મિયાસ્કૉવ્સ્કી, નિકોલાઇ

February, 2002

મિયાસ્કૉવ્સ્કી, નિકોલાઇ (Myaskovsky, Nikolai) (જ. 20 એપ્રિલ 1881, રશિયા; અ. 8 ઑગસ્ટ 1950, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. પેઢી-દર-પેઢી લશ્કરી હોદ્દા ધરાવતા કુટુંબમાં જન્મ. પોતે પણ લશ્કરી અફસરનો હોદ્દો 1906માં ત્યાગ્યો અને સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં તે જ વર્ષે સંગીતના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે સંગીતકાર શિક્ષકો લિયાદૉવ અને રિમ્સ્કી-કોર્સાકૉવનું તુરત જ ધ્યાન ખેંચ્યું અને ભવિષ્યમાં વિશ્વસંગીતક્ષેત્રે ઝળકનારા સંગીતકારો સર્ગેઈ પ્રોકોફીફ અને આસાફાયેવ સાથે દોસ્તી કેળવી. વિદ્યાર્થીકાળમાં રચેલી કૃતિઓનું મંચન તે જ સમયની સંગીતની મહેફિલોમાં થવા માંડ્યું, જેમાં પહેલી સિમ્ફની અને સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ખાસ ઉલ્લેખનીય છે. કન્ડક્ટર કૉન્સ્ટન્ટિન સારાઝેવ નિકોલાઇના સંગીતના તેઓ પ્રથમ રજૂકર્તા હતા. તેમની સાથે ગાઢી મૈત્રી થઈ, જે જીવનપર્યંત ટકી.

1911માં અભ્યાસ પૂરો કર્યા બાદ વાદ્યવૃંદ માટે બે સિમ્ફનિક પોએમ્સ – ‘સાઇલન્સ’ અને ‘ઍલ્સ્ટર’ (Alstor) રચ્યાં. કન્ડક્ટર સર્ગેઈ કોઉસેવિટ્સ્કીએ તેમનું પ્રથમ મંચન કરેલું.

1914માં ત્રીજી સિમ્ફની પૂરી કરી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં નિકોલાઈ રણમોરચે ફરજ બજાવી રહ્યા હોવાથી તેના પ્રથમ મંચનના સાક્ષી ન બની શક્યા. કન્ડક્ટર એમિલ કૂપર દ્વારા થયેલ આ મંચનને સફળતા મળી હતી. 1917માં સોવિયેત સત્તા સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપી શકવાને કારણે નિકોલાઇના સંગીતને સોવિયેત સંઘમાં મંચન માટે ખાસ્સી અનુકૂળતા મળી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ લશ્કરમાં સેવા આપવી ચાલુ રાખતા નિકોલાઇ લશ્કરી જવાનોના જીવન સાથે ખાસ્સા ઓતપ્રોત થઈ શક્યા અને ખૂબ નજીકથી તેમનાં આનંદ, ઉલ્લાસ, હર્ષ, શોક, દુ:ખ, ગ્લાનિ ઇત્યાદિ સંકુલ ભાવો અને પરિસ્થિતિને સમજી શક્યા. પોતાના સંગીતમાં અદના લશ્કરી જવાનની સંવેદનાને નિકોલાઇએ ખૂબ નિષ્ઠાપૂર્વક અને નજાકત સાથે વણી લીધી હોવાથી લશ્કરી જવાનોમાં તેઓ ખાસ્સા લોકપ્રિય થઈ પડ્યા. અવાજના માધ્યમ વડે અભિવ્યક્તિના સામર્થ્યને પ્રગટ કરતી તેમની કલાને કારણે તત્કાલીન સંગીતકારો અને સંગીત-વિવેચકો તેમની ‘અવાજના ભવ્ય કિલ્લા બાંધનાર’ (Builder of Powerful Castles of Sound) તરીકે પ્રશસ્તિ કરતા હતા. નિકોલાઇએ કુલ સત્તાવીસ સિમ્ફનીઓ સર્જી; તેમાંથી દસમીની પ્રેરણા ઍલેક્ઝાન્દર પુશ્કિનના કાવ્ય ‘ધ બ્રૉન્ઝ હૉર્સમૅન’ પરથી થઈ છે. તેમના સંગીતમાં પ્રશિષ્ટ રશિયન સંગીતપ્રણાલીના બે પ્રવાહો  મહાકથાત્મક (epic) અને ભાવાત્મક(lyrical)નું સંતુલિત મિલન જોવા મળે છે. તેમના શિષ્યોમાંથી વિસારિયૉન શેબાલિન, વાનો મુરાદેલી, આરામ ખાચાતુરિયન અને દમિત્રી કાબાલેવ્સ્કી વિખ્યાત સંગીતનિયોજકો થયા.

અમિતાભ મડિયા