મિને, જ્યૉર્જ (જ. 30 ઑગસ્ટ 1866, બેલ્જિયમ; અ. 18 ફેબ્રુઆરી 1941) : બેલ્જિયન શિલ્પી. બેલ્જિયમના પ્રતીકવાદી લેખકો મૉરિસ મેટરલિંક અને એમિલી વેરહારેનને તેમનાં પુસ્તકો માટે તેઓ કાષ્ઠછાપ (wood cut) વડે પ્રસંગચિત્રો તૈયાર કરી આપતા. આ લેખકોએ તેનો ‘લ વિન્ગ’ (The Twenty) નામના આધુનિક કલાકારોના જૂથ સાથે પરિચય કરાવ્યો. આ જૂથના 1890ના વાર્ષિક પ્રદર્શનમાં મિનેએ સફેદ આરસમાં રજૂ કરેલ શિલ્પ ‘ધ નીલિંગ બૉય’ને રાતોરાત પ્રસિદ્ધિ મળી. ‘ધ નીલિંગ બૉય’માં નાનકડા કુમળા છોકરાને અક્કડ મુદ્રામાં ઘૂંટણિયે પડતો દર્શાવાયો છે. આ શિલ્પને મળેલ પ્રસિદ્ધિથી પ્રેરાઈને મિનેએ ‘ફાઇવ નીલિંગ બૉયઝ’ નામનું સમૂહ-શિલ્પ સર્જ્યું હતું.
અમિતાભ મડિયા