મિક્સર-ગ્રાઇન્ડર

February, 2002

મિક્સર-ગ્રાઇન્ડર : વસ્તુઓને દળી-પીસી કે કાપીને એકરૂપ (સમરસ) બનાવતું સાધન. આ પ્રકારનાં સાધનો રસોઈના કામ માટે વપરાતી શાક-ભાજી જેવી વસ્તુઓથી માંડીને કારખાનાંઓમાં રસાયણોને કાપી/કચડી પીસી/દળીને મિશ્રિત કરવા માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. જ્યારે વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે ઊભા નળાકારમાં દાંતાવાળી/બ્લેડવાળી ચકરી(impeller)ને ફેરવવામાં આવે છે.

આકૃતિ 1માં તેને દર્શાવતું સાદું ચિત્ર છે. આ પ્રકારની દહીં વલોવી માખણ મેળવવાની રીત વર્ષોપુરાણી સાદી રીત છે. વલોવવામાં જેમ માણસની હાથની શક્તિ પહેલાં અપાતી હતી તેમ હવે આ સાધનમાં મોટરની વિદ્યુતશક્તિ અપાય છે. આધુનિક રસોઈગૃહમાં વપરાતાં અનેકવિધ મિક્સર-ગ્રાઇન્ડરોમાં મોટરની વિદ્યુતશક્તિનો ઉપયોગ થાય છે. તેમાં મિશ્રિત કરવાની વસ્તુનું કદ, પ્રમાણ કેટલા પ્રમાણમાં એકરસ બનાવવું છે વગેરે બાબતોને અનુલક્ષીને ઇલેક્ટ્રિક મોટરને જુદી જુદી ગતિ આપવાની તેમ જ તેમાં જુદી જુદી બ્લેડો બદલવાની પણ વ્યવસ્થા હોય છે.

આકૃતિ 1 : 1. મોટર, 2. કપલિંગ, 3. ગતિ-નિયંત્રક, 4. ટેકા, 5. જૅકેટ, 6. ઇમ્પેલર, 7. બેરિંગ, 8. સ્ટૅબિલાઇઝર, 9. કૉઇલ.

આકૃતિ 2 : સાદું મિક્સર-ગ્રાઇન્ડર

વસ્તુને દળવાનું/કાપવાનું કામ બ્લેડો કરતી હોઈ આ બ્લેડો સાધારણ રીતે ખાસ પ્રકારના સ્ટીલમાંથી (મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલમાંથી) બનાવેલી હોય છે. વળી તેને ધારદાર બનાવી ખાસ આકાર આપવામાં આવેલો હોય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