ખૂબ મહત્વની નીવડી. તેમાં ઇબ્સનનો પ્રભાવ ઝીલીને, જોખમી અને પ્રાણઘાતક યુદ્ધસામગ્રીના ઉત્પાદકની વેધક અને કરુણ કથા વણી લેવામાં આવી છે. ‘ડેથ ઑવ્ એ સેલ્સમૅન’ અમેરિકાનું તે સમયનું સૌથી પ્રખ્યાત કરુણાંત નાટક સાબિત થયું. આ નાટ્યકૃતિ ‘પુલિત્ઝર પ્રાઇઝ’ વિજેતા બની અને તેનાથી તેમને આંતરરાષ્ટ્રીય કીર્તિ સાંપડી. આ નાટક તથા ‘ધ ક્રૂસિબલ’ (1953) વિશ્વભરની રંગભૂમિ પર ભજવાયાં અને તેઓ નામાંકિત નાટ્યલેખક નીવડ્યા.
તેમનાં અન્ય નાટકોમાં ‘એ મેમરી ઑવ્ ટુ મન્ડેઝ’, ‘એ વ્યૂ ફ્રૉમ ધ બ્રિજ’, ‘આફ્ટર ધ ફૉલ’ (1964); ‘ધ પ્રાઇસ’ (1968) અને ‘આર્ચબિશપ્સ સીલિંગ’ (1977) મુખ્ય છે. એમણે કેટલાંક ચલચિત્રોની પટકથાઓ પણ લખી છે. તેમાં તેમનાં બીજાં પત્ની અભિનેત્રી મેરિલિન મનરો (1926–62) માટે લખેલ ‘ધ મિસફિટ્સ’ (1961) નોંધપાત્ર છે. ‘આઇ ડોન્ટ નીડ યુ એનીમોર’ નામનો તેમનો વાર્તાસંગ્રહ 1967માં અને થિયેટરો વિશેનો નિબંધસંગ્રહ 1977માં પ્રગટ થયા. મેરિલિન સાથેનો અલ્પજીવી લગ્ન-સંબંધ(1961માં છૂટાછેડા) તથા પ્રારંભિક સમયની તેમની સામ્યવાદી વિચારસરણીના કારણે સત્તાવાળાઓ સાથેના સંઘર્ષના પરિણામે તે પ્રચાર-માધ્યમોમાં ચમકતા રહ્યા હતા. 1987માં તેમની આત્મકથા ‘ટાઇમ બેન્ડ્ઝ’ પ્રગટ થઈ.
બળદેવભાઈ કનીજિયા