મિનિયાપૉલિસ (Minneapolis) : યુ.એસ.ના મિનેસોટા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 58´ ઉ. અ. અને 93° 15´ પ. રે.. તે મિનેસોટા રાજ્યના અગ્નિભાગમાં, તેના જોડિયા શહેર સેન્ટ પૉલની બાજુમાં પશ્ચિમ તરફ આવેલું છે. ‘મિનિયાપૉલિસ’ શબ્દ અહીંના ઇન્ડિયન શબ્દ ‘મિન્ની’ (minne – પાણી) અને ગ્રીક શબ્દ ‘પૉલિસ’ (polis – શહેર) પરથી ઊતરી આવેલો છે. આ પ્રમાણેનું નામ આ શહેરની હદમાં 22 જેટલાં કુદરતી સરોવરો આવેલાં હોવાથી પડેલું છે. આ કારણે તે ‘સરોવરોના શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. મિનિયાપૉલિસ રજાઓ ગાળવા માટેનું પાટનગર પણ ગણાય છે. આ કારણે તેને ઉત્તર મિનેસોટાના સરોવર-પ્રદેશનું પ્રવેશદ્વાર પણ કહે છે. અહીં દર વર્ષે જુલાઈમાં મિનિયાપૉલિસ ખાતે જળક્રીડા ઍક્વૅટિનિયમ યોજાય છે. તેમાં નૌકા-સ્પર્ધા, વેશભૂષા-સ્પર્ધા, નૌકા-કવાયત અને જળનૃત્યો યોજાય છે.
આ શહેર 10 ચોકિમી. જેટલા તેના જળવિભાગ સહિત કુલ 153 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. મિસિસિપી નદી આ શહેરને નાના-મોટા બે વિભાગોમાં વહેંચી નાખે છે. મોટો વિભાગ નદીની પશ્ચિમ તરફ આવેલો છે. નદી પરના થર્ડ ઍવન્યૂ અને સિડાર ઍવન્યૂ નામના બે પુલો વચ્ચેના બંને કાંઠા પર આ શહેરની અનાજ દળવાની મિલોનો તથા પૂર્વ કાંઠે દેશની મોટી ગણાતી યુનિવર્સિટીઓ પૈકીની મિનેસોટા યુનિવર્સિટીનો વિશાળ વિસ્તાર પથરાયેલો છે. આશરે 12,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતું તથા 176 જેટલા વહીવટી વિભાગોનો સમાવેશ કરતું મિનિયાપૉલિસ મહાનગર મિનિયાપૉલિસનાં નવ અને વિસ્કૉન્સિનનું એક એવાં કુલ દસ પરગણાંમાં વહેંચાયેલું છે.
શહેરની વસ્તી 3,92,880 (2012) અને બૃહદ મિનિયાપૉલિસની કુલ વસ્તી 34,22,264 (2012) જેટલી છે. વસ્તીના મોટાભાગના લોકો યુ.એસ.ના જ મૂળ વતનીઓ છે. શહેરની 10 % વસ્તી જર્મનવંશી છે, અન્ય મુખ્ય સમૂહોમાં નૉર્વેજિયનો, સ્વીડિશ કે ઇંગ્લિશ છે. વસ્તીનો આશરે 8 % ભાગ અશ્વેતોનો છે. આશરે 21 % લોકો અમેરિકી ઇન્ડિયનો છે. યુ.એસ.ના કોઈ પણ શહેરમાં હોય તે કરતાં અહીં વધુ પ્રમાણમાં અમેરિકી ઇન્ડિયનોની વસ્તી જોવા મળે છે. અહીંના 75 % લોકો સેવા-ઉદ્યોગોમાં રોકાયેલા છે. આ ઉપરાંત જથ્થાબંધ તેમજ છૂટક વેપારમાં પણ કેટલાક લોકો નોકરી કરે છે. આ બધા વ્યવસાયોનાં મુખ્ય કાર્યાલયો પણ અહીં જ આવેલાં છે. મિનિયાપૉલિસ નાણાં, ઉદ્યોગો, વેપાર અને પરિવહન-ક્ષેત્રો માટેનું યુ.