મિર્ઝોયાન, એડવર્ડ (જ. 12 મે 1921, ગોરી, જ્યૉર્જિયા; અ. 5 ઑક્ટોબર 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં 7–8 વરસની વયથી જ સંગીતની રચનાઓ સર્જવાનું તેમણે શરૂ કર્યું હતું. 1936માં યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સંગીતકાર વેર્ડ્કેસ ટાલ્યાનના શિષ્ય બન્યા. આર્મેનિયન લોકસંગીત અને રશિયન પ્રશિષ્ટ સંગીત – એ મિર્ઝોયાનના સંગીતના બે મુખ્ય પ્રેરણાસ્રોત બન્યા. તેમના સંગીતની શિરટોચ-સમી કૃતિ ‘સિમ્ફની ફૉર સ્ટ્રિન્ગ ઑર્કેસ્ટ્રા ઍન્ડ કેટલડ્રમ્સ’ને સમગ્ર સોવિયેત સંઘમાં લોકપ્રિયતા મળી. વળી જર્મની, રુમાનિયા અને બ્રિટનમાં તથા પૅરિસ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ટ્રિબ્યૂન ફૉર કમ્પોઝર્સમાં તેમને ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો. મિર્ઝોયાને આ ઉપરાંત ચેમ્બર મ્યૂઝિકનું; વાદ્યોની સંગત વિનાના કંઠ્ય સંગીતની રચનાઓનું તથા ફિલ્મો માટેના સંગીતનું પણ નિર્માણ કર્યું છે.
અમિતાભ મડિયા