એસ.ના મધ્ય-પશ્ચિમ વિસ્તારનું મુખ્ય મથક છે. આ શહેરની મુખ્ય નાણાકીય કેન્દ્રમાં ગણના થાય છે. આ ઉપરાંત અહીંનાં છ રાજ્યોના વિસ્તારને આવરી લેતા નાઇન્થ ફેડરલ રિઝર્વ બૅંક ડિસ્ટ્રિક્ટનું મુખ્ય મથક પણ મિનિયાપૉલિસ જ છે. આ શહેરમાં વ્યાપારી ધોરણે થતા છાપકામનાં તથા માંસ-પ્રક્રમણના એકમો તથા આટાની મિલો આવેલાં છે. અહીંની અન્ય મહત્વની આર્થિક પ્રવૃત્તિઓમાં કમ્પ્યૂટરનાં ઉપકરણો તેમજ ઔદ્યોગિક યંત્રસામગ્રી બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
મિનિયાપૉલિસ – સેન્ટ પૉલ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. શહેરમાં છ જેટલા આંતરિક રેલમાર્ગો છે તથા સેન્ટ પૉલ સુધી પૅસેન્જર ગાડીની પણ સગવડ છે. મિસિસિપી નદી પર વીસ જેટલા પુલ આવેલા છે. અહીં ઘણા મુખ્ય રસ્તાઓ છે, તે પૈકી બે આંતરરાજ્ય ધોરી માર્ગો આ શહેરમાંથી પસાર થાય છે.
આજે જ્યાં મિનિયાપૉલિસ વસેલું છે ત્યાં સિઑક્સ (સ્થાનિક નામ ‘સુ’) નામના ઇન્ડિયનો ખેતી અને શિકારની પ્રવૃત્તિ કરતા હતા. ધર્મપ્રચારક તરીકે કામ કરતા લૂઈ હેનેપિન નામના બેલ્જિયને અહીં 1680માં મુલાકાત લીધેલી. 1819માં યુ.એસ. લશ્કરે અહીં સેન્ટ ઍન્થની નામનો એક કિલ્લો બાંધેલો, આજે તે સ્નેલિંગ કિલ્લાના નામથી ઓળખાય છે. આ વિસ્તારનાં પહોળાં ખેતરો અને સખત લાકડાવાળાં વૃક્ષો પસંદ પડી જવાથી 1840–50ના અરસામાં મેઇન રાજ્યના ખેડૂતો અને કઠિયારાઓ અહીં આવીને વસ્યા. વળી, મિસિસિપી નદી પરના અહીં નજીકમાં જ આવેલા સેન્ટ ઍન્થની ધોધને કારણે આટાની મિલો તથા લાટીઓને જરૂરી વીજળી પૂરી પાડી શકાતી હતી. આમ 1870 સુધીમાં તો મિનિયાપૉલિસ મિનેસોટાના લાટી-ઉદ્યોગનું મુખ્ય મથક બની રહ્યું. 1882થી 1930 સુધીમાં મિનિયાપૉલિસ દુનિયાભરમાં આટા-ઉત્પાદનમાં મોખરે આવી ગયું. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ આ શહેરમાં કમ્પ્યૂટર, વીજાણુ-સાધનસામગ્રી તથા કૃષિયંત્રસામગ્રીનું ઉત્પાદન થવા લાગ્યું. આજે આ શહેર શિક્ષણ અને છૂટક વેપાર જેવા સેવા-ઉદ્યોગો દ્વારા અહીંના 75 % લોકોને રોજીરોટી પૂરી પાડે છે અને આર્થિક પ્રવૃત્તિઓને ધમધમતી રાખે છે.
ગિરીશભાઈ પંડ્યા